બારડોલી : કડોદ-માંડવી રોડ પર રવિવારના રોજ એક મોટરસાઇકલ ચાલકને આંતરી તેની પાસેથી ચપ્પુની અણીએ રૂપિયા રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ કરી 6 અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે ભોગ બનનારે બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- કડોદ પાસે શાકભાજી લેવા જતાં હોટલ માલિકને આંતરી ચપ્પુની અણીએ લૂંટી લેવાયો
- બારડોલીના વાવ ગામની શ્રીજી સોસાયટીમાં રહેતા મનીઅપ્પમ પલાની સ્વામી લૂંટાયો
- અજાણ્યા 6 ઈસમોએ ચપ્પુની અણીએ રોકડ, ફોન લૂંટી લીધા
આ અંગે મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાનાં વાવ ગામે આવેલી શ્રીજી સોસાયટીમાં રહેતો મનીઅપ્પમ પલાની સ્વામી (ઉ.વર્ષ 40, મૂળ રહે મુંતુંપલેલીપુર, તા. વેરાસુંદર, જી. ટીન્દુકલ, તામિલનાડું) કામરેજ ખાતે હોટલ ચલાવે છે. રવિવારના રોજ મનીઅપ્પમ હોટલનું શાકભાજી લેવા માટે માંડવી તાલુકાનાં ખેડપૂર ગામે રહેતા મયુરભાઈના ઘરે મોટરસાઇકલ પર જવા નીકળ્યા હતા.
સવારે 10.30 વાગ્યાની આસપાસ કડોદ માંડવી રોડ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે મિંયાવાડી પાસે બે મોટરસાઇકલ પર આવેલા 6 ઈસમોએ તેમને મોટર સાઇકલ ઊભી રાખવા જણાવી ચાલુ મોટર સાઈકલે માથામાં લાફો મારી દીધો હતો. આથી મનીઅપ્પમે મોટર સાઇકલ રોડની બાજુમાં ઊભી રાખતા બે અજાણ્યા ઇસમો તેની પાસે આવી ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે મનીઅપ્પમ પાછળ ખસી જતાં ચપ્પુ વાગ્યું ન હતું પરંતુ તે નીચે પડી ગયો હતો. આથી તેઓ મનીઅપ્પમને લાતથી માર મારવા માંડ્યા હતા. માર મારી તેના પેન્ટના ખિસ્સામાંથી રૂ. 7 હજાર રોકડા, એક મોબાઇલ ફોન અને પાકીટ જેમાં બેન્કના એટીએમ કાર્ડ, પાનકાર્ડ થતાં મોટર સાઇકલની ચાવી લઈને નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટના અંગે મનીઅપ્પમે બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસે 6 અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.