પારડી : પારડી (pardi) તાલુકાના સુખલાવ ગામે ચોરીની (Theft) ઘટનામાં ચોરટાઓએ હવે સરસ્વતી મંદિર ગણાતી સુખલવાની મુખ્ય શાળાને (School) ટાર્ગેટ બનાવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સુખલાવ ગામે ગતરાત્રિના મુખ્ય પ્રાથમિક શાળામાં કોઈ અજાણ્યા ચોર શાળાની વિવિધ સામગ્રી ચોરી કરી જતા આ પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
- તસ્કરોએ હવે સરસ્વતી મંદિર ગણાતી સુખલાવની શાળાને ટાર્ગેટ બનાવી
- તસ્કરો આરઓ., પાણીની મોટર, સેનેટાઈઝર અને સાબુની પણ ઉઠાંતરી કરી ગયા
મુખ્ય પ્રાથમિક શાળામાં રાત્રી દરમિયાન તસ્કરો પ્રવેશીને કોઈક સાધન વડે ઓફિસનું તાળું તોડી કબાટમાં મુકેલી રોકડ રકમ, એમ્પ્લીફાયર, આરઓ. પાણીની મોટર, ઓફિસમાં મુકેલી અન્ય કલાસરૂમની ચાવીઓ, સેનેટાઈઝર અને સાબુની પણ ઉઠાંતરી કરી ગયા હતા. ઘટનાની જાણ ગામલોકોને થતા તેઓએ શાળાના શિક્ષકો બોલાવતા સ્થળ પર આવી પહોંચ્યા હતા. શાળાના મુખ્ય શિક્ષક નવીન પટેલ, ગામના સરપંચ અમુલ પટેલે શાળામાં તપાસ કરતાં અંદાજિત રૂ. ૨૦ થી ૨૫ હજાર મત્તાની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરીના બનાવ અંગે પારડી પોલીસને જાણ કરવામાં આવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
સંજાણમાંથી તસ્કરો બાઇક, સોનાનું મંગળસૂત્ર અને બે મોબાઇલ ચોરી ગયા
ઉમરગામ : ઉમરગામના સંજાણમાં ચાલીમાં તસ્કરોએ તરખાટ મચાવી એક મોટરસાયકલ, સોનાનું મંગળસૂત્ર અને બે મોબાઇલ ફોન ચોરી કરીને નાસી જતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઉમરગામના સંજાણ બંદર સાજીદભાઈની ચાલીમાં રહેતા ફરિયાદી અમુલ્યા રમેશભાઈ સામલે પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ ગતરોજ આંગણામાં પાર્ક કરી હતી. જેની રાત્રી દરમિયાન ચોરી થઈ હતી. વધુમાં બબીતા ગુપ્તાએ ઘરમાં ગેલેરીના દરવાજા પાસે રાખેલુ સોનાનું મંગલસૂત્ર જેની કિંમત રૂપિયા ૨૦ હજાર તથા મોબાઇલ ફોન અને છોટુકુમારનો તેના રૂમમાં ગેલેરીના દરવાજા પાસે રાખેલો મોબાઇલ ફોન મળી તસ્કરો કુલ ૫૧ હજારની મત્તાની ચોરી કરીને નાસી ગયા હતા. આ બનાવની ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.