Business

‘મત્સ્યકન્યા’નું અસલી-નકલી

ધારી લો કે આપણા ગુજરાતના સરદાર સરોવર ડેમ પર અડીખમ ખડી રહેલી લોહપુરુષ સરદાર પટેલની ઐતિહાસિક ‘ સ્ટેચ્યુ ઑફ યુનિટી ‘ પ્રતિમાની કોઈ અદલોદલ કોપી મારીને એને કેનેડાના ટોરેન્ટો સિટીમાં ગોઠવી દે તો? અહીંના જેવો જ માહોલ રચી ટુરિસ્ટોને બોલાવી ફી વસૂલવા માંડે તો ? અથવા તો એવો સિનારિયો વિચારો કે અમેરિકા-કેલિફોર્નિયાના વિખ્યાત ડિઝનીલૅન્ડ જેવો આબેહૂબ થીમ પાર્ક કોઈ કંપનીવાળા બિહારના પટનામાં શરૂ કરી ધમધોકાર ધંધો કરવા માંડે તો?  તમે બોલી ઊઠશો: ‘ એમ થોડું ચાલે..લાગતા-વળગતાની પરવાનગી કે એવા પ્રોજેકટનું લાઈસન્સ તો લેવું પડે ને? ‘ વાત તમારી ૧૦૦ % સાચી. કાયદેસર આવું ન થાય તો મોટો બબાલ ખડો થઈ જાય અને એ જ થયું છે હમણાં ડેન્માર્કમાં.

ડેન્માર્કનું સિટી કોપનહેગન ટુરિસ્ટો માટે બહુ જ જાણીતું છે. એમાંય એ વિશેષ ફેમસ છે એના મર્મેડ સ્ટેચ્યુ માટે. કોપનહેગનના સમુદ્રમાં આવેલી ટેકરી પર એક પ્રતિમા છે, જેનો ઉપરનો ભાગ નારીની કાયા જેવો છે અને કમર નીચેનો ભાગ માછલીની પૂંછડી જેવો છે. મર્મેડ – ‘મત્સ્યકન્યા’ તરીકે ઓળખાતી આ પ્રતિમા હકીકતમાં એક દંતકથા પર આધારિત છે. સૈકાઓ પૂર્વે એવી વાયકા હતી કે એક અત્યંત રૂપાળી સમુદ્રકન્યા એક ખલાસી યુવકના પ્રેમમાં પડે છે. એક વાર કન્યાના હાથે અકસ્માતે એના પ્રેમીની હત્યા થઈ જાય છે પછી કન્યા પ્રાયશ્ચિત્તરૂપે સમુદ્ર વચ્ચે આ ટેકરી પર બેસીને એના પ્રેમીની અવિરત રાહ જુએ છે. આ કથાના આધારે અહીં ૪.૧ ફૂટ ઊંચું અને ૧૭૫ કિલોગ્રામનું બ્રોન્ઝ-કાંસાની ધાતુનું એક સ્ટેચ્યુ ગોઠવવામાં આવ્યું છે.

જે હોય તે, પણ હમણાં તો મર્મેડની આ પ્રતિમા વાદ-વિવાદના ચકરાવે ચઢી છે. બન્યું છે એવું કે ઉત્તર ડેનમાર્કના આસા વિલેજના દરિયાની એક ટેકરી પર પણ મર્મેડની પ્રતિમા ગોઠવવામાં આવી છે. એની સામે હવે કોપનહેગનની મૂળ પ્રતિમા જે શિલ્પકાર એડવર્ડ એરિકસને ઘડી હતી એના વારસદારો કોર્ટે ચઢ્યા છે. એમનો દાવો છે કે જે પ્રકારની પ્રતિમા આસા વિલેજમાં મૂકવામાં આવી છે એ અમારા કોપનહેગન જેવી છે. આ પ્રકારનું સ્ટેચ્યુ બનાવવા- ઘડવાના કાયદાકીય વિશ્વવ્યાપી લાઈસન્સ અમારી પાસે છે અને તમે અમારી પરવાનગી વગર પ્રતિમા બનાવી એટલે દંડરૂપે અમને ચૂકવી દો..!

 અત્યારે કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલે છે. બની શકે કે બન્ને પક્ષ કોર્ટ બહાર સમજૂતી કરી લે. જો કે, આ મર્મેડ થોડા મહિના પહેલાં પણ બીજા એક વિવાદમાં અટવાઈ હતી. કોવિડથી બચવા મત્સ્યકન્યાએ પણ માસ્ક પહેર્યો છે એવી એક ડિજિટલ તસવીર ડેનમાર્કના એક અખબારે છાપી પછી શિલ્પકારના વારસદારોએ ફરિયાદ કરતાં કોર્ટે અખબારને ૪૫ હજાર ડોલર ( આશરે ૩૩ લાખ રૂપિયા) ચૂકવી દેવાનું ફરમાન કર્યું હતું.

