GANDHINAGAR : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ( CM VIJAY RUPANI) ગુજરાત સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે ત્યારે ભારતને ૫(પાંચ) ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM NARENDRA MODI) પ્રયત્નોને સાકાર કરવા માટે મહિલાઓ પણ તેમાં સહયોગી બને તેવું આહવાન કર્યું છે.
મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ( WOMEN’S DAY) પૂર્વ દિને યોજાયેલા કાર્યક્રમમાં નારીશક્તિને અગાઉથી જ મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે આજના કાર્યક્રમના મેન્ટર, ઈન્વેસ્ટર, ઈનોવેટર, અને સંચાલક તમામ મહિલાઓ છે તે જાણીને આનંદ થયો છે. નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે યોજાયેલા વી સ્ટાર્ટ અપ ( WE START UP) સમિટનો પ્રારંભ કરાવતા તેમણે કહ્યું હતું કે, વિદેશની સંસ્કૃતિમાં નારી શક્તિની ઉપાસના અને માન-સન્માન માત્ર એક દિવસ એટલેકે વિશ્વ મહિલા દિવસ પૂરતા ઊજવાય છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સન્માન આદર એ સદીઓની અને નિત્ય પરંપરાએ હંમેશા રોજ થાય છે.
એટલે જ ભારતીય શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. લક્ષ્મીનો વાસ છે. રૂપાણીએ જણાવ્યું કે આપણી સંસ્કૃતિમાં રાધા-કૃષ્ણ, ઉમા-શંકર, સીતા-રામ વગેરે ભગવાનનાં નામમાં પણ મહિલા શક્તિનું નામ પ્રથમ આવે છે એ ભારતીય સંસ્કૃતિના નારીશક્તિના સન્માનના દ્યોતક છે. તેમણે કહ્યું હતું કે, મહિલાઓને સહાય મળે, સ્ટાર્ટઅપ માટેનું વાતાવરણ ઉભું થાય તે માટે તમામ જરૂરી સહકાર રાજ્ય સરકાર આપશે.
રૂપાણીએ ‘દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહિએ’ ઉક્તિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જરૂર છે ફક્ત વિચાર કરવાની અને વિચારને મૂર્તિમંત કરવા તેની પાછળ લાગી જવાની એમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું. ગુજરાતની બહેનો માત્ર ગરબા રમે તેમ નહીં પરંતુ સમાજના તમામ ક્ષેત્રમાં આગળ આવી નયા ભારતના નિર્માણમાં પણ આગેવાની લે તેવું આહવાન તેમણે મહિલા શક્તિને કર્યું હતું.