SURAT

SDCAની ચૂંટણીમાં સત્તાલાલચુ મુન્શીની સોદાબાજીના લીધે પરિવર્તન પેનલનું અસ્તિત્વ જ ભૂંસાઈ ગયું

સુરત: ધી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં શુક્રવારે નવો વળાંક આવ્યો હતો. બે વર્ષ અગાઉ સ્વ.હેમંત કોન્ટ્રાક્ટર અને કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલ સામે પરિવર્તન પેનલ ઉતારી કોન્ટ્રાક્ટર બંધુઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરનાર પરિવર્તન પેનલના પ્રણેતા વિપુલ મુનશીએ પોતાની સત્તાલાલસા પૂર્ણ કરવા યુ ટર્ન લઈ પરિવર્તન પેનલનું સ્ટેડિયમ પેનલમાં વિલીનીકરણ કરી દેતાં પરિવર્તન પેનલના કેટલાક અગ્રણીઓ નારાજ થયા છે.

  • સત્તાલાલચુ વિપુલ મુનશીની પરિવર્તન પેનલ 5 ઉમેદવાર સાથે સ્ટેડિયમ પેનલમાં ભળી ગઈ
  • કોન્ટ્રાક્ટર પરિવાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરનાર વિપુલ મુનશીને કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે સ્ટેડિયમ પેનલમાં સ્થાન આપતાં વિવાદ

SDCAમાં વર્ષો ડિરેક્ટર રહેલા એક અગ્રણીએ વિપુલ મુનશીની સોદાબાજીથી નારાજ થઈ ફોર્મ ભરવા જ ઇનકાર કરી દીધો હતો. પરિવર્તન પેનલ બે વર્ષ અગાઉ SDCA અને સ્ટેડિયમ પરિસરના પ્રોજેક્ટ સામે ગેરરીતિના આક્ષેપો કરતું હતું. પ્રચાર દરમિયાન કાનિયાભાઈને ડિફોલ્ટર તરીકે તરીકે લેખાવતું હતું, પણ આજે અચાનક 5/7ની ફોર્મ્યુલાની પેનલના સભ્યોને જાણ કરી બાકીના 13 જેટલા ઉમેદવારોને ફોર્મ ખેંચવાનું જણાવતાં કચવાટ ઊભો થયો છે.

પરિવર્તનના 3 ઉમેદવાર તો ફોર્મ ચકાસણીમાં જ નીકળી ગયા હતા. આ વખતે પરિવર્તન પેનલની હાલત પતલી હોવાથી વિપુલ મુનશીએ સ્ટેડિયમમાં પોતાનું નામ ગોઠવ્યા પછી હરીશ ઉમરીગર, નિસર્ગ પટેલ, સંજય પટેલ, પ્રમોદ મદ્રાસીનું નામ મુકાવી 5 બેઠકમાં માની ગયા હતા.

જ્યારે પરિવર્તન પેનલના મૂળ અગ્રણી મનીષ ગાંધી અને કલ્પેશ મહેતાને સ્ટેડિયમ પેનલ જીતશે તો બંનેને કો.ઓપ્ટ કરશે એવું ગાજર લટકાવી મનાવી લીધા હોવાની ચર્ચા છે. કનૈયાલાલ કોન્ટ્રાક્ટર એક જ થાપટે પરિવર્તનના 5 સભ્યો સમાવી લઈ મુખ્ય હરીફ પેનલને જ પાડી દઈ હરીફાઈની બહાર કરી દીધી છે.

બીજી તરફ સ્વ.હેમંત કોન્ટ્રાક્ટરનાં પત્ની અને કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરનાં સગા ભાભી નયનાબેન કોન્ટ્રાક્ટર અને તેઓની દીકરી યેશા કોન્ટ્રાક્ટરે લાલભાઇ પેનલ ઉતારતાં કોન્ટ્રાક્ટર પરિવારનો ઘરનો ઝઘડો બહાર આવ્યો છે. હેમંતભાઈના દીકરી યેશા કોન્ટ્રાક્ટરના સમર્થનમાં 40 જેટલા ઉમેદવારે ફોર્મ ભરતાં ચૂંટણી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલ સમયે નયના-યેશા હેમંત કોન્ટ્રાક્ટરની લાલભાઇ પેનલ વચ્ચેનો બની રહેશે.

