વાપી : વાપીના (Vapi) બલીઠામાં દમણ ગંગા (Daman Ganga) નહેરમાં ગુરુવારે પાણીનો (Water) રંગ લાલ (Rad) થઈ જતા લોકોમાં આ વાતને લઈને રોષ જોવા મળ્યો હતો. બલીઠામાં એમક્યુબ બિલ્ડીંગની પાછળની ભાગ નહેરમાં લાલ રંગનું પાણી જોવા મળ્યું હતું. કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા કે અન્ય કારણથી પાણી રંગીન વહેવા લાગતા લોકોમાં તર્ક વિતર્ક જોવા મળ્યા હતા. વાપીની બિલખાડીમાં પણ ક્યારેક રંગીન પાણી વહેતું થતાં લોકોમાં રોષ જોવા મળતો હતો. પરંતુ ગુરુવારે તો નહેરનું પાણી રંગીન થઈ જતા જીપીસીબીને ફરિયાદ કરતા તેમની ટીમે રંગીન પાણીના નમૂના લઈને લેબમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે. હવે આ નહેરનું પાણી કોણે દુષિત કર્યુ તે વાતની તપાસ થવી જોઈએ.
- વાપીના બલીઠાની નહેરમાં ઔદ્યોગિક એકમનું પાણી રંગીન વહેવા લાગતા લોકોમાં તર્ક વિતર્ક
- ખેતી માટે અને પીવા માટે વપરાતું પાણી રંગીન થતાં લોકોએ ફરિયાદ કરી, જીપીસીબીએ નમૂના લીધા
વાપી એસ્ટેટમાં કેટલાક એકમો સમયાંતરે આવી હરકતો કરતા રહે છે તેના કારણે આખા વાપી એસ્ટેટનું નામ ખરાબ થાય છે. દમણ ગંગા નહેર વિભાગના સંબંધિત અધિકારીઓ દ્વારા રંગીન પાણી માટે જે કોઈ જવાબદાર હોય તેની સામે પગલા લેવા જોઈએ. બલીઠા પાસે નહેરમાં જે પ્રકારે લાલ રંગનું પાણી આખી નહેરમાં વહેતું જોવા મળ્યું તેનાથી નહેર વિભાગના લોકોએ પણ જે ધ્યાન આપવું જોઈએ તે આપતા નહીં હોવાનું સામે આવ્યું છે. હવે આ રંગીન પાણીમાં કેમિકલ કે અન્ય પ્રકારનું દુષિત પ્રવાહી ભળ્યું છે કે કેમ ? તે તો નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ જણાશે. પરંતુ રંગીન પાણી નહેર દ્વારા કોઈ ખેતર કે લોકોના પીવા માટે પહોંચી ગયું તેને તો રોકવાની જવાબદારી નહેર વિભાગની છે. નલ સે જલ જેવી યોજાનાઓ છે. પરંતુ દુષિત જલને રોકવા માટે હવે સરકારે પણ કડક હાથે કાર્યવાહી કરવાની જરૂર છે.
15 વર્ષથી પગાર નહીં વધતા મોટી દમણ વીજ કંપનીના કામદારો હડતાલ પર
દમણ : સંઘ પ્રદેશ દમણના મોટી દમણ વીજ કંપનીના 100 થી વધુ કર્મચારીઓ પગાર વધારાના મુદ્દે હડતાલ પર ઉતરી કામથી અળગા રહ્યા હતા. છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી કામ કરતા કર્મચારીઓનો પગાર આટલા વર્ષો વીતી જવા છતાં પણ વધારો નહીં કરવાના કારણે કામદારો હડતાલ પર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો. સાથે કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે પગાર પણ ઓછો આપવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
મોટાભાગના કર્મચારીઓ વર્ષોથી કામ કરી રહ્યા છે. એટલું જ નહીં પણ 12 થી 14 કલાક વીજ વિભાગના જોખમ ભર્યા કામ કરવા છતાં પગાર ફક્ત 9 હજાર જેટલો જ આપવામાં આવી રહ્યો છે. અનેકવાર વીજ કંપનીના અધિકારીઓને પગાર વધારા બાબતે રજૂઆત કરી હોવા છતાં કોઈ નિકાલ આવ્યો નહીં હોવાનું કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે આજની હડતાલને લઈ વીજ કંપનીના સંચાલકે પણ ઓફિસ બહાર આવી કામદારોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હોવાની જાણ વીજ કંપનીના એક્સિક્યુટીવ ઈજનેરને થતાં તેઓ પણ જગ્યા સ્થળ પર આવી કર્મચારીઓ સાથે વાટાઘાટ કરી જરૂરી સમજણ આપી હતી. જે બાદ હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ શાંત થયા હતા. ઉલ્લેખનિય છે કે, દાનહ-દમણ-દીવ વીજ વિભાગના ખાનગીકરણ થયા બાદ વીજ વિભાગ ટોરેન્ટ પાવર હસ્તગત થવા પામ્યું છે. ત્યારે ટોરેન્ટ પાવરના સંચાલકો વર્ષોથી દમણ વીજ કંપનીમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓનો પગાર વધારો કરે છે કે કેમ એ હવે જોવું રહ્યું.