Business

શેરબજાર દેશના અર્થતંત્ર કરતા આગળ નીકળી ગયું, વિશ્વનું પાંચમું સૌથી મોટું સેન્સેક્સ બન્યું

મુંબઈ(Mumbai): ભારતીય શેરબજારે (Indina Sensex) એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. મંગળવારે તા. 29 નવેમ્બરના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈનું (BSE) માર્કેટ કેપિટલાઇઝેશન તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. શેરબજાર ઝડપથી વધીને 4.1 ટ્રિલિયન ડોલર અથવા રૂ. 3,33,26,881.49 કરોડ થઈ ગયું છે.

જો આ આંકડા પર નજર કરીએ તો તે ભારતના (India) જીડીપી (GDP) કરતા વધુ છે. મંગળવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે અબજોપતિ ગૌતમ અદાણીના (Gautam Adani) શેરમાં જોરદાર ઉછાળો આવતા શેરબજારમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી.

એક તરફ ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ વધી રહી છે અને વિશ્વ બેંક, IMF, S&P સહિતની તમામ રેટિંગ એજન્સીઓએ ભારતની આ ઝડપી ગતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બીજી તરફ જો આપણે શેરબજારમાં ચાલી રહેલી તેજી પર નજર કરીએ તો બે વર્ષ પહેલા મે 2021માં BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 3 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગઈ હતી અને હવે તે 4 ટ્રિલિયન ડૉલરના આંકડાને પણ વટાવી ગઈ છે.

ભારતીય અર્થવ્યવસ્થાની વાત કરીએ તો, તે લગભગ 3.7 ટ્રિલિયન ડોલર છે અને આ આંકડા સાથે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તે જ સમયે BSE ના માર્કેટ કેપમાં આના કરતા 0.4 ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. જો કે, રેન્કિંગની દ્રષ્ટિએ, ભારતીય અર્થતંત્ર અને ભારતીય સ્ટોક માર્કેટ બંને પાંચમા સ્થાને છે. આ વર્ષની શરૂઆતથી 29 નવેમ્બર, 2023 સુધીમાં BSE MCap માં $600 બિલિયનથી વધુનો ઉછાળો નોંધવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા 20 વર્ષમાં BSEની માર્કેટ મૂડીમાં 33 ગણો વધારો જોવા મળ્યો છે, તે સપ્ટેમ્બર 2003માં રૂ. 10 લાખ કરોડ હતો. બીજી તરફ, શેરબજારના બીજા ઇન્ડેક્સ નિફ્ટી-50એ પણ આ વર્ષે નવા રેકોર્ડ બનાવ્યા અને 20 સપ્ટેમ્બર 2023ના રોજ 20,000નો આંકડો પાર કર્યો હતો.

આ વર્ષે અત્યાર સુધીમાં BSE બેન્ચમાર્ક સેન્સેક્સમાં 5,540.52 પોઈન્ટ અથવા 9.10 ટકાનો વધારો થયો છે, તેના પ્લેટફોર્મ પર તમામ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશન (એમ-કેપ)માં લગભગ રૂ. 50.81 લાખ કરોડનો વધારો થયો છે.

વિશ્વનું 5મું સૌથી મૂલ્યવાન બજાર બન્યું
$4 ટ્રિલિયનથી વધુની માર્કેટ કેપ સાથે ભારતીય શેરબજાર વિશ્વનું પાંચમું સૌથી મૂલ્યવાન બજાર બની ગયું છે. હવે ભારતના શેરબજારથી આગળ અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગના શેર બજારો છે. છેલ્લા બે વર્ષમાં ભારતીય શેરબજારે ઝડપી ગતિએ વિકાસ કર્યો છે અને ટૂંકા સમયમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.

Most Popular

To Top