Business

ચાલ સામે જઇને મળતો જાઉં, મળવામાં તે શું રે જવાનું

મનુષ્ય જન્મને દુર્લભ ગણ્યો છે કારણકે તે વિચારી શકે છે અને બોલી પણ શકે છે. સામાન્યપણે સ્ત્રી પુરુષ પ્રારંભમાં ભણે, ગણે, પરણે અને પૈસા કમાવવામાં જોડાઇ જાય છે. તે પછી કીર્તિ અને સત્તા માટે ના પણ વિચારો તેને જુદી દિશામાં દોરે છે. આમાં જ જીવન પૂરું થઇ જાય છે. મારાથી આ પૃથ્વી થોડી સુગંધિત બને, સુવાસિત બને અને સુખી બને તે મુખ્ય કામ લગભગ ભૂલી જ જાય છે. સ્વમાં જ તેનું આખું જીવનપૂરું થઇ જાય છે. આવું જયારે થાય છે ત્યારે માણસનું પૃથ્વી પર આવવાનું પ્રયોજન જ બદલાઇ જાય છે. મનુષ્ય જીવનના હેતુઓ હાથ પર લેવાતા જ નથી અને વિના કારણ દિવસો પસાર કરી માણસ ચાલ્યો જાય છે.

આ વસુધા પર પક્ષુપક્ષી વગેરેમાં મને ઇશ્વરે જન્મ નથી આપ્યો પરંતુ વિચારી શકે તેવા માણસ તરીકે જો મને મોકલ્યો છે તો મારી પણ પૃથ્વી પર આવવાની જવાબદારી છે જે મેં પૂરી કરી છે? આવું મોટે ભાગે માણસ વિચારતો જ નથી. આપણે આ પૃથ્વી પર આવ્યા તો તેનું પ્રયોજન વિચારી તે પ્રમાણે કરતા જઇશું તો પૃથ્વી પરનો આંટો નિરર્થક નથી. આમ તો આવું શિક્ષણ પણ મળતું નથી તેથી ઘણા લોકો તે તો જીવનનું લક્ષય જ મૃત્યુ સુધી દેખાતું જ નથી.

મોટે ભાગના લોકો પાસે જીવનના હેતુની દિશા જ નથી તેથી એવા લોકો દિવસો પસાર કર્યા કરે છે. બધા જ માતાપિતા જીવન વિશે ગંભીર હોતા જ નથી તેથી ઘરમાં રહેલો યુવાન ઘરમાં જે ચાલે છે તે જુએ છે કે, ગમે તે ભોગે પૈસો મેળવે અને એમાં જીવન પૂરું થાય છે. આ પૃથ્વીને હું વધુ સારી કઇ રીતે બનાવી શકું? આવું તો વિચારનારા ભાગ્યે જ હશે. શિક્ષણ થકી અને માતાપિતા થકી મનુષ્ય જીવનનો આશય બતાવાય તો તે પ્રમાણે થોડા તો જીવન પસાર કરે ને? કોઇ ચોકકસ લક્ષ્ય જો ઘરમાંથી મળે તો તેનો લાભ તે યુવાન – યુવતીને મળે જ છે. આચાર્ય શ્રી ઇશ્વરચંદ્ર ભટ્ટની કાવ્ય પંકિત ઘણું કહી જાય છે તે આ છે કે-

  • ચાલ સામે જઇને મળતો જાઉં,
  •     મળવામાં તે શું રે જવાનું
  • હેતની વાતો કરતો જાઉં,
  •     હળવા થઇને દિલ ભરવાનું
  • કોઇનો બોજો લઇ ન શકું,
  •     જુગ જૂના રીઢા પથ્થર પર
  • તો મારગમાંથી ખસતો જાઉં,
  •     સ્મિતનું ફૂલ ખીલવતો જાઉં.
  • પૃથ્વી માટે જનમ લઇને
  •     ઋણી સૌના આ મેળામાં,
  • કોઇનાં આંસુ સ્હેજ લૂછીને,
  •     મારું હાસ્ય ચીતરતો જાઉં.

Most Popular

To Top