Dakshin Gujarat

પૂર્ણા નદીનું જળસ્તર 2 કલાકમાં 4 ફૂટ વધતા તંત્ર ચિંતામાં મુકાયું, ડાંગ સાપુતારામાં રેલમછેલ

નવસારી : નવસારી જિલ્લામાં સતત બે દિવસથી વરસાદના જોરદાર ઝાપટા પડી રહ્યા હતા. ત્યારે આજે પણ જિલ્લામાં વરસાદી માહોલ રહેતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેથી જલાલપોર તાલુકામાં સાડા ત્રણ ઇંચ અને વાંસદા તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. પરંતુ ઉપરવાસમાં પણ વધુ વરસાદ વરસતો હોવાથી પૂર્ણા નદીનું પાણી 2 કલાકમાં 4 ફૂટ વધી જતા જિલ્લા તંત્ર દોડતું થયું હતું. જેથી સુપા-કુરેલ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ જતા બંધ કરવો પડ્યો હતો. જોકે ત્યારબાદ પૂર્ણા નદીના જળસ્તરમાં ઘટાડો થતા તંત્ર સહીત નવસારીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નવસારી જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. જેના પગલે નવસારી જિલ્લામાં વરસાદના જોરદાર ઝાપટા પડી રહ્યા છે. ચોમાસુ અંતિમ ચરણમાં છે. ત્યારે વરસાદી ઝાપટાઓ પડતા લોકો ચોમાસાનો આનંદ માણી રહ્યા છે. જોકે છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટાઓ જ પડી રહ્યા હતા. પરંતુ ગત સાંજથી જિલ્લામાં સારો વરસાદ વરસ્યો હતો. તેમજ આજે પણ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેથી આજે પણ સમગ્ર જિલ્લામાં વરસાદના જોરદાર ઝાપટા પડ્યા હતા.

તો બીજી તરફ ઉપરવાસમાં વરસાદ વધુ વરસી રહ્યો હતો. સવારે 8 વાગ્યા સુધી પૂર્ણા નદી 10 ફૂટે વહી રહી હતી. પરંતુ ઉપરવાસમાં વધુ વરસાદ વરસતા વરસાદનું પાણી પૂર્ણા નદીમાં આવતા સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં 4 ફૂટનો વધારો થતા 14 ફૂટે પહોંચી ગઈ હતી. જ્યારે સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન પૂર્ણા નદી 15.50 ફૂટે પહોંચી ગઈ હતી. જેથી નવસારી તાલુકાના સુપા-કુરેલ ગામને જોડતો લો-લેવલ બ્રિજ નદીના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેના પગલે જિલ્લા તંત્ર દોડતું થઇ ગયું હતું. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત પણ કરવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ પૂર્ણા નદીના જળસ્તરમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

  • નવસારી જિલ્લાનો 24 કલાકનો વરસાદ
  • જલાલપોર 3.5 ઇંચ
  • વાંસદા 2.2 ઇંચ
  • ચીખલી 1.8 ઇંચ
  • નવસારી 1.7 ઇંચ
  • ખેરગામ 1.5 ઇંચ
  • ગણદેવી 3 મી.મી.

ચીખલીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પોણા બે ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ
ઘેજ : ચીખલી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પોણા બે ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસતા લોકમાતાઓમાં પણ પાણીની સપાટી વધવા પામી હતી. તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી અંતિમ તબક્કાનું ચોમાસુ જામ્યું હોય તેમ ઘનઘોર વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગુરૂવારની મધરાત્રે બે વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયા બાદ ચાર કલાકમાં ૩૦-મીમી જેટલો વરસાદ વરસ્યો હતો. અને ત્યારબાદ છૂટો છવાયો વરસાદ ચાલુ રહેતા આ સાથે ૧.૭૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે બપોરબાદ વાદળો છવાયેલા રહ્યા હતા. પરંતુ વરસાદે વિરામ લીધો હતો.

ચીખલી સાથે ઉપરવાસમાં પણ વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા, કાવેરી અને ખરેરા સહિતની લોકમાતાઓ અને સ્થાનિક કોતરોમાં પાણીની સપાટી વધવા પામી હતી. ગ્રામ્ય વિસ્તારમાં ડાંગર સહિતના ખેતરોમાંથી પણ પાણી વહેવા સાથે સતત વરસાદથી શાકભાજીના પાકોને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે તાલુકામાં સિઝનનો વરસાદ ૧૦૪.૨૪ ઇંચ નોંધાયો હતો.

આહવામાં 3, સુબિરમાં 2.48, વઘઇમાં 2 ઈંચ અને સાપુતારામાં 1.16 ઈંચ વરસાદ
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ. શુક્રવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, માંળુગા, સાકરપાતળ, વઘઇ, ઝાવડા, ભેંસકાતરી, પીંપરી, કાલીબેલ, બરડીપાડા, મહાલ, સિંગાણા, સુબિર, લવચાલી, પીપલાઈદેવી, ગારખડી, ચીંચલી, આહવા, બોરખલ, ગલકુંડ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી સહીત વહેળા, કોતરડા, ઝરણાઓ અખૂટ જથ્થા સાથે વહેતા જોવા મળ્યા હતા. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે વઘઇનો ગીરાધોધ, ગિરમાળનો ગીરાધોધ સહીત નાના મોટા જળધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યા હતા. ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલની વચ્ચે સમયાંતરે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળો સૌંદર્યનાં સરતાજમાં વિલુપ્ત બની આહલાદક ભાસી ઉઠ્યા હતા. ગિરિમથક સાપુતારા સહીત ઘાટમાર્ગમાં ધુમ્મસિયા વાતાવરણનાં પગલે વિઝીબલીટી ઘટી હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 29 મીમી અર્થાત 1.16 ઈંચ, વઘઇ પંથકમાં 48 મીમી અર્થાત 1.92 ઈંચ, સુબિર પંથકમાં 62 મીમી અર્થાત 2.48 ઈંચ જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 75 મીમી અર્થાત 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top