Charchapatra

મફતખોરી દૂષણ

દેશમાં ચૂંટણી આવતાં જ મફતની મોસમ પૂર બહારમાં ખીલે છે.ગરીબી રેખાની નીચે જે છે તે લોકોને મફતની મોસમ ગમે પણ…?એક સમાચાર સાંભળ્યા તે મુજબ દેશમાં લાખોની સંખ્યામાં ગરીબ લોકોને મફત અનાજ આપવામાં આવે છે.ઠીક છે, લોકોને આળસુ બનવાનું ગમે છે તો શું કરી શકાય! મફતમાં કંઈ પણ આપવાને બદલે રોજગારી અપાય તો કેવું? ચૂંટણી ટાણે મતદારોને મફત વીજળી, પાણી,વાસણ, સાડી વગેરે આપવાની વાત તો દૂર રહી, જાહેરાત પણ ન કરી શકાય. હાલમાં જ આર્જેન્ટિનામાં યોજાયેલી ચૂંટણીમાં હાવિયર મિલે એ વિજય મેળવ્યો.

આ ઉદારવાદી ઉમેદવારે જાહેરાત કરી કે દેશમાં મફતમાં અપાતી તમામ યોજના બંધ થશે. સેન્ટ્રલ બેંક ઑફ આર્જેન્ટિનાને નાબૂદ કરી, સરકારી ખર્ચ પર કાપ મૂકવામાં આવશે. સરકારી નોકરી બંધ થશે. બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાની વાત હોય, હાવિયર પ્રચારમાં ‘આરી’ લઈને ઊતર્યા.સામાન્ય રીતે મફતનું આપવાની જાહેરાતવાળા નેતાઓ જીત મેળવવામાં સફળ થાય છે, જયારે આર્જેન્ટિનાનાં,દેવામાં ડૂબેલાં લોકો જાગ્રત બન્યા અને મફતની યોજના પર આરી ફેરવનાર નેતાને ચૂંટી કાઢ્યા. સ્વામી સચ્ચિદાનંદજી સાચું જ કહે છે,”જો રાષ્ટ્રને મહાન બનાવવું હોય તો પ્રજાને મફતખોરીથી બચાવવી જોઈએ. મફતખોરોનું મોરલ નથી હોતું અને મોરલ વિનાની પ્રજા કદી પણ મહાન થતી નથી.આવી મફતખોરી અંતે તો રાષ્ટ્રના પૈસાથી જ થતી હોય છે. રાષ્ટ્રના પૈસા એટલે કરદાતાના પૈસા.તેમના હક્કના પૈસા મફતખોરોમાં વહેંચવા એ દૂષણ છે.”
સુરત     – અરુણ પંડયા      – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ઈતિહાસ સાક્ષી
નાનપણમાં નાગરિકશાસ્ત્રમાં ભણેલાં કે ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય. પરંતુ શિક્ષક બિચારો વર્ષે-બે વર્ષે ઘાંચીના બળદની જેમ ચૂંટણીનાં કાર્યોમાં જોતરાયા જ કરે છે. આખું વર્ષ ક્યાંક ને ક્યાંક ચૂંટણી મહોત્સવ થતો રહેતો હોવાને કારણે કહેવાતા દિગ્ગજોને સાંભળવાનો મોકો મળે છે, લ્હાવો મળે છે. અનેક જાણકારોએ રાજકારણને મલિન કહ્યું છે. નકરું જૂઠાણું જોવા-સાંભળવા મળે. સામુદ્રિક શાસ્ત્રનો અભ્યાસ ન હોય છતાં કહી શકાય કે વ્યક્તિએ જૂઠ રજૂ કર્યું હતું. સાંપ્રત રાષ્ટ્રીય કક્ષાએ વિપક્ષમાં આવું અવશ્ય જોવા મળે.

ન્યૂઝ એન્કર પૂરી તૈયારી કરીને, ડોક્યુમેન્ટેશન સાથે, આવે છે. એઓ તો ભૂગર્ભમાંથી પણ માહિતી લઈ આવે છતાં અત્યંત સિફતથી અસત્યનું આચરણ કરી ડિબેટ પૂર્ણ કરે છે. એક બે પક્ષ પ્રમુખો કે પ્રવક્તાઓ તો એવાં છે કે હાથમાં કોઈ શસ્ત્ર આવી જાય તો બે, ચારનાં ઢીમ જરૂર ઢાળી દે. શું ખૂંખાર દલીલો કરે છે! બે-ચાર મહાનુભાવો લૂખું અને લુચ્ચું હસે છે. હસવું, રડવું કે ક્રોધ કરવો તે સમજાતું નથી. દેશની ભોળી જનતા સાથે બહુ જ મોટો ખેલ ખેલાઈ રહ્યો છે. શબ્દોનો સુંદર પરંતુ ખંધો વિનિયોગ કરી શકે છે. હું આર્ટ્સનો ભાષાનો માણસ છું, પરંતુ કોઈ શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાં આ પ્રકારની ભાષા શીખવવામાં આવતી હોય એ બાબતે શંકા છે.

બોલિવૂડનાં દિગ્દર્શકોને પ્રેરણા ને માર્ગદર્શન મળી રહે એવાં સ્પીચ, અંગભંગિમા અને વર્તન જોવા મળે. કોઈ એક શબ્દ કે વાકય પકડી લઈ તેને તોડી મરોડી રજૂ કરતાં હોય છે. वचनेशु किम दारिद्रयं વાણીવિલાસ કરવામાં કંજુસાઈ શું? સૌ પક્ષો જોરશોરથી આટલી સીટ આવશે ને જંગી બહુમતી મળશેની વાતો કરતા રહે છે. પરિણામ કંઇક જુદું જ હોય છે અને તેનો લેશમાત્ર  પસ્તાવો પણ નથી હોતો. કોંગ્રેસને કેન્દ્રમાં ગુજરાતી નેતૃત્વ ગમ્યું નથી જેનો ઇતિહાસ સાક્ષી છે; સરદાર પટેલ હોય કે  મોરારજી દેસાઇ કે મોદીજી.
બારડોલી -વિરલ વ્યાસ        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top