Columns

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જાતજાતના વિવાદો વચ્ચે થઈ રહી છે

ગુજરાતીમાં કહેવત છે કે સારાં કામમાં સો વિઘ્ન. અયોધ્યામાં સદીઓના સંઘર્ષ પછી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, પણ તેને કારણે કેટલાક વિવાદો પણ પેદા થયો છે. તેમાં સૌથી મોટો વિવાદ દેશના ચાર શંકરાચાર્યો દ્વારા પેદા કરવામાં આવ્યો છે. પુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ તો સીધી રીતે આ પ્રતિષ્ઠા મહોત્સવને સનાતન ધર્મના સિદ્ધાંતોના ભંગસમાન ગણાવીને તેમાં હાજરી આપવાનો ઇનકાર કરી રહ્યા છે. દ્વારકાના અને શૃંગેરી મઠના શંકરાચાર્યો પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રગટપણે વિરોધ નથી કરતા, પણ તેઓ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત નહીં રહે, એટલું નક્કી છે.

શંકરાચાર્યોના વિરોધનું મુખ્ય કારણ એ છે કે તમામ હિન્દુ શાસ્ત્રો મુજબ જે મંદિરનું શિખર પૂરેપૂરું બંધાયું ન હોય તેમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી શકાય નહીં. જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ કહે છે કે તેમ કરવાથી દેશ ઉપર મોટું સંકટ આવી શકે છે. પુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ કહે છે કે જો અધૂરા મંદિરમાં ભગવાનની મૂર્તિ પધરાવવામાં આવશે તો તેમાં પરમાત્માનો વાસ નહીં થાય પણ ભૂત, પિશાચ, ડાકિની, શાકિની આદિનો વાસ થશે. શંકરાચાર્યો માને છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘપરિવાર ૨૦૨૪માં આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને લાભ મળે તે માટે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા તૈયાર થયા છે, માટે તેઓ તેનો બહિષ્કાર કરવાના છે.

શ્રી રામ મંદિરમાં પ્રતિષ્ઠા બાબતમાં બીજો વિવાદ નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન બનવા બાબતનો છે. ધર્માચાર્યો કહે છે કે કોઈ પણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય યજમાન જે બને તે ગૃહસ્થ હોવો જોઈએ અને તેણે પોતાની પત્ની સહિત તમામ વિધિમાં ભાગ લેવો જોઈએ. હવે નરેન્દ્ર મોદી તો પોતાની પત્નીનો ત્યાગ કરી ચૂકેલા હોવાથી તેઓ વિધિમાં પોતાની પત્ની સહિત ભાગ લઈ શકે તેમ નથી; માટે હવે મુખ્ય યજમાન તરીકે રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રા અને તેમની પત્ની ઉષા મિશ્રાનું નામ આગળ કરવામાં આવ્યું છે, જે મોદી માટે મોટી પીછેહઠ સમાન છે.

હવે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન નહીં હોય, તેવો જોરદાર પ્રચાર સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો હોવાથી આ વિધિ કરાવનારા મુખ્ય આચાર્યના નામે ખુલાસો બહાર પાડવામાં આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય આચાર્ય પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે જાહેરાત કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પવિત્ર વિધિના મુખ્ય યજમાન હશે. સમયની મર્યાદાને કારણે અન્ય લોકો તેમને મદદ કરશે. લક્ષ્મીકાંત દીક્ષિત બુધવારે વિધિ માટે વૈદિક વિદ્વાનો અને પૂજારીઓની ટીમ સાથે જોડાશે.

લક્ષ્મીકાંત દીક્ષિત પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય આચાર્ય છે, જેની દેખરેખ, સંકલન અને સંચાલન કાશીના વિદ્વાન પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ તેમના ૧૨૧ આચાર્યોની ટીમ સાથે કરશે. ૮૬ વર્ષના લક્ષ્મીકાંત દીક્ષિત મંગળવારે તેમના નિવાસસ્થાનમાંથી બહાર નીકળ્યા ત્યારે, લોકોએ તેમના પર ફૂલોની પાંખડીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું ત્યાર બાદ તેઓ અયોધ્યા જવા માટે તેમની કારમાં સવાર થવા માટે ગોલઘર પહોંચ્યા હતા. વારાણસી શહેર દક્ષિણના ભાજપી ધારાસભ્ય નીલકંઠ તિવારીએ સેંકડો લોકો સાથે હર હર મહાદેવ અને જય શ્રી રામના નારાઓ અને શંખના નાદ વચ્ચે તેમને વિદાય આપી હતી. લક્ષ્મીકાંત દીક્ષિતે કહ્યું હતું કે ‘‘અયોધ્યાના રામ મંદિરમાં અભિષેક પહેલાની વિધિઓ શરૂ થઈ ગઈ છે અને જલયાત્રા ચાલી રહી છે.

હું વૈદિક વિદ્વાનો અને કર્મકાંડીઓની ટીમ સાથે જોડાઈશ અને યજમાન પ્રાયશ્ચિત વિધિ બુધવારે કરવામાં આવશે. ’’ શંકરાચાર્યો દ્વારા સૈદ્ધાંતિક બાબતો પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ કરવાને કારણે ખળભળી ગયેલા સમારંભના આયોજકો પોતાના સમર્થન માટે ભાજપતરફી કહેવાતા હિન્દુ ધર્મગુરુઓનું સમર્થન મેળવી રહી છે. તે પૈકી શ્રી શ્રી રવિશંકર અને સદ્ગુરુ જગ્ગી વાસુદેવ ભાજપના બચાવમાં આવ્યા છે. સદગુરુએ કહ્યું છે કે ‘‘રામ મંદિર હંમેશા વિકસિત થતું રહેશે. ૫૫૦ વર્ષ પછી મને લાગે છે કે જ્યારે કોઈ બીજાં બે વર્ષ રાહ જોવાનું કહે ત્યારે તે અનુચિત છે. મંદિર ત્રણ માળનું છે. તેઓએ એક માળ પૂર્ણ કર્યો છે અને તેઓ જે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે.

તેમની પહેલાંથી જ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. જો કોઈને કંઈક ગમતું હોય, તો તમે ક્યારેય એવું કંઈ વિચારવાના નથી કે આ પૂરતું છે. જો પથ્થરનું મંદિર કરીશું તો કોઈ કહેશે સોનાનું જોઈએ, કારણ કે જ્યારે તમે જ્યારે કોઈ વસ્તુને પ્રેમ કરો છો, ત્યારે તમે ક્યારેય તેને પૂરતું કરી શકતા નથી.’’ રામ મંદિર અધૂરું હોવાથી હિન્દુ શાસ્ત્રોના પાઠ મુજબ તેમાં પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય, તેવા શંકરાચાર્યોના મતનું ખંડન કરવા ભાજપના આઇટી સેલ દ્વારા શંકરાચાર્યનું ચારિત્રહનન કરવાની જોરદાર ઝુંબેશ સોશિયલ મીડિયા પર શરૂ કરવામાં આવી છે. તેમાં અજ્ઞાત લેખકો દ્વારા શંકરાચાર્યને સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે જ્યારે રામ મંદિરની ઝુંબેશ ચાલી રહી હતી ત્યારે શંકરાચાર્યો ક્યાં હતા?

