નડિયાદ: ગુજરાત રાજ્યમાં ગત માર્ચ-એપ્રિલ મહિનામાં કોરોનાનું સંક્રમણ ખુબ જ તેજ ગતિથી વધી રહ્યું હોઈ સરકાર દ્વારા મીની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન રાજ્યના તમામ મોટા ધાર્મિકસ્થાનો બંધ કરવાની પણ ગાઈડલાઈન બહાર પાડી હતી. જેના અનુસંધાને ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ શ્રી સંતરામ મંદિર, વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરને ગત તારીખ ૧૪ એપ્રિલથી બંધ કરી દેવામાં આવ્યું હતું. બે મહિના બાદ હાલ કોરોના સંક્રમણ મંદ પડતાં હવે રાજ્ય સરકાર દ્વારા મંદિર સહિતના ધાર્મિકસ્થાનો ખોલવાની મંજુરી આપવામાં આવી છે. જે અંતર્ગત તારીખ ૧૧-૬-૨૧ ના રોજથી યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી ભગવાનનું મંદિર શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવી રહ્યું છે. સતત ૫૮ દિવસ સુધી મંદિર બંધ રહ્યાં બાદ આજથી મંદિર ખુલવાનું હોઈ ભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો છે.
મંદિર ખુલવાના સમાચાર જાણી વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો
કોરોના મહામારીને પગલે ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર ગત તા.૧૪ એપ્રિલથી બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને પગલે યાત્રાધામ ડાકોરમાં શ્રધ્ધાળુઓની અવર-જવર સાવ નહિવત બની હોવાથી પ્રસાદ સહિતની દુકાન ધરાવતાં વેપારીઓની હાલત કફોડી બની હતી. ત્યારે શ્રી રણછોડરાયજી મંદિર ખુલવાનાં સમાચાર જાણી વેપારીઓએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે. છેલ્લાં ૫૮ દિવસથી ઠપ્પ થઇ ગયેલો પ્રસાદનો વેપાર હવે ધમધમતો બનશે તેવી આશા સાથે વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.
આરતી ટાણે મંદિરમાં ભક્તોને પ્રવેશ અપાશે નહી
મંદિરમાં દિવસ દરમિયાન થતી મંગળા સહિતની આરતીના દર્શન કરવાનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે. ત્યારે ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી આરતીના સમયે ભક્તોના પ્રવેશ અપાશે નહીં. આ ઉપરાંત મંદિરમાં ૫૦ શ્રધ્ધાળુઓ દર્શન કરી રહ્યાં બાદ અન્ય ૫૦ને પ્રવેશ આપવામાં આવશે.
આશાપુરી મંદિર ફક્ત દર્શન માટે ખુલશે
સોજિત્રાના પીપળાવ સ્થિત સુપ્રસિદ્ધ આશાપુરી મંદિર 11મીથી સવારે 7થી સાંજના 7 સુધી ભક્તો માટે ખુલ્લુ રહેશે. જોકે, ગાઈડ લાઇન મુજબ ફક્ત દર્શન જ કરી શકાશે. જ્યારે શ્રીફળ, પ્રસાદ, ચુંદડી માતાજીને ધરાવવામાં આવશે નહીં. 50 વ્યક્તિથી વધારેને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત પ્રસાદ અને ભોજનાલય બંધ રાખવામાં આવશે. આરતી સમયે દર્શનાર્થીઓને અંદર પ્રવેશ મળશે નહીં. તેમ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું હતું.