આજથી 50-60 વર્ષ પહેલાં સંયુક્ત કુટુંબમાં એક જરીપુરાણી માન્યતા ઘર કરી ગઈ હતી. જે આજે હાસ્યાસ્પદ લાગે છે. ઘરની કોઈ મહિલા માસિક ધર્મમાં આવે તો એના પર ઘરની વડીલ મહિલા દ્વારા કેટલાંક વિચિત્ર નિયમો ઠોકી બેસાડવામાં આવેલા. એ નિયમો પેલી ઘરની મહિલા માટે અભિશાપરૂપ હતા. માસિક ધર્મ દરમિયાન એને ઘરના એક ખૂણામાં ગુણ પાથરીને બેસી રહેવું પડતું. રાત્રે પણ એ ગુણ પર સૂઈ રહેવું પડતું.
આવી સજા ત્રણ ચાર દિવસ સુધી ભોગવવી પડતી. એ જમાનામાં એનો કોઈ વિરોધ નહીં, વિવાદ નહીં. એના જમવાના વાસણ અલગ, કપડાં પણ અલગ રાખવાં પડતાં. ઘરની કોઈ વ્યકિતને ભૂલથી પણ એનો સ્પર્શ નહીં થાય એની કાળજી રાખવી પડતી. એટલા દિવસ માટે એ જાણે કોઈ અછૂત મહિલા હોય એવી લાગણી પેલી મહિલાને જરૂર થતી હશે. રસોડામાં દાખલ નહીં થવાય. પતિદેવ પણ એનાથી દૂર રહેતા. એ મહિલા માટે એ જમાનામાં ‘માથે’ આવી છે. એવો હલકો છીછરો શબ્દપ્રયોગ અસ્તિત્વમાં હતો.
એ મહિલા છેલ્લે દિવસે નાહી ધોઈને બહાર આવે પછી પરિવારમાં બધા સાથે ભળી શકતી. આવી તે કેવી માસિક ધર્મની છીછરી માનસિકતા? સારું થયું કે સમય સાથે સંયુક્ત કુટુંબ તૂટવા લાગ્યાં. લોકોના વિચાર બદલાયા, ‘અમે બે અમારા બે’ જેવા વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવ્યાં. આજના પરિવર્તનશીલ યુગમાં એ પ્રથા નાબૂદ થઈ ગઈ, જે એક સારી નિશાની ગણાય. પરિવારના સભ્યો પોતાના ફિલ્ડમાં જોબ કરતી હોય એને આવા આકરા નિયમો મહિલા વર્ગને સહન કરવું પડતું હતું. ખેર, હવે એ બધી વાતો ભૂતકાળ બની ગઈ છે. વર્તમાન સમયને માન આપનારી એ મહિલા વર્ગ મુક્તિની અનુભૂતિ કરી રહી છે. જે કલ્યાણકારી પુરવાર થઈ રહી છે.
સુરત – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.