Comments

ચીન અને બેલારુસના પ્રમુખો યુક્રેનમાં શાંતિ સ્થાપવાની હાકલ કરી રહ્યા છે!

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમના બેલારુસિયન સમકક્ષ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ તાજેતરમાં જ બેઇજિંગમાં યોજાયેલી મિટિંગમાં યુક્રેન સંઘર્ષમાં રાજકીય સમાધાન લાવવા માટે યુદ્ધવિરામ અને વાટાઘાટોની હાકલ કરી છે. બેલારુસની સત્તાવાર સમાચાર એજન્સી બેલ્ટાના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ પહેલી માર્ચે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું જેમાં તેમણે યુક્રેન યુદ્ધ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને શક્ય તેટલી વહેલી તકે શાંતિની સ્થાપનામાં ભારે રસ દાખવ્યો હતો. નિવેદનમાં જણાવાયું હતું કે બેલારુસ અને ચીન વર્તમાન કટોકટીને વધતી અટકવામાં રસ ધરાવે છે અને પ્રાદેશિક શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરવા તૈયાર છે. રશિયા તેના વર્ષ પહેલાના નિર્ધારિત આક્રમણના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે આ બે એવા વિદેશી નેતાઓ છે જેના પર રશિયન પ્રમુખ સમર્થન માટે સૌથી વધુ નિર્ભર છે.

તાજેતરમાં ચીન શાંતિ માટે વધુ ને વધુ હાકલ કરી રહ્યું છે. યુએસ અધિકારીઓના ચીન દ્વારા મોસ્કોને શસ્ત્રો પૂરા પાડવાની યોજનાને પણ ચીને રદિયો આપ્યો છે. ગયા અઠવાડિયે, ચીને યુક્રેનમાં યુદ્ધવિરામ માટે હાકલ કરતો ૧૨ મુદ્દાનો દસ્તાવેજ રજૂ કર્યો છે. ટેલિવિઝન ટિપ્પણીઓમાં જિનપિંગે કહ્યું કે ચીન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની અસ્થિરતા અને ઉથલપાથલને જોતા બેલારુસ સાથે વિશ્વાસ અને સહકારને મજબૂત કરવા આતુર છે. અમેરિકા અને તેના સાથીઓના સંદર્ભમાં જિનપિંગે ઉમેર્યું હતું કે સંબંધિત દેશોએ રાજનીતિકરણ અને વૈશ્વિક અર્થતંત્રનો સાધન તરીકે ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ, અને એવા પગલાં લેવા જોઈએ જે ખરેખર યુદ્ધ બંધ કરે અને શાંતિપૂર્ણ રીતે કટોકટીનો ઉકેલ લાવે.

લુકાશેન્કો ૧૯૯૪માં પદની રચના કરવામાં આવી ત્યારથી બેલારુસના એકમાત્ર પ્રમુખ છે. ૨૦૨૦માં તેમની પુનઃવરણીને વિપક્ષો અને પશ્ચિમી દેશોએ કપટપૂર્ણ ગણાવી હતી. લુકાશેન્કોએ આ સામેના વિરોધને નિર્દયતાથી દબાવી દીધો હતો. લુકાશેન્કો સાથે ચીન લાંબા સમયથી ગાઢ સંબંધ ધરાવે છે, અને તેમની વાટાઘાટોને પગલે, બંને નેતાઓએ કૃષિથી લઈને કસ્ટમ્સ અમલીકરણ અને રમતગમત સુધીના ક્ષેત્રોમાં સહકાર કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, બેલારુસિયન નેતાની યાત્રા રશિયન નેતા પુતિન અને તેના સાથી દેશ સાથે બેઇજિંગના સંબંધોની ઊંડાઈ પણ દર્શાવે છે.

ચીને કહ્યું છે કે યુક્રેન યુદ્ધમાં તે એક તટસ્થ પક્ષ છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની સરકાર સાથે સંપર્કો જાળવી રાખ્યા છે. ઝેલેન્સકીએ ચીનના પગલાંને સાવચેતીપૂર્વક આવકાર્યું છે, પરંતુ સાથે જ કહ્યું છે કે સફળતા શબ્દો પર નહીં, ક્રિયાઓ પર આધાર રાખે છે. ચીન રશિયા સાથેની મિત્રતાને ‘મર્યાદા વગરની’ કહે છે અને તેણે મોસ્કોના આક્રમણની ટીકા કરવાનો અથવા તેનો ઉલ્લેખ કરવાનું પણ ટાળ્યું છે. ચીને અમેરિકા અને નાટો પર યુદ્ધને ઉશ્કેરવાનો અને યુક્રેનને રક્ષણાત્મક શસ્ત્રો પૂરા પાડીને આગ ભડકાવવાનો આરોપ મૂક્યો છે, જ્યારે રશિયા ઉપરાંત ચીની કંપનીઓ સહિતની તેની લશ્કરી સહાયક સંસ્થાઓ સામે લાદવામાં આવેલા પ્રતિબંધોની પણ નિંદા કરી છે.

બેલારુસ યુક્રેન અને રશિયા બંને સાથે સરહદ ધરાવે છે, પરંતુ આર્થિક અને રાજકીય રીતે રશિયાના વહીવટ પર નિર્ભર છે. લુકાશેન્કોની સરકારે મોસ્કોને મજબૂત સમર્થન આપ્યું છે અને બેલારુસના પ્રદેશને યુક્રેન પર આક્રમણ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. રશિયાએ બેલારુસમાં સૈનિકો અને શસ્ત્રોની જમાવટ કરી છે અને બંને દેશોએ સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરી છે. આ વલણથી લુકાશેન્કો યુરોપમાં અલગ પડી ગયા છે અને બેલારુસ યુદ્ધમાં તેની ભૂમિકા અને લુકાશેન્કોના સ્થાનિક વિરોધના દમન બંને માટે યુરોપિયન યુનિયન તરફથી પ્રતિબંધોનો સામનો કરે છે. રશિયા સાથેની મિત્રતાને અસીમ ગણાવતું ચીન અને પોતાના પ્રદેશમાંથી યુક્રેન પર આક્રમણની મંજૂરી આપનાર બેલારુસ જ્યારે યુદ્ધવિરામ અને શાંતિની વાત કરે ત્યારે ‘સો ઉંદર મારી બિલ્લીબાઈ પાટે બેઠા’ જેવું લાગે છે!
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top