ભારતના રાજકારણમાં સમાન નાગરિક ધારો (કોમન સિવિલ કોડ) ચર્ચાનો વિષય બન્યો છે. પ્રજા ઉપર લાગુ પડતા કાયદાઓ મૂળભૂત બે પ્રકારના હોય છે. એક, ફોજદારી ધારા. જે સમાજમાં બનતા જુદા જુદા ગુના બાબતે સજાની જોગવાઈ કરે છે. ગુનાની વ્યાખ્યા કરે છે અને બે નાગરિક ધારા જે સમાનમાં નાગરિકના વર્તનને ખાસ તો જાહેર, સામાજિક વર્તનને વ્યાખ્યાયિત કરે છે.
ભારતમાં સ્વતંત્રતા સમયથી ફોજદારી કાયદા સૌને સરખા લાગુ પડે છે. ખૂન, મારામારી, ધાડ, લૂંટ, છેતરપિંડી જેવા ગુના માટે ધર્મ જાતિ મુજબ અલગ અલગ નિયમ નથી. પણ ભારતમાં નાગરિક ધારો સમાન નથી. હિન્દુઓ માટે હિન્દુ પર્સનલ કોડ અને અન્ય ધર્મ, સંપ્રદાય માટે તેમના પર્સનલ કોડ છે! ભારતમાં અત્યારે ચર્ચા એવી છે કે મુસ્લિમો માટે અલગ કાયદો છે. ખરી વાત એ છે કે હિન્દુ કોડ અલગ રચવામાં આવ્યો માટે મુસ્લિમો માટે પર્સનલ લૉ બન્યો. શરૂઆતના સમયે ભારતના હિન્દુ આગેવાનો જ ભારતમાં સમાન નાગરિક ધારો ન આવે તેવું ઈચ્છતા હતા.
સમયનું ચક્ર ભારતમાં એવું ફર્યું છે કે જેઓ ઈન્દિરા ગાંધીના સમયમાં કડક વસ્તીનિયંત્રણના સરકારી પગલાંનો વિરોધ કરતા હતા તે જ અત્યારે વસ્તીનિયંત્રણ કાયદાની માંગ કરી રહ્યા છે. જેઓ ખાનગીકરણ, ઉદારીકરણ અને વિદેશી મૂડીરોકાણનો વિરોધ કરતા હતા તેઓ જ ખાનગીકરણ, ઉદારીકરણ, વિદેશી મૂડીરોકાણમાં હરણફાળ ભરી રહ્યા છે અને તેવી જ રીતે હિન્દુઓ પોતાની પરંપરા, રીત-રિવાજો મુજબ જીવશે અને સમાન નાગરિક ધારાથી આને નિયંત્રિત કરવું જોઈએ નહીં તેવું માનનારા જ હવે સમાન સિવિલ કોડની માંગ કરી રહ્યા છે.
ભારતમાં છેલ્લા વર્ષમાં માન્યતા (પર્સેપ્શન)ની રાજનીતિ ઊભી થઈ છે. કોઈ પણ બાબતમાં કાયદો લાવતાં પહેલાં, નિર્ણય લેતાં પહેલાં એક માહોલ સર્જવામાં આવે છે. ‘‘આમ કરવું ખૂબ જરૂરી છે’’તેવું સામાન્ય જનમાનસમાં યેન કેન પ્રકારેણ ઠસાવવામાં આવે છે અને પછી તે પગલું લેવામાં આવે છે! પણ આપણે રાજનીતિમાં પડવું નથી. તદ્દન વાસ્તવિકતાની જમીન પર વાત કરવી છે કે સમાન નાગરિક ધારો લાવવો જોઈએ કે નહીં!
સમાન નાગરિક ધારો લાવવો જ જોઈએ. તે કાલે અમલમાં આવતો હોય તો આજે અમલમાં આવે! બંધારણમાં રહેલા ‘‘સમાનતા’’ના ખ્યાલને તો જ વાસ્તવમાં અમલી બનાવી શકાય. દેશના કાયદા દેશનાં નાગરિકોને સમાન રીતે જ લાગુ પડવા જોઈએ! નાગરિક હકો સમાન રીતે જ મળવા જોઈએ. ખોરાક પસંદગી, પૂજા અર્ચનાની પસંદગી, વસ્ત્રપસંદગી, જીવનસાથીની પસંદગી જેવી વ્યક્તિગત પસંદગીની બાબતમાં સૌ ને નિર્ણય સ્વતંત્રતા મળવી જોઈએ! સમાન તક મળવી જોઈએ. સમાન નાગરિક ધારાના મૂળમાં સ્વતંત્રતા અને સમાનતાનો ખ્યાલ છે! તે સ્વતંત્રના 75 વર્ષે તો સ્વીકારવો જ રહ્યો! પણ સમાન નાગરિક ધારાની તરફેણ કરનારા, તે લાગુ થાય તો રોજિંદા જીવનમાં સ્વીકારવા તૈયાર છે? ભારતમાં કાયદા કરતાં તેનો અમલ વધારે મહત્ત્વનો બને છે! ક્યાંક એવું તો નહીં બને ને કે સમાન સિવિલ કોડની માંગ કરનારા જ તેનો ખરો અમલ થાય ત્યારે પહેલો વિરોધ નોંધાવશે!