શંકરાચાર્યોના ભક્તો દ્વારા સોશિયલ મીડિયામાં જ તેના જડબાતોડ જવાબો આપવામાં આવી રહ્યા છે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે ૧૯૪૯માં બાબરી મસ્જિદના મુખ્ય ગુંબજમાં રામ લલ્લાની મૂર્તિ મૂકવાનું કામ દ્વારિકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના નિર્દેશ હેઠળ જ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે ૧૯૮૬માં રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે મંદિરનાં તાળાં પણ શંકરાચાર્યના પ્રયાસોથી જ ખોલવામાં આવ્યા હતા. દ્વારિકાના શંકરાચાર્ય તો રામ મંદિરના આંદોલન માટે જેલમાં પણ ગયા હતા. વર્તમાનમાં જેઓ જ્યોતિર્મઠના શંકરાચાર્ય છે તે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જ્યારે સ્વરૂપાનંદના શિષ્ય હતા ત્યારે તેમણે અલ્લાહાબાદ હાઈ કોર્ટમાં રામ મંદિરના કેસમાં સેંકડો પાનાંના પુરાવાઓ પ્રસ્તુત કરવાનું કામ કર્યું હતું. શંકરાચાર્યના ભક્તો મોદીભક્તોને સવાલ પૂછી રહ્યા છે કે રામ મંદિર માટે મોદીએ શું કર્યું છે?

બેલગાવી સ્થિત પ્રખ્યાત જ્યોતિષી એન.આર. વિજયેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે “‘ભગવાનના કાર્ય માટે ઘણા પ્રતિબંધો ન હોવા જોઈએ. તેઓ કેવી રીતે કહી શકે કે મંદિર અધૂરું છે? ત્રણ માળ પહેલેથી જ બાંધવામાં આવ્યા છે. દરેક માળ પર રામની પ્રતિમા હશે. ભોંયતળિયે મૂર્તિ હોય તો તેની ઉપર એક કળશ પહેલેથી જ રાખવામાં આવ્યો છે. તેથી આ શુભ પ્રસંગ થઈ શકે છે. આ ભગવાનની સેવા છે. અમારી હિંદુ પરંપરાઓ અને ધાર્મિક ગ્રંથો અનુસાર અમે અત્યંત નિષ્ઠા સાથે તેના વિશે આગળ વધી શકીએ છીએ. પ્રતિષ્ઠા મકર પુષ્યમાં થઈ શકે છે, પરંતુ ધનુર મહિનામાં નહીં, કેમ કે આ ભગવાનનું કાર્ય છે. તિરુપતિમાં તેઓ અમાવસ્યા દરમિયાન કલ્યાણોત્સવનું આયોજન કરે છે. સામાન્ય રીતે અમાવસ્યા દરમિયાન કંઈ શુભ કાર્ય કરતા નથી, પરંતુ જ્યારે ભગવાનની સેવાની વાત આવે છે, ત્યારે આવા પ્રતિબંધોથી કોઈ ફરક
પડતો નથી.’’

૨૨ જાન્યુઆરીના રોજ રામ મંદિરના અભિષેક સમારોહની શરૂઆત મંગળવારે મંદિર ટ્રસ્ટના સભ્ય અને તેમની પત્નીની આગેવાની હેઠળ શ્રેણીબદ્ધ ધાર્મિક વિધિઓ સાથે થઈ હતી. અયોધ્યામાં નવા મંદિરમાં રામ લલ્લાની મૂર્તિના અભિષેક અથવા પ્રાણ પ્રતિષ્ઠા સાથે ધાર્મિક વિધિઓ તેમના અંતિમ તબક્કામાં પહોંચશે. અંતિમ દિવસોમાં આયોજિત વિધિઓ સહિતની ધાર્મિક વિધિઓમાં યજમાન ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને તેમની પત્ની ઉષા મિશ્રા છે.અનિલ મિશ્રાએ તમામ દિવસોમાં ધાર્મિક વિધિઓમાં હાજરી આપવી પડશે. નરેન્દ્ર મોદી અભિષેક સમારોહના અંતે ભાષણ આપવાના છે, જેમાં લગભગ ૮,૦૦૦ મહેમાનો હાજરી આપે તેવી અપેક્ષા છે. જો કે મંદિરના ગર્ભગૃહમાં માત્ર મુઠ્ઠીભર મહેમાનોને જ પ્રવેશ આપવામાં આવશે.

Most Popular

To Top