અમદાવાદ: અમદાવાદ(Ahmedabad)માં ફરી ધોધમાર વરસાદ(Rainfall) શરુ થયો છે. વીજળીના કડાકા સાથે એક કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા હતા. તો ભારે ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. ન્યૂ રાણીપ ઓવરબ્રિજ પર છેલ્લી 20 મિનિટથી ભારે ટ્રાફિકજામ થયો હતો.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદના ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, ઇન્કમટેકસ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ચાંદલોડિયા, નિર્ણયનગર, રાણીપ વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પાલડી, વાસણા, વેજલપુર, શાહપુર, દરિયાપુર, શાહીબાગ, મેમકો, સરસપુર, મણિનગર, બોડકદેવ, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, ઓઢવ, વિરાટનગર વિસ્તારમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદનાં પગલે ચામુંડા બ્રિજથી સરસપુર સુધી, ગિરધરનગર શાહીબાગ અને અસારવા ચકલા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી બાજુ, વરસાદના પાણી ભરાતાં અખબારનગર અને મોટી વણઝાર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
દિવાલ ધરાશાયી થતાં 3 લોકોના મોત
અમદાવાદમાં ઓગણજ(Ognaj) વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઓગણજ વિસ્તારમાં ભારે વરસાદનાં પગલે વેદાંત કદમ પાછળ દશેશ્રર ફાર્મની દીવાલ(Wall) પાસે મજુરો ઊભા હતા. જે દીવાલ પર પરિવાર ઉભો હતો તે દીવાલ જ પરિવાર પર ધસી પડી(Collapsed) હતી. જેના કારણે પાંચ મજુરો દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતા ભારે શોધખોળ કર્યા બાદ અંદરથી ત્રણ વ્યક્તિ મૃત(Death) હાલતમાં મળ્યા હતા. જેને લઈ પરિવાજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ તરફ અન્ય બે ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. આ તમામ મજૂરો વરસાદથી બચવા દીવાલ પાસે ઉભા હતા.
શાળાઓ બંધ રાખવાનો નિર્ણય શાળાના આચાર્ય પર છોડાયો
અમદાવાદમાં વરસાદે ફરી એન્ટ્રી લેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં બાળકોને શાળાએ મોકલવા કે નહીં એ બાબતે DEOએ મોટો નિર્ણય કર્યો છે. DEOએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય શાળાના આચાર્ય પર છોડાયો છે. DEOએ શાળાઓને સુચના આપી હતી તેમજ દરેક શાળાના આચાર્યને વિવેક બુદ્ધિથી નિર્ણય કરવા સુચન આપ્યું હતું.