સૌ પ્રથમ તો જેને મનમાં એવો ભ્રમ હોય કે આ કાયદો મુસ્લિમવિરોધી છે. તે માત્ર મુસ્લિમોને જ લાગુ પડશે તો તે ખોટી વાત છે. કાયદાનો શબ્દ ‘‘નાગરિક ધારો’’જ સાબિત કરે છે કે તે ભારતમાં વસતાં તમામને લાગુ પડે છે. તે ધર્મ, પ્રદેશ, જાતિના ભેદ વગર લાગુ પડે છે. વળી હાલ મોટા ભાગનાં ચર્ચા કરનારાં એવું માને છે કે તે માત્ર લગ્નના નિર્ણયને લાગુ પડે છે અને તેમાંય ‘‘હિન્દુઓ એક જ વાર લગ્ન કરી શકે છે. મુસ્લિમો (પુરુષ) ચાર પત્ની રાખી શકે છે’’- તે બાબત પૂરતો જ આ કાયદો લાગુ પડે. તે માનવું તો સાવ જ ભૂલભરેલું છે. સમાન નાગરિક ધારો માત્ર લગ્ન અંગેના નિર્ણયને સમાનતા નહીં આપે તે મિલકતના અધિકાર, વારસાના અધિકાર, ધર્મસ્થળના પ્રવેશના અધિકાર, પૂજાના અધિકાર, વ્યવસાયના અધિકાર જેવી તમામ નાગરિક બાબતોને સમાન બનાવશે!
સમાન નાગરિક ધારાના અમલથી ‘‘મુસ્લિમો પણ હિન્દુઓની જેમ એક જ લગ્ન કરી શકશે’’એવી એક જ બાબત દેશમાં બદલાશે તેવું ન માનશો. હિન્દુ કોડ અંતર્ગત હિન્દુઓને જે વિશિષ્ટ સગવડો મળી છે તે પણ જોઈ જજો. થોડાં ઉદાહરણ… ભારતમાં વિવિધતામાં એકતા છે તેમ આપણે કહીએ છીએ તે માત્ર સુવાક્ય કે ગમ્મત માટે નથી કહેતા. ભારતમાં સ્વતંત્રતા સમયે સમાન નાગરિકધારો અમલી ન્હોતો બન્યો કારણ ‘‘હિન્દુ’’તરીકે ઓળખાતા અનેક જ્ઞાતિસમૂહો, જનસમુદાયોની પ્રદેશ, ભાષા, જ્ઞાતિ મુજબ પોતપોતાની આગવી પરંપરા હતી. હજુ હમણાં સુધી મેળા ભરાતા, જ્યાં યુવક-યુવતી જીવનસાથી પસંદ કરતાં. સમાન કાયદો તેને માન્ય ગણતાં. ભારતમાં એવા ઘણા મૂળ નિવાસી સમુદાયો છે, જ્યાં બહુપત્નીત્વ છે. ઘણા બધા જ્ઞાતિસમૂહોમાં આજે પણ પંચોની હાજરીમાં છૂટાછેડા માન્ય થાય છે.
ભારતમાં બાળકોને દત્તક લેવાના કાયદા અને લાંબી વહીવટીય પ્રક્રિયા છે. પણ બાળકની માતા પોતાના પતિના અવસાન બાદ બીજાં લગ્ન કરે ત્યારે આપોઆપ નવો પતિ પરિણીત સ્ત્રીનાં બાળકોનો પિતા બને છે. આપણે ત્યાં ‘આંગળિયાત’પરંપરા વર્ષો સુધી કાયદામાન્ય રહી છે! ભારતમાં સમાજે સમાજે લગ્નના રિવાજો જુદા છે. પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં સ્ત્રીને અનેક હક આપવામાં આવ્યા નથી, જે ખરેખર તેને મળવાપાત્ર છે! જ્ઞાતિવાદ અને ઉચ્ચ નીચના ભેદભાવોએ સમાન નાગરિક્તાની ભાવનાનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો છે. માટે જ લોકશાહી અને સ્વતંત્રતાની ખરી વિભાવના સમજનાર માણસ કહી સમાનતાનો, સમાન નાગરિક્તાનો વિરોધ કરી શકે નહીં!
સમાન નાગરિક ધારો માત્ર હિન્દુ અને મુસ્લિમોને સમાન નહીં બનાવે, તે નેતાઓને પણ નાગરિક સમાન બનાવશે. પુરુષ અને સ્ત્રીને સમાન ગણશે. સંપૂર્ણ ભેદ મીટાવશે અને ખરેખર તો સમાન નાગરિક ધારો સરકાર લાવતાં લાવશે, આપણે તેનો અમલ કરવા માંગતા હોઈએ તો આજથી જ તેનો આપણાં નાગરિક જીવનમાં અમલ કરવો જોઈએ! દીકરીઓને વારસામાં એ જ હક આપવો જોઈએ, જે દીકરાને આપીએ, દીકરીઓને જીવનસાથી પસંદગીની એ જ સ્વતંત્રતા આપવી, જે દીકરાને આપીએ.
રોજિંદા જીવનમાં પત્નીને તે જ હક આપવા જે આપણે ભોગવીએ. આપણે લગ્નના ઘોડે ચડીએ તો બીજાને નાત-જાત જોયા વગર વરઘોડે કાઢવા દઈએ. આપણાં ધર્મસ્થળોનાં ગર્ભગૃહો અને ભગવાનની મૂર્તિઓ સુધી જેઓ યુગોથી પહોંચી નથી શક્યાં તેમને નાગરિક ધારાની રાહ જોયા વગર પહોંચાડીએ! આપણે ‘‘ન્યાયભેદ’’માં જીવતાં લોકો છીએ. પુરુષો માટે જુદા નિયમ, સ્ત્રીઓ માટે જુદા નિયમ, સવર્ણ માટે જુદા નિયમ, અવર્ણ માટે જુદા નિયમ. શું ખાપ પંચાયતો, પ્રેમલગ્નના ફોર્મમાં મા-બાપની સહી ફરજીયાત કરવાની માંગ કરનારા અને વારસાઈમાં બહેનોનો ભાગ ગળી જનારા સમાન સિવિલ કોડ પચાવશે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે