નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં ફેરવાયેલી સ્ટ્રીટલાઈટો ઝગમગતી કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસના પ્રમુખે પાલિકાના ચીફઓફિસરને રજુઆત કરી છે. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ રીંગરોડ પરની સ્ટ્રીટલાઈટો છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં છે. જેને પગલે આ વિસ્તારમાં રાત્રીના સમયે અંધારપટ છવાઈ જતો હોવાથી લોકોને આ વિસ્તારમાંથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
આ મુદ્દે સ્થાનિકો તેમજ જાગૃત નાગરિકો દ્વારા પાલિકાના સત્તાધીશો સમક્ષ અનેકોવાર રજુઆત કરવામાં આવી છે. છતાં સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. પાલિકાના નઘરોળ તંત્રને પ્રજાની સમસ્યાનું નિવારણ કરવામાં જાણે કોઈ રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ દ્વારા આ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી બંધ પડેલી સ્ટ્રીટલાઈટો વહેલીતકે ઝગમગતી કરવામાં આવે તેવી માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રીંગરોડ પરની સ્ટ્રીટલાઈટો છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં છે. જો બીજી તરફ નડિયાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં દિવસ-રાત સતત ૨૪ કલાક સ્ટ્રીટલાઈટો ઝગમગતી જોવા મળી રહી છે. આ બાબતે શહેરના જાગૃતજનો દ્વારા પાલિકામાં રજુઆત કરી ઉર્જાનો ખોટો વ્યય થતો રોકી દિવસના સમયે સ્ટ્રીટલાઈટો બંધ રાખવામાં આવે તેવી રજુઆતો કરવામાં આવી છે. છતાં પાલિકાની તંત્ર પોતાની મનમાની ચલાવી ઉર્જાનો ખોટો વ્યય કરી રહ્યું છે.
ઝલક નહેર નજીક ફેલાયેલી ગંદકી હટાવવા માંગ
નડિયાદ શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવેલી રજુઆતમાં ગંદકીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. શહેરમાં આવેલ ઝલક નહેરથી પીજરોડ નહેર સુધીના વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી ઠેર-ઠેર ગંદકી ફેલાયેલી છે. રીંગરોડ નજીક આવેલ તલાવડીમાં પણ અસહ્ય ગંદકી ફેલાયેલી છે. આ ગંદકી છેલ્લાં ઘણાં સમયથી સાફ કરવામાં આવી નથી. ત્યારે પાલિકાતંત્ર દ્વારા વહેલીતકે આ વિસ્તારમાં સાફસફાઈ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે.