કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નેજા હેઠળની એક સંસ્થા દ્વારા બેસાડવામાં આવેલી નિષ્ણાતોની એક સમિતિએ આગહી કરી છે કે કોવિડ-૧૯નું ત્રીજુ઼ મોજું દેશમાં સપ્ટેમ્બર અને ઓકટોબરની વચ્ચે કોઇ પણ સમયે ત્રાટકી શકે છે અને આ સમિતિએ રસીકરણ ઝડપી બનાવવા માટે સૂચન કર્યું છે.
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ(એનઆઇડીએમ) દ્વારા રચવામાં આવેલી આ સમિતિએ એમ પણ જણાવ્યું હતું કે આ રોગચાળામાં બાળકોને પણ મોટેરાઓ જેટલો જ ભય રહેશે અને આથી બાળકો માટેની સવલતો, ડોકટરો અને સાધનો જેવા કે વેન્ટિલેટરો, એમ્બ્યુલન્સો વગેરે જો મોટા પ્રમાણમાં બાળકો ચેપગ્રસ્ત બને તો જરૂરના સ્થળેથી નજીક રાખવા માટે ભલામણ કરવામાં આવી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અગ્રણી નિષ્ણાતોએ ભારતમાં કોવિડ-૧૯નું ત્રીજું મોજું આવવાની ચેતવણી આપી છે.
રોગચાળાશાસ્ત્રીઓએ એવી પણ ચેતવણી આપી છે કે રોગમાં ઉછાળાઓની શ્રૃંખલાથી ચેપો વડે અથવા તો રસીકરણ મારફતે હર્ડ ઇમ્યુનિટી સર્જાઇ શકે છે અને આ રોગ એન્ડેમિકમાં ફેરવાઇ શકે છે. એનઆઇડીએમના આ અહેવાલે આઇઆઇટી કાનપુરના નિષ્ણાતોઅને આગાહી ટાંકી છે જેમાં ત્રણ સિનારીયો અંદાજવામાં આવ્યા છે. એક તો ત્રીજું મોજું ઓકટોબરમાં વેગ પકડી શકે છે અને તેમાં દરરોજના ૩.૨ લાખ કેસો નીકળી શકે છે. બીજામાં વધુ ચેપી વેરિઅન્ટ સાથે સપ્ટેમ્બરમાં પિક આવી શકે છે અને તેમાં દરરોજના પાંચ લાખ જેટલા કેસો નીકળી શકે છે અને ત્રીજામાં નિષ્ણાતો એવી ચેતવણી આપે છે કે ઓકટોબરમાં મોડેથી પિક આવી શકે છે અને તેમાં દરરોજના બે લાખ જેટલા કેસો નિકળી શકે છે.
વધુ ચેપી વેરિઅન્ટ સ્થિતિ બગાડી શકે છે
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉ એવી ધારણા રાખવામાં આવી હતી કે વસ્તીના જો ૬૭ ટકા લોકો ઇમ્યુન થઇ જાય(કેટલાક ચેપથી અને બાકીના રસીકરણથી) તો હર્ડ ઇમ્યુનિટિ સર્જાઇ શકે. પણ સાર્સ કોવ-ટુના વધુ ચેપી વેરિઅન્ટો આવ્યા છે અને તે અગાઉના ચેપોથી સર્જાયેલ ઇમ્યુનિટીને થાપ આપી શકે છે આથી હવે હર્ડ ઇમ્યુનિટી માટે ૮૦થી ૯૦ ટકા વસ્તીનું ઇમ્યુન થવું જરૂરી છે.
જો રસીકરણની ગતિ વધારવામાં નહીં આવે તો દરરોજના છ લાખ કેસો પણ આવી શકે
વડાપ્રધાન કાર્યાલયને જે અહેવાલ સોંપવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં ભારતમાં ફક્ત ૭.૬ ટકા (૧૦.૪ કરોડ) લોકોનું જ સંપૂર્ણ રસીકરણ થયું છે અને જો હાલના રસીકરણની ઝડપ વધારવામાં નહીં આવે તો આગામી મોજામાં ભારતમાં દરરોજના છ લાખ કેસો નીકળી શકે છે.
સુત્ર મોડેલ મુજબ રસીકરણને લીધે ત્રીજી લહેરની શક્યતા નહીંવત
આઇઆઇટી ખડગપુરના એક વૈજ્ઞાનિક મનીન્દ્ર અગરવાલ કે જેઓ કેસોમાં વધારાની ગણતરી માટે સૂત્ર મોડેલ તૈયાર કરનાર ટીમના એક સભ્ય છે તેમની ગણતરી પ્રમાણે જો ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ચેપી એવો વેરિઅન્ટ આવે તો ત્રીજા મોજાની પિક નવેમ્બરમાં આવી શકે છે. જો કે તેમણે જણાવ્યું છે કે ત્રીજા મોજામાં દૈનિક કેસો બીજા મોજા જેટલા નહીં નીકળી શકે અને રોજના દોઢ લાખ કેસો પિકના સમયગાળામાં નીકળી શકે છે. તેઓ માને છે કે ત્રીજી લહેરની આશંકા હવે ના બરાબર છે. એનું કારણ રસીકરણ છે.