પરિવર્તન પેનલના બાકી બચેલા ઉમેદવારો અને અપક્ષ ભેગા થાય તો ત્રીજી એક પેનલ બનવાની પણ સ્થિતિ છે. 24 માર્ચે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે જ ચિત્ર સ્પષ્ટ થશે કે ચૂંટણી બે પેનલ વચ્ચે થશે કે ત્રણ પેનલ વચ્ચે.

છેતરાયા હોવાની સભ્યોમાં લાગણી
દરમિયાન લાલભાઈ સ્ટેડિયમની ચૂંટણીમાં છેલ્લા બાર વર્ષમાં ત્રણ વખત સ્ટેડિયમ પેનલ ની સામે ચુંટણી લડનાર પરિવર્તન પેનલ ના પાંચ સભ્ય અને તેમના નેતા વિપુલ મુનશી સ્ટેડિયમ પેનલમાં ભળી જતા છેલ્લી ત્રણ ચૂંટણીમાં પરિવર્તન પેનલના જે સમર્થકો હતા તેની સાથે દગો કર્યો અને જે સભાસદો જેઓએ પરિવર્તન પેનલ ઉપર વિશ્વાસ રાખી મત આપ્યા હતા તે તમામ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની સભ્યોમાં લાગણી ફેલાઈ છે.

7 ઉમેદવારનાં ફોર્મ રદ કરવાના ચૂંટણી કમિશનરના નિર્ણયને એપેલેટ અધિકારીએ માન્ય રાખી અપીલ ફગાવી
ધી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)ની 21 સભ્યની મેનેજિંગ કમિટીની ચૂંટણી માટે કુલ 108 ઉમેદવારે ફોર્મ ભર્યાં હતાં. ગઈકાલે ફોર્મ ચકાસણી દરમિયાન ટેક્નિકલ ભૂલોને કારણે ચૂંટણીના નિયમો મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર એડ્વોકેટ આર.જી.શાહે 7 ઉમેદવારનાં ફોર્મ રદ કર્યાં હતાં.

પટેલ વિમલ બાબુભાઈ, મહેતા કલ્પેશ કાંતિલાલ, કોરેથ સાયમન વર્ગીસ, મલજી સૌરભ જગદીશ, પટેલ નિકેત સુનીલ, શાહ પ્રતીક સુરેન્દ્ર અને પટેલ સંજય લખુભાઈનાં ફોર્મ રદ કરેલા જાહેર કરી ચૂંટણી કમિટીએ તેઓને 24 કલાકમાં બચાવ કરવાની તક આપી હતી.

એ પૈકી કેટલાકે અપીલ અરજી કરી હતી, પણ એપેલેટ અધિકારી જ્યોતિન્દ્ર ગજીવાલાએ રદ થયેલા ફોર્મ નિયમ મુજબ થયા હોવાનો અપીલમાં અંતિમ નિર્ણય જાહેર કર્યો હતો. નેહલ ચંદ્રકાંત ગાંધી નામના ઉમેદવારે પ્રતીક પટેલ નામના સાક્ષીનો ઉલ્લેખ કરી સ્ટેડિયમ પેનલના ઉમેદવાર અને ખજાનચી મયંક દેસાઈએ ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરવા ધમકી આપી હોવાના આક્ષેપો સાથેની લેખિત ફરિયાદ કરી હતી. આ મામલામાં નેહલ ચંદ્રકાંત ગાંધીએ અરજી પછી ખેંચી લેતાં પ્રકરણ પૂરું થયું હતું.

Most Popular

To Top