નડિયાદ: નડિયાદ શહેરના ચકલાસી ભાગોળ વિસ્તારમાં આવેલા એક મકાનમાં તસ્કરે પ્રવેશ કરીને તિજોરીમાં મૂકેલા રોકડા રૂ. ૮ લાખ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૧૮ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. હાલમાં પોલીસને મળેલી કડીના આધારે તસ્કરને ઝડપી પાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. નડિયાદ શહેરના ચકલાસી ભાગોળ વિસ્તારમાં રામજી મંદિર પાસે રહેતા નરસિંહભાઇ કાંતિભાઇ તળપદાના ઘરે તા. ૨૦ અને ૨૧ જાન્યઆરીના રોજ તેમના બે પૌત્ર અને ત્રણ ભાણીના લગ્ન નિર્ધારવામાં આવ્યા છે. લગ્નને પગલે ઘરમાં ૮ લાખ રૂપિયા રોકડા, ૧૫ તોલા જેટલું સોનું અને પાંચ કિલો જેટલી ચાંદી તિજોરીમાં મૂકી હતી. પરિવાર અમરેલીના ધારી ગામમાં આવેલા તેમના કુળદેવી ખોડિયાર માતાના મંદિર દર્શન કરવા માટે ગયો હતો અને રાત્રિના સમયે આવી-થાકીને સૂઇ ગયો હતો. દરમિયાન નરસિંહભાઇ મકાનના ઉપલાં માળે તિજોરીવાળી રૂમમાં જતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. તિજોરી ખુલ્લી હતી અને તેમાં મૂકેલ રોકડ અને દાગીના ગાયબ હતા. જેથી તેઓએ પરિવારજનોને ઘટનાની જાણ કરી, તપાસ કરી હતી. પરંતુ કોઇ ભાળ ન મળતાં આ મામલે અંતે નડિયાદ ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ટાઉન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.
ઘર નજીકથી દાગીનાની ખાલી ડબ્બીઓ મળી
તસ્કર ઘરમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના ચોરી ગયો હતો. જોકે, તેણે ઘર પાસે જ દાગીના કાઢી લઇને ખાલી ડબ્બીઓ (બોક્સ) ફેંકી દીધા હતા. જે પોલીસે કબજે લઇ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદ પણ લીધી છે.
જાણભેદુ હોવાની આશંકા
નરસિંહભાઇના ઘરમાં એકજ તિજોરી છે. જે મકાનના ઉપલાં માળે બનાવવામાં આવેલી રૂમમાં મૂકેલી હતી. આજ તિજોરીમાં નરસિંહભાઇએ રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિતની કિંમતી વસ્તુઓ મૂકી હતી અને આ રૂમને માત્ર સ્ટોપર મારીને બંધ કરી હતી. ઘરની આજ રૂમમાં તિજોરી છે અને તેમાંજ બધી જણસ છે તે કોઇ જાણીતાના જ ધ્યાનમાં હોઇ શકે. જેથી ચોરીના આ મામલામાં કોઇ જાણભેદુની સંડોવણીની આશંકા સેવવામાં આવી રહી છે.
તસ્કરનો મોબાઇલ પડી ગયો, પ્રેમિકા સાથે વાતચીત કરી હતી
ચોરી કરવા આવેલો તસ્કર ફરાર થવા માટે કૂદ્યો હતો તે સમયે તેનો મોબાઇલ ધાબા પર પડી ગયો હતો. જે પોલીસને તપાસ દરમિયાન મળી આવ્યો હતો. પોલીસે મોબાઇલ ફોન કબજે લઇ કોલ ડિટેઇલના આધારે તસ્કરનું પગેરૂ શોધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. છેલ્લે તસ્કરે પ્રેમિકા સાથે વાત કરી હોવાથી તેના આધારે પોલીસને કડી મળી ગઇ હતી.