Vadodara

સવારે દબાણો હટાવાયાં અને ગણતરીના કલાકોમાં પાછો ખડકલો

વડોદરા: વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ દૂર કરવાની સાથે સાથે સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાલ નડતરરૂપ દબાણોનો સફાયો બોલાવવામાં આવી રહ્યો છે.પરંતુ પાલિકાની વડી કચેરી બહાર જ ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે.વહેલી સવારે દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી બાદ પુન:જેસે થેની પરિસ્થિતિ જોવા મળી હતી.

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમો દ્વારા દબાણ હટાવો ઝુંબેશના ભાગરૂપે શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ગાર્ડન પાસે તેમજ તેની બહાર આસપાસ ગેરકાયદેસર ઝૂંપડાના દબાણ દૂર કર્યા હતા.જ્યારે સતત બીજા દિવસે પણ ખંડેરાવ માર્કેટ પાસે ફ્રુટ અને ફૂલ બજાર ભરાવા દીધું ન હતું,સાથે સાથે દબાણ શાખાએ રેલવે સ્ટેશનના સ્કાય વોક નીચે પણ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા.કીર્તિ મંદિર જુના એસટી ડેપોના એન્ટ્રી એક્ઝિટ ગેટ ખાતે પણ ઉભી રહેતી નડતરરૂપ લારીઓ હટાવી હતી. તેવામાં હવે વહેલી સવારે પાલિકાની દબાણ ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.જોકે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી બહાર ફ્રુટ અને ફૂલના ઠેલા લાગેલા જોવા મળ્યા ન હતા.આ સમય દરમિયાન આ માર્ગ સ્વચ્છ અને સુંદર નજરે પડ્યો હતો અને ટ્રાફિક પણ હળવો બન્યો હતો. જોકે ગણતરીના કલાકોમાં જ ફરિયાદ જગ્યાએ દબાણનો ખડકલો ઊભો થઈ ગયો હતો.

જાણે પાલિકાના અધિકારીઓનો કોઈ ભય રહ્યો ન હોય તેમ ફરીથી પાલિકાની દીવાલને અડીને જ ફ્રુટ અને ફૂલોની હાટડીઓ મંડાઈ ગઈ હતી. જેના કારણે ફરી એક વખત ટ્રાફિકનું ભારણ જોવા મળ્યું હતું. અત્રે મહત્વની બાબત તો એ છે કે પાલિકા દર વર્ષે સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે.આશરે પાંચ હજારથી વધુ સફાઈ કામદારો 300 થી વધુ ડોર ટુ ડોર કચરાની ગાડીઓ શહેરમાં ફરે છે. હવે તો પાછું ફ્રી ગાર્બેજ સીટી કરવા કામગીરી હાથધરાઈ છે.વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે પણ પાલિકામાં ચાર્જ સંભાળતા ની સાથે જ સ્વચ્છતા ઉપર ભાર મૂક્યો હતો.વડોદરાને પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં આગવી હરોળમાં ક્રમાંક અપાવવા કમરકસી છે. પરંતુ પાલિકાના દીવા તળે જ અંધારું જેવો ઘાટ સર્જાયો હોઈ અન્ય વિસ્તારની વાત તો દૂર રહી. જાણે કે પાલિકાના શાસકોની કે અધિકારીઓનો કોઈ ખોફ રહ્યો ન હોય તેમ ફરીથી દબાણનો ખડકલો ઉભો થઈ જતા પાલિકાની દબાણ શાખાની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

Most Popular

To Top