જંગી પ્રાણીનું જમ્બો લિલામ

આપણે માત્ર એને ચિત્રપટમાં જોયાં- પુસ્તકોમાં જોયાં – ગુજરાતના કોઈ ગામમાંથી એનાં મળી આવેલાં ઈંડાંના ફોટા અખબારમાં આપણને જોવ મળ્યા અને એ પછી હાલતાં-ચાલતાં અને શિકારની પાછળ એમની કદાવાર કાયાને લઈ દોડતાં જોયાં એક ફિલ્મના પડદા પર ત્યારે પહેલી વાર સમજાયું કે આપણા જંગી હાથી પણ કેવા વામણા લાગતા હતા એમની સામે…

ફિલ્મનો ઉલ્લેખ કર્યો ત્યારે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ‘ઈશિતા’ અહીં કોની વાત કરી રહી છે. જી હા, ફિલ્મ ‘જુરાસિક પાર્ક’ માં જે આપણને જોવા મળ્યું અને જેનું અસ્તિત્ત્વ હવે આ પૃથ્વી પરથી સાવ રહસ્યમય રીતે ભૂંસાઈ ગયું છે એ અકલ્પ્ય પ્રાણી ડાયનાસોરની. કહે છે કે પ્રથમ વાર જંગી ગરોળી જેવું આ પ્રાણી ધરતી પર દેખાયું પછી ૧૬૦ કરોડ વર્ષ સુધી એનું અસ્તિત્ત્વ રહ્યું. આપણને તો અહીં માત્ર ગુજરાતના બાલાસિનોર સહિત કેટલાંક સ્થળે એનાં ઈંડાં કે અસ્મિ – અવશેષ જેવાં મળે, પરંતુ વિદેશોનાં કેટલાંય મ્યુઝિયમોમાં તો એનાં સ્કેલિટન સુધ્ધાં જોવાની તક મળે છે. ડાયનાસોરની આટલી વિસ્તૃત વાત અહીં એટલા માટે કરી કે આવા વિરાટ પ્રાણીનું વીરલ ગણી શકાય એવું એનું અસ્થિપિંજર એટલે કે હાડપિંજરની થોડા દિવસમાં જાહેર હરાજી થવાની છે. પેરિસના એક જાણીતા ઑકસન હાઉસ દ્વારા લિલામ થનારા આ ડાયનાસોરનું હાડપિંજર એટલા માટે અનોખું છે કે એ ત્રણ શિંગડા ધરાવે છે! ૮ મીટર લાંબું અને આશરે ૭ કરોડ વર્ષ પ્રાચીન આ હાડપિંજરનું અત્યારે પેરિસના મ્યુઝિયમમાં ઉત્સુક દર્શકો અને લિલામની બોલી લગાડનારાઓ માટે જાહેર પ્રદર્શન યોજાયું છે. ઓકટોબરના બીજા અઠવાડિયામાં આનું લિલામ કરનારાઓને આશા છે કે આ પ્રાણી એમને ઓછામાં ઓછા ૨ મિલિયન ડોલર (આશરે ૧૪ કરોડ રૂપિયા) તો અચૂક અપાવી જશે…!

  જેમ ઈટલીના વેરોના શહેરમાં અમર પ્રેમી રોમિયો – જુલિયટના મિલનસ્થળ જેવી બાલ્ક્ની જોવા પર્યટકો જાય છે તેમ આ પ્રેમીના વિરહમાં રાહ જોતી પ્રેમિકા- મર્મેડની પ્રતિમા જોવા લોકો કોપનહેગનમાં પણ ઉમટે છે. આમ તો આ મત્સ્યકન્યાની રોમ-ગ્રીકથી લઈને ચીન – આફ્રિકા સુધી અનેક જાતની પ્રેમભરી દંતકથાઓ વહેતી થઈ છે તેમ અનેક કથાઓમાં મત્સ્યકન્યાને વૅમ્પ – નઠારી બાઈ તરીકે પણ ચીતરવામાં આવી છે.

ઈશિતાનું  ઈત્યાદિ …ઈત્યાદિ

વર્ષો પૂર્વે સમગ્ર અમેરિકામાં ૧૪ વર્ષ માટે કડક દારૂબ્ંધી હતી ત્યારે દારૂનો ધંધો પોતાના કબજામાં લેવા અપરાધીઓ વચ્ચે ગજબનું શૂટ આઉટ થતું. એ ગેન્ગ વૉરમાં એક અંદાજે ૭૦૦૦ થી વધુ ગુનેગારો માર્યા ગયા હતા..! મનમાં પ્રેમની લાગણી જ પેદા ન થવા દે એ બીમારીને તબીબી ભાષામાં ‘હાઈપોપિચ્યુટેરિઝમ’કહે છે!

* ઈશિતાની એલચી *
પ્રશ્ન : માણસમાં ધીરજ કેટલી હોવી જોઈએ…?
ઉત્તર : સળીથી સમુદ્ર ઉલેચવા જેટલી…!!

Most Popular

To Top