સર્વોચ્ચ અદાલતે કિશોરીઓના માસિક ધર્મના આરોગ્યને મૂળભૂત અધિકારનો દરજ્જો આપી સમયોચિત પ્રશંસનીય ચુકાદો જાહેર કરેલ છે. ભૂતકાળમાં સર્વોચ્ચ અદાલતે આરોગ્ય સેવાનો અધિકાર ગણેલ છે. પંરતુ આ મુદ્દે આ સ્પષ્ટ ચુકાદો જાહેર થયો તે આવકાર્ય છે. માસિક ધર્મ કુદરતી હોવા છતાં તેને શરમજનક તેમ જ છુપાવવાયોગ્ય સમાજ ગણે છે. શરૂઆતના તબક્કે કિશોરીઓમાં ડરનો માહોલ હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં તેમને આ બાબતે પૂર્વ જાણકારી મળેલી હોતી નથી. મોટા ભાગની અને ખાસ કરીને ગ્રામ વિસ્તારની શાળાઓમાં સ્વચ્છ ટોઈલેટની સુવિધા હોતી નથી.
સેનેટરી પેડ તો ઉપલબ્ધ હોતાં જ નથી. સર્વોચ્ચ અદાલતે આ બાબતે કડક આદેશો જાહેર કરેલ છે. તેનું પાલન ન કરનાર શાળાની માન્યતા રદ કરવાની ચેતવણી આપી છે. અગાઉ સર્વોચ્ચ અદાલતે જાહેર રસ્તાઓ પર મહિલાઓ માટે યુરીનલ બનાવવા આદેશ કરી તેને પણ મૂળભૂત અધિકારનો ભાગ ગણ્યો. બંધારણ અનુચ્છેદ 21 હેઠળ દરેક વ્યક્તિ જીવન અંગત સ્વનિર્ણય ઉપરાંત ગૌરવપૂર્વક જીવન જીવવા હકદાર છે. સર્વોચ્ચ અદાલતે કિશોરીઓના માસિક ધર્મ સંબંધમાં આ અધિકારનું સમર્થન કરી મહત્ત્વનો ચુકાદો જાહેર કરેલ છે.
સુરત – અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.