નવી દિલ્હી: ચીનમાં (China) છેલ્લા કેટલા સમયથી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન (Protest) ચાલી રહ્યું છે. ચીની સરકારના વિરુદ્ધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઝીરો કોવિડ પોલિસી (Zero Covid Policy) સામે ચીનના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હવે ચીનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની અસર અમેરિકા (America) સહિત વૈશ્વિક બજાર પર પડી રહી છે. ચીનની અર્થવ્યવસ્થા પણ ખોળવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
ચીનમાં સરકારની ઝીરો કોવિડ પોલિસી સામેના વિરોધની અસર અમેરિકામાં પણ જોવા મળી રહી છે. સોમવારે યુએસ માર્કેટમાં (US Market) જોવા મળેલા બદલાવને ચીનના વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલી લાગે છે. આ મહિનાની શરૂઆતમાં, બેઇજિંગે કેટલીક નીતિઓ લાગુ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે એવું લાગી રહ્યું હતું કે ચીનની અર્થવ્યવસ્થા ફરીથી શરૂ થઈ શકે છે. પરંતુ વિરોધ પ્રદર્શન જોતા કહી શકાય કે હાલ તેની આશા દેખાતી નથી.
કોવિડના કડક પ્રતિબંધો વિરુદ્ધ ચીનના ઘણા વિસ્તારોમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. શાંઘાઈમાં રવિવારે રાત્રે સેંકડો દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના કારણે ઔદ્યોગિક વિસ્તારમાં લોકોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે અને કારખાનાઓમાં કામકાજ ઠપ થઈ ગયું છે. જેના કારણે તેલનો વપરાશ પણ ઓછો થયો છે.
એપલના શેરમાં ઘટાડો
ચીનમાં ક્રૂડ ઓઈલની માંગમાં ઘટાડો થવાને કારણે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ (WTI) ફ્યૂચર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાં મોટી ઉત્પાદન ક્ષમતા ધરાવતી કંપનીઓના શેર પર દબાણ છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર Appleના શેરમાં 2.6%નો ઘટાડો થયો છે. એક રિપોર્ટના આધારે ચીનની એક ફેક્ટરીમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે iPhone Proનું ઉત્પાદન વર્ષમાં 6 મિલિયન યુનિટ્સ સુધી ઘટી શકે છે. ચીનમાં કોવિડ-19 સંબંધિત વિરોધ વચ્ચે, સપ્લાય ચેન પ્રભાવિત થવાની ચિંતા વધી રહી છે. વિરોધથી ત્યાં કાર્યરત કંપનીઓ માટે પુરવઠાની અનિશ્ચિતતા વધી છે, જે ફુગાવાને અંકુશમાં લેવાના માર્ગમાં મોટી અડચણ બની શકે છે.
યુએસ માર્કેટ વધુ ઘટી શકે છે
એક્સપર્ટ્સનું કહેવું છે કે ચીનમાં બંધ ફેક્ટરીને કારણે એપલ પોતાના આઈફોનના ઓર્ડર પૂરા કરી શકતી નથી. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે એક વસ્તુ બીજી વસ્તુઓ પર કેવી અસર કરી શકે છે. ચીન જેવી મોટી અર્થવ્યવસ્થાના બંધ થવાની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડે છે. બજાર નