ચૂંટણી આવ્યા બાદ વાતાવરણમાં ખરેખર ફેરફાર આવી જતો હોય છે, જે નેતાઓનાં દર્શન કરવા તમે તડપી જતાં હો એ સીધા તમારા ઘર સુધી આવી પહોંચતા હોય છે. રસ્તામાં ક્યાંક મળીને કેમ છો નો જવાબ ન આપી શકનારા તમારા આખા પરિવારની ખબર લેતા હોય છે અને એટલે જ કોઇકે કહ્યું છે કે ગરીબ કી થાલીમાં જબ પુલાવ આયા, સમજો દેશમેં ચુનાવ આયા.. આવી સ્થિતિ કેમ પેદા થઇ છે.
કેમ નેતાઓ પોતાના સમય મુજબ પ્રજા સાથે સંબંધો બદલે છે એની પાછળ એક કારણ છે જે દરેક મતદારે જાણવાની જરૂર છે અને એ છે તમારા મતનું મહત્ત્વ. મતદાનની આગલી સાંજે 500 રૂ.માં વેચાતા તમારા મતનું મહત્ત્વ એટલું છે કે તમારે પાંચ વર્ષ સુધી એ નેતાને સહન કરવો પડે છે.
500 રૂ.માં આપણે આપણી ઇમાનદારી જ નથી વેચતાં પરંતુ સાથે સાથે દેશને પણ વેચીએ છીએ. આવતી કાલે સુરત સહિત ગુજરાતની 6 મહાનગરપાલિકાઓ માટે ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે કોઇ પાર્ટીને કે નેતાને જોઇને નહીં પરંતુ તમારા સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરજો. દેશના નેતા અને તેના મુદ્દાઓ અલગ હોય છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમારા વિસ્તારમાં થયેલાં કામો પર મત આપવાનો હોય છે.
છેલ્લાં પાંચ વર્ષમાં ક્યાં કામો થયાં છે, કઇ પાર્ટીના નેતાએ શું વાયદો કરેલો અને તેમાંથી કેટલું કામ થયું છે એ જોવાનો આ સમય છે. તમારા ઘરે મત માગવા આવનાર નેતાને ચા ભલે પીવડાવો પરંતુ સાથે સાથે એ પણ પૂછો કે આ કામ કેમ નથી થયું અને અમે તમને કેમ મત આપીએ. સ્થાનિક સ્તરે પ્રાથમિક સુવિધાઓની કમીનો મુદ્દો દરેક ચૂંટણીમાં ઊઠે છે પરંતુ મત આપવામાં આવે છે પાર્ટીને જોઇને, કોઇ મત આપે છે પોતાના સમાજના નેતાઓને જોઇને.
સુરતમાં તો એક ભાઇને એવું પણ સૂઝેલું કે અલગ અલગ પાર્ટીમાં ઊભેલા પોતાના જ સમાજના મત આપવા જોઇએ. એક વોર્ડમાં ચાર ઉમેદવારોને જીતાડવાના હોય છે તો ચારેય એક સમાજના જીતે એવી કોશિષ કરવામાં આવી છે. આ એક પ્રકારનો જાતિવાદ છે અને ચૂંટણીમાં આવી કોશિષ કરનાર સામે પક્ષોએ જ નહીં પરંતુ કાયદાઓએ પણ પગલાં લેવાં જોઇએ.
આમ આદમી પાર્ટી દમ દેખાડી શકશે?
ગુજરાતની 6 મહાનગરપાલિકા માટે આવતી કાલે મતદાન થવા જઇ રહ્યું છે. આ તમામ 6 મહાનગરપાલિકાઓ પર હાલ ભાજપનું શાસન છે અને આંકડાઓ તેમ જ નિષ્ણાતો ફરી ભાજપના જીતની આગાહી કરી રહ્યા છે. રવિવારે યોજાનારી ચૂંટણીમાં જો કે, આ વખતે આમ આદમી પાર્ટીએ જોર દેખાડ્યું છે અને ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. ગુજરાતમાં ચૂંટણીનો સ્વભાવ એવો રહ્યો છે કે અહીં ત્રીજો પક્ષ ક્યારેય સફળ થયો નથી.
એવું નથી કે આમ આદમી પાર્ટી પહેલી વખત ગુજરાતમાં નસીબ અજમાવી રહી છે. આ પહેલાં પણ પાર્ટીએ કોશિષ કરી હતી પરંતુ સ્થાનિક સ્તર પર કોઇ અપીલ કરી શકે તેવો ચહેરો પાર્ટીને મળ્યો ન હતો પરંતુ આ વખતે અરવિંદ કેજરીવાલનો ચહેરો સામે રાખીને પાર્ટીએ ગુજરાતની રાજનીતિમાં ઝંપલાવ્યું છે અને એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કરેલાં કામોને આગળ ધરીને ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવા માગે છે.
જે રીતે ગુજરાતનું શાસન દેખાડીને ભાજપે અલગ અલગ રાજ્યોમાં અને હવે દેશમાં પકડ મજબૂત કરી છે એ રીતે આમ આદમી પાર્ટી દિલ્હીમાં જે પાણી અને વીજળી મફત આપીને લોકોને ખુશ કર્યા છે એ રીતે ગુજરાતમાં પણ એ જ રણનીતિ સાથે આગળ વધી રહી છે પરંતુ ગુજરાતમાં આ વસ્તુઓ કરવી એટલી સહેલી નથી. એક પૂર્ણ રાજ્ય અને અર્ધપૂર્ણ રાજ્યને ચલાવવું એ બંનેમાં ઘણો ફેર હોય છે.
દિલ્હીમાં માત્ર દિલ્હી સરકાર જ નહીં પરંતુ કેન્દ્ર સરકારનો પણ સહયોગ રહે છે અને ઘણું બધું એવું હોય છે જે ગવર્નરના હસ્તક હોય છે. જો કે, કેજરીવાલના હાથમાં જેટલી બાબતો છે તેને તેઓ ચમકાવવામાં સફળ રહ્યા છે અને હવે એ મુદ્દાઓ સાથે પાર્ટી અન્ય રાજ્યોમાં નસીબ અજમાવવા માગે છે. ભાજપનું સંગઠન આ તમામ શહેરોમાં મજબૂત છે અને કોંગ્રેસ પાસે એવો કોઇ એજન્ડા નથી, જે પરિવર્તન લાવવાની કોશિષ કરી શકે એવામાં આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણીમાં ભલે કોઇ મોટો ચમત્કાર ન કરી શકે પરંતુ કોંગ્રેસને દોડતી તો કરી જ શકે છે, જે સુસ્ત પડ્યું છે.
દિલ્હીમાં જે રીતે કોંગ્રેસના નેતા અને કોંગ્રેસની વોટબેન્ક આમ આદમી પાર્ટીમાં મર્જ થઇ છે એવી જ કોશિષ ગુજરાતમાં પણ થઇ રહી છે અને તેની ચિંતા ગુજરાત કોંગ્રેસને થવી જોઇએ. કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં આમ આદમી પાર્ટી જોર લગાવી રહી છે અને તેનાથી એક વાત સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજી તાકાત બનીને ઉભરી શકે છે અને તેની ખાસ અસર ભાજપ પર નહીં પડે પરંતુ કોંગ્રેસને જરૂર મોટું નુકસાન પહોંચાડી શકે છે.