Charchapatra

સુરતનાં રમજાન બજારોની આગવી અનોખી રોનક

રમજાન મહિનો આવે એટલે ઠેકઠેકાણે સ્પેશ્યલ રમજાન બજારો ભરાય છે.પહેલાં રાંદેર ઝાંપાબજારમાં આ બજાર ભરાતું હતું. હવે રાંદેર, ઝાંપાબજાર, સગરામપુરા, તલાવડી, ચોક બજાર, નાનપુરા, મુરગવાન ટેકરા, લિંબાયત, મીઠી ખાડી સહિત અનેક સ્થળોએ નાનાં મોટાં બજારો ભરાય છે. સુરતના લાલ ટાવરની જરા નીચે તમે આવો એટલે ઝાંપાબજાર આવે, અહીં બારે માસ વેજ નોનવેજ વાનગીઓ મળે છે.પણ રમજાન મહિનાના બજારની આગવી રોનક અને શાન હોય છે. સુરતીઓ આમ પણ ખાવાપીવાનાં શોખીન ગણાય છે.

અહીં ઝાંપાબજારમાં એટલી બધી વેજ નોનવેજ વાનગીઓ મળે છે કે તમને એમ થાય કે આ વાનગીનો ટેસ્ટ કરું કે પેલી વાનગીનો ટેસ્ટ કરું? સ્વાદરસિયા સુરતીઓ ગરમાગરમ ખાઈ લે છે, પછી પાછા ઘર માટે પણ પાર્સલ લઈ જાય છે. આ બજારની રોનક રાતે માણવા જેવી હોય છે, માત્ર સુરત જ નહીં, ઠેઠ દક્ષિણ ગુજરાતના નાના કસ્બાઓ, ગામડાંઓમાંથી પણ લોકો આ બજારની મુલાકાત લે છે.અહીં અલગ અલગ વિવિધ સ્વાદિષ્ટ વાનગી ગરમાગરમ ટેસ્ટફુલ મળે છે. સાથોસાથ વાજબી અને કિફાયતી ભાવે તમારા ખિસ્સાને પોષાય એ ભાવે મળે છે.  અહીં કોઈ પણ વેપારીને કોઈ પણ ગ્રાહક સાથે રૂપિયા બાબતે કોઇ રકઝક આજ દિન સુધી થઈ નથી.

આ વેપારીઓની આવડત કલા અને વ્યવહાર ગજબનો છે. તમને અહીં એ ટુ ઝેડ વસ્તુઓ મળી રહેશે.ખાવાપીવાની વાનગીઓ સાથે કપડાં બુટચંપલ કટરેલી સામાન પટ્ટાઓ મોજાં ટોપી, ચશ્માં બધું જ મળી આવશે.  ખાવાપીવાની તો અઢળક આઇટમો મળશે. અહીં સમોસામાં જ દસ વેરાયટી મળશે. દાળના સમોસા, બટાકાના સમોસા, ચીકનના સમોસા, મટનના સમોસા મળશે,  મસાલા ઢોસા તમને 50 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધીની વેરાયટીઓ મળશે. દાળ નાળિયેરની ચટણી સાથે તમે માંગો એવા મસાલા ઢોસા મળશે. રમજાન મહિનાનું ખાસ આકર્ષણ પરાઠા અને કુલ્ફીઓ હોય છે.ગરમાગરમ પરાઠા તમને માંગો એવા મળશે.

તમે એક જ પરાઠું ખાઈ લો તો તમારું પેટ ભરાઈ જાય.પરાઠાનો સ્વાદ અને લિજ્જત માણવા જેવી હોય છે.  પરાઠા પછી તમારા માટે વિવિધ ફ્લેવરમાં ઠંડી મીઠી કુલ્ફીઓ હાજર છે.સરસ મજાની કુલફીનો સ્વાદ જ નિરાળો હોય છે. ચીકનની તો તમને સેંકડો વાનગીઓ મળશે. લેગ પીસ, સીના પીસ, આખી ચિકન મચ્છી મસાલા ચિકન ચિકન 65 જેવી સેંકડો ચીકનની વાનગીઓ ગરમાગરમ મળશે. ફાલુદો હૉલા દૂધ મળશે. વરસોથી જાણીતી અને માનીતી બારાહાડીની અવનવી વાનગીઓ નલલી નિહારી પાયા સહિતની વેરાયટીઓ તમારા મોઢામાં પાણી લાવી દેશે. માલપુડા ચણા ચટપટી આલુપુરી ખાવસા પણ હાજર છે.

બિરયાનીનાં શોખીનો માટે મટન બિરયાની, ચિકન બિરયાની હાજર જ છે. પુલાવ પાત્રા ગોસ દાળભાત ચણા મસાલા દૂધી ગુવાર સિંગ સરગવાની સિંગ પણ મળી આવશે.  આઈસ્ક્રીમ વિવિધ ફ્લેવરમાં અને માંગો તે પીણાં પણ ઠંડાં મળશે. વરસોથી તવાની આઇટમો વેચતા વેપારીઓ નાનચાપ ખીમાની સિક કલેજી ખીરી મટનની વાનગીઓ પણ ગરમાગરમ હાજરમાં મળશે.એક અનોખું અનન્ય આગવું અદ્ભુત અણમોલ બજાર હોય છે. તમે એક વખત મુલાકાત લો તો તમને વારંવાર આવવાનું મન થશે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top