Business

હત્યાનો ભોગ બનેલા કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહનું વ્યક્તિત્વ વિવાદાસ્પદ હતું

રાજસ્થાનમાં ચૂંટણીનાં પરિણામો બાદ મુખ્યમંત્રીપદને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી તેને કારણે નવો વિવાદ સર્જાયો છે. જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી પર અજાણ્યા હુમલાખોરોએ તેમના ઘરની અંદર ગોળી મારી હતી. આરોપીઓની ઓળખ થઈ ગઈ છે, પરંતુ તેઓ હાલ ફરાર છે. આ સમગ્ર ઘટના સુખદેવના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ૨૦ સેકન્ડની અંદર ૬ ગોળીઓ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ જયપુર સહિત રાજસ્થાનનાં અનેક શહેરોમાં તણાવની સ્થિતિ છે. કરણી સેનાના આદેશ પર આજે રાજસ્થાન બંધ છે. લગભગ તમામ રાજકીય પક્ષોએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે; પણ સાથે સાથે સવાલ એ પણ પૂછાઈ રહ્યો છે કે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના એટલે શું? શું આ કોઈ રાજકીય પક્ષ છે? જો નહીં તો તેનો દરજ્જો આટલો ઊંચો કેવી રીતે આવ્યો?

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના એક બિનરાજકીય સંસ્થા છે, જેનો પાયો વર્ષ ૨૦૦૬માં લોકેન્દ્ર સિંહ કાલવીએ નાખ્યો હતો. કાલવીએ પોતાને રાણી પદ્મિનીની ૩૭મી પેઢીના વારસદાર ગણાવ્યા હતા. છ ફૂટથી વધુ ઊંચા લોકેન્દ્ર સિંહ કાલવીના કહેવાથી આખો રાજપૂત સમાજ ઊભો થયો હતો. ટૂંક સમયમાં જ તેમને સમજાયું કે જો રાજપૂતાની લાગણીઓને એક પ્લેટફોર્મ આપવું હોય તો એક સંગઠન બનાવવું પડશે. આ રીતે કરણી સેનાની રચના થઈ, જેનું નામ કરણી માતા રાખવામાં આવ્યું. અત્યારે લોકેન્દ્ર સિંહ કાલવી હયાત નથી, તો પણ કરણી સેના રાજપૂતોના સંગઠન તરીકે આખા રાજસ્થાનમાં ફેલાઈ ગઈ છે. તે દાવો કરે છે કે તે રાજપૂતોના ગૌરવને જાળવી રાખવા માટે કામ કરી રહી છે. રાજસ્થાનમાં રાજપૂતોની નોંધપાત્ર વસ્તીમાં કરણી સેના એ મોટું સંગઠન છે. આવી સ્થિતિમાં રાજપૂત મતદારોને રીઝવવા માટે પાર્ટીઓ કરણી સેનાને મહત્ત્વ આપી રહી છે. રાજપૂત સમુદાયના નેતા લોકેન્દ્ર સિંહ કાલવીએ મહિપાલ સિંહ મકરાણા, વિશ્વબંધુ સિંહ રાઠોડ અને અન્ય લોકો સાથે કરણી સેનાની સ્થાપના કરી હતી. લોકેન્દ્ર સિંહ કાલવીના પિતા કલ્યાણ સિંહ કાલવી કેન્દ્રમાં ચંદ્રશેખર સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા. આ સિવાય તેઓ રાજ્યમાં મંત્રી પણ હતા. કેટલાક બેરોજગાર યુવાનો દ્વારા રાજપૂત સમુદાય માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં હિસ્સાની માંગણી કરીને રચાયેલ કરણી સેના જાતિકેન્દ્રિત અનામતનો વિરોધ કરે છે. કરણી શબ્દ માતા કરણી પરથી ઊતરી આવ્યો છે, જેમને હિંગળાજનો અવતાર માનવામાં આવે છે.

વર્ષ ૨૦૦૮માં ફિલ્મ જોધા અકબર રિલીઝ થઈ ત્યારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ તેનો વિરોધ કર્યો હતો. તેમનો વાંધો મુસ્લિમ શાસક અકબર અને હિંદુ રાજપૂત રાજકુમારી વચ્ચેના પ્રેમસંબંધના ચિત્રણ સામે હતો. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ જોધા અકબરના નિર્માતા આશુતોષ ગોવારીકર પાસેથી માફીની માંગણી કરી હતી અને થિયેટરોની બહાર તેનો વિરોધ કર્યો હતો. આ પછી સંગઠને ૨૦૧૦ની ફિલ્મ વીર સામે વાંધો ઉઠાવતાં દાવો કર્યો હતો કે તેણે તેમના બહાદુર સમાજને બદનામ કર્યો છે. સંસ્થાએ ફિલ્મ દર્શાવતાં થિયેટરોની બહાર પ્રદર્શન કર્યું હતું.

૨૦૧૭માં કરણી સેના ફરી એક વાર ચર્ચામાં આવી, જ્યારે તેણે રણવીર સિંહ, શાહિદ કપૂર અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ પદ્માવત સામે વિરોધ કર્યો હતો. આ ફિલ્મ સૂફી કવિ મલિક મુહમ્મદ જયસીના મહાકાવ્ય પદ્માવત પર આધારિત હતી. સંગઠને દાવો કર્યો હતો કે આ ફિલ્મ રાજપૂત ઇતિહાસને વિકૃત કરી રહી છે અને સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે. કરણી સેનાએ આરોપ લગાવ્યો હતો કે તેની સ્ટોરી લાઇન રાજપૂતોના સન્માન અને ગરિમાને ઠેસ પહોંચાડી રહી છે.

થિયેટરોની સામે ભારે હોબાળો થયો હતો અને પોસ્ટરો સળગાવાયાં હતાં. ઘણી જગ્યાએ ફિલ્મ સિનેમા હોલમાં પણ પ્રદર્શિત થઈ શકી નહોતી. આ વિવાદ દરમિયાન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના તત્કાલીન અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેઓ ફિલ્મના નિર્માતા પાસેથી મોટી રકમની માગણી કરી રહ્યા હતા. તે બાબતમાં આજ તક ચેનલે સ્ટીંગ ઓપરેશન પણ કર્યું હતું. સુખદેવ સિંહ ગોગામેડી દ્વારા ગુજરાતના એક મંત્રી ઉપર હરિયાણામાં દારૂની ફેક્ટરી ધરાવવાનો આરોપ પણ લગાડવામાં આવ્યો હતો.

કરણી સેનાએ ૧૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવનાર આનંદપાલ સિંહની હત્યા થઈ ત્યારે તેનો વિરોધ કર્યો હતો. કરણી સેનાએ આરોપ લગાવ્યો હતો કે આત્મસમર્પણ કર્યા પછી પણ આનંદપાલ સિંહનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.  સુખદેવસિંહ ગોગામેડી લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલા હતા. તેઓ ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરીને ચર્ચામાં આવ્યા હતા. ગુનાહિત ઘટનાઓમાં સુખદેવસિંહ ગોગામેડીની સંડોવણીને કારણે કરણી સેનાએ તેમને હાંકી કાઢ્યા હતા. આ પછી તેમણે શ્રી રાજપૂત રાષ્ટ્રીય કરણી સેનાની રચના કરી હતી.

સુખદેવસિંહ ગોગામેડીએ ત્રણ વખત લગ્ન કર્યા હતા. તેમનો તેમની પત્નીઓ સાથે વિવાદ ચાલતો હતો. તેમની બંને પત્નીઓ ઘણી વખત સોશ્યલ મિડિયા પર આવી છે અને તેમના ઝઘડાનો પર્દાફાશ કર્યો છે. હનુમાનગઢ જિલ્લામાં કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપીના પિંજરામાંથી કૂદીને ભાગી છૂટ્યા બાદ તેઓ પહેલી વાર ચર્ચામાં આવ્યા હતા. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી રોહિત ગોદારા ગેંગે લીધી છે. આ ગેંગ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલી છે.

રોહિત ગોદારાએ દુબઈ મુદ્દે થોડા મહિના પહેલાં સુખદેવસિંહ ગોગામેડીને ધમકી પણ આપી હતી. રોહિત ગોદારા એક કુખ્યાત ગેંગસ્ટર છે જે હાલમાં ભારતમાંથી ફરાર છે. હત્યાકાંડ સાથે જોડાયેલા કેટલાક વિડિયો પણ બહાર આવ્યા છે. પહેલા વિડિયોમાં જોવા મળે છે કે સુખદેવ સિંહ ગોગામેડી તેમના ઘરે સોફા પર બેઠા છે. તેમની સામે ત્રણ લોકો બેઠા હતા અને એક વ્યક્તિ ઊભો હતો. વાતચીત દરમિયાન અચાનક સામે બેઠેલા બંને લોકોએ પિસ્તોલ કાઢી અને ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર બાદ સુખદેવસિંહ ગોગામેડીના બોડીગાર્ડે પણ ગોળીબાર કર્યો હતો.

આ ફાયરિંગમાં એક હુમલાખોરનું મોત થયું છે. કરણી સેનાની લોકપ્રિયતા વધતાં તેમાં જૂથવાદ પણ શરૂ થયો હતો. દરેકનો ઉદ્દેશ રાજપૂતોનું ગૌરવ જાળવવાનો જ હતો, પણ તેમની કામ કરવાની શૈલી અલગ હતી. કરણી સેનાનો આંતરિક ઝઘડો વધતાં સંગઠન ત્રણ ભાગમાં વહેંચાઈ ગયું હતું. તેના રાજપૂત કરણી સેવા સમિતિ, રાજપૂત કરણી સેના અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના એવા ત્રણ ભાગો થયા હતા.

ત્રણેય જૂથ પોતપોતાની રીતે એક જ કામ પર ધ્યાન આપવા લાગ્યા હતા. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સમિતિના અધ્યક્ષ અજીત સિંહ છે, જ્યારે લોકેન્દ્ર સિંહ કાલવી માર્ચ ૨૦૨૩ સુધી રાજપૂત કરણી સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયા બાદ અધ્યક્ષના નામ અંગેની માહિતી હાલમાં જાહેર કરવામાં આવી નથી. જેમની હત્યા થઈ છે તે સુખદેવ સિંહ ગોગામેડી શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ હતા. આ સંગઠન રાજપૂતોની ઓળખની સાથે સાથે હિન્દુત્વની વાતો પણ કરે છે. આવી સ્થિતિમાં તેની લોકપ્રિયતા અન્ય કરતાં વધુ માનવામાં
આવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top