Columns

જે વ્યકિતનો ચન્દ્ર ભરણી નક્ષત્રમાં હોય તે વ્યકિતના સામાન્ય ગુણ યમ જેવા હોય

ભરણી નક્ષત્ર (૧)
ભરણી નક્ષત્રના દેવ યમ, ગણ મનુષ્ય અને યોનિ હાથી છે. જે વ્યક્તિનો ચંદ્ર ભરણી નક્ષત્રમાં હોય એ વ્યક્તિમાં સામાન્ય ગુણ યમ‌ જેવા હોવાની સંભાવના હોય. યમ મૃત્યુના દેવ તરીકે પ્રચલિત છે. યમ દેવની બહુ જ પૌરાણિક કથાઓ પુરાણોમાં દર્શાવેલ છે. એમાંની થોડી કથા આપણે આ લેખમાં જોઈશું. પુરાણોની કથા સાચી છે કે ખોટી છે એના વિવાદમાં ન પડતાં એક રૂપક કથા તરીકે સમજવા પ્રયત્ન કરીએ તો યમના ગુણધર્મ બહુ સારી રીતે સમજી શકાય. યમ સૂર્યના પુત્ર છે. જોડિયાં બહેનનું નામ યમી છે. સૂર્યની જેમ યમ પણ સમયના પાબંધા છે. એકદમ નિયમિત રીતે પોતાનું કાર્ય વિના વિલંબે કરે છે. નિયમ શબ્દ પણ યમ પરથી આવ્યો છે. હિન્દુ ધર્મમાં યમદેવ ઘણા પ્રચલિત છે. એટલે યમદેવની ઘણી પૌરાણિક કથાઓ પુરાણોમાં મળે છે. આજના લેખમાં એની બે પૌરાણિક કથાઓ જોઈશું.

1. યમ અને સાવિત્રી:
મહાભારતના વન પર્વમાં સત્યવાન સાવિત્રીની વાત આવે છે.
સાવિત્રી એક રાજકુમારી હતી. બધી વિદ્યાઓ જેમકે ધનુર્વિદ્યા, શસ્ત્રવિદ્યામાં નિપુણ હતી. હંમેશા પોતાના પિતા સાથે જંગલમાં શિકાર કરવા જતી. એક વાર જ્યારે સાવિત્રી પિતા સાથે જંગલમાં શિકાર માટે ગઈ ત્યાં એણે સત્યવાનને જોયા. સત્યવાન જંગલમાં જ રહેતો હતો, છતાં એના મોઢા પરના તેજથી એ કોઈ રાજકુમાર હોય એવું લાગતું હતું. સાવિત્રીને જોતાંની સાથે સત્યવાન ગમી ગયા. સાવિત્રીએ પોતાના પિતાને વાત કરી કે સત્યવાન સાથે મારે લગ્ન કરવાં છે. પિતાએ વિચાર્યું કે જંગલમાં રહી સત્યવાન મારી છોકરીને કેવી રીતે આનંદમાં રાખી શકશે? એટલે જોઈશું કરીને વાત ટાળી.

મહેલમાં આવ્યા બાદ સાવિત્રીએ ફરીથી પિતાશ્રીને કહ્યું કે “ મારે સત્યવાન સાથે લગ્ન કરવા છે.” આથી રાજાએ નારદ મુનિને બોલાવ્યા. કહેવાય છે કે નારદમુનિ બહુ જ સારા જ્યોતિષ હતા. નારદ પુરાણમાં જ્યોતિષ વિષયના અધ્યાય છે. રાજાએ નારદ મુનિને પૂછ્યું કે “આપણે સાવિત્રીનાં લગ્ન સત્યવાન સાથે કરી શકીએ?” ત્યારે નારદજીએ કહ્યું,” સત્યવાન એક રાજાનો પુત્ર છે. પરંતુ બાજુના રાજ્યના રાજાએ એમનું રાજ્ય લડાઈ કરી જીતી લીધું, એટલું જ નહીં પરંતુ સત્યવાનના પિતાની બંને આંખો કાઢી નાખી અને એમને અંધ કર્યા. સત્યવાન જાતે બહુ જ ગુણવાન છે, હોશિયાર છે પરંતુ એનું આયુષ્ય બહુ જ ઓછું છે. આજથી ફક્ત એક વર્ષ એની જિંદગી છે.” આ સાંભળી રાજા ચિંતિત થઈ ગયા. સાવિત્રીને સમજાવ્યું કે આપણે જાણી કરીને આ રીતે નિર્ણય ન લેવો જોઈએ. સાવિત્રી પોતાની વાતમાં મક્કમ રહી.સાવિત્રીએ કહ્યું કે એ તો હું જોઈ લઈશ. સાવિત્રીનાં લગ્ન સત્યવાન સાથે થયાં.

દિવસો વીતવા લાગ્યા અને વર્ષનો છેલ્લો દિવસ આવી ગયો. સાવિત્રીએ યમરાજાને વનમાં જોયા અને યમરાજાએ સત્યવાનના આત્માને લઈ લીધો. સાવિત્રી યમદેવની પાછળ ગઈ. જ્યારે પૃથ્વીલોક છોડી યમપુરીમાં જવાનો રસ્તો આવ્યો ત્યારે યમદેવે સાવિત્રીને કહ્યું કે, “તું યમપુરી ન આવી શકે.” હવે પાછી જા. છતાં પણ હું તારી નિષ્ઠાથી પ્રભાવિત થયો છું અને તું મારી પાસે ત્રણ વરદાન માગી શકે છે. આ સાંભળી સાવિત્રી ખુશ થઈ અને એણે વરદાન માગ્યાં. પહેલા વરદાનમાં સાવિત્રીએ પોતાના શ્વસુર જે અંધ હતા એની રોશની પાછી આપવાનું અને હારી ગયેલા રાજ્યને પાછું મેળવવા માટે વિનંતી કરી. બીજા વરદાનમાં પિતાને પુત્રપ્રાપ્તિ માટે વિનંતી કરી. ત્રીજું વરદાન પોતાને માટે માંગતાં કહ્યું કે “‌હું સો પુત્રોની‌ માતા બનું.” યમરાજાએ બધાં વરદાન ‌આપ્યાં અને સત્યવાનને જાગૃત કર્યા. આમ યમદેવ બહારથી બહુ કડક સ્વભાવના લાગે, પરંતુ હ્રદયથી બહુ કોમળ હોય.

૨. યમ અને માર્કંડેય:
એક બ્રાહ્મણ દંપતી હતું. એ નિ:સંતાન હતાં.એમણે શિવ આરાધના કરી તો શિવ પ્રસન્ન થયા.શિવ ભગવાને વરદાન માંગવા કહ્યું. દંપતીએ સંતાનની માંગણી કરી. શિવજીએ પૂછ્યું, “તારે લાંબી ઉંમરનો મૂર્ખ છોકરો જોઈએ કે નાની વયનો હોંશિયાર છોકરો જોઈએ, જેનું આયુ ૧૬ વર્ષનું જ હોય.” બ્રાહ્મણે હોશિયાર છોકરાની માંગણી કરી.બાળકનું નામ માર્કંડેય રાખ્યું.શિવજીના આશીર્વાદને કારણે માર્કંડેયને નાની ઉંમરે વેદપુરાણનું જ્ઞાન હતું. વર્ષો જતાં ક્યાં વાર લાગે છે? જ્યારે માર્કંડેયનાં ૧૬ વર્ષ પૂરાં થયાં તે રાત્રે બ્રાહ્મણ દંપતી બહુ ઉદાસ‌ હતા. એ લોકોને જાણ હતી કે આજે એમના દીકરાનો છેલ્લો દિવસ છે. જ્યારે બન્ને વાત કરતા હતા કે “આજે આપણા દીકરાનો છેલ્લો દિવસ‌ છે. હવે આપણી જિંદગી દુઃખમય થઈ જશે.” માર્કંડેયે જ્યારે આ વાત સાંભળી તરત જ વનમાં જવા નીકળી પડ્યા. વનમાં ઝાડ નીચે સમાધિ લગાવી શિવમય થયા.

આખી રાત એક મટકું પણ માર્યા વગર પાણીની એક બુંદ પણ પીધા વગર એકચિત્તે પ્રભુનું સ્મરણ કર્યું. સવાર પડ્યું ત્યારે યમદેવ માર્કંડેયની સામે આવીને ઊભા રહ્યા. માર્કંડેય જરા પણ ડર્યા વગર યમદેવની સામે જોતા રહ્યા. યમદેવ જ્યારે એમને લઈ જવા માટે પાસે આવ્યા ત્યાં જ તેમણે શિવજીનું સ્વરૂપ જોયું. માર્કંડેયની ભક્તિથી શિવજી જાતે પ્રગટ થયા અને યમદેવને કહ્યું કે હાલમાં આ મારો ભક્ત છે, જે પોતાની જિંદગી મારી ભક્તિમાં કાઢવા માગે છે તેને તું લઈ ન જઈ શકે. યમદેવ શિવજીને પ્રણામ કરી ત્યાંથી નીકળી ગયા. ત્યાર બાદ માર્કંડેય ઘણાં વર્ષો જીવ્યા અને લોકોને ઉપદેશ આપ્યો અને શિવની ભક્તિનો મહિમા બતાવ્યો. બળેવના દિવસે જ્યારે બેન ભાઈને રાખડી બાંધે છે ત્યારે માર્કંડેય ઋષિ જેટલું આયુષ્ય માગે છે. આ પરથી યમદેવ કેટલા નિષ્ઠાવાન હતા તે ખબર પડે.
( વધુ આવતા મંગળવારે)

Most Popular

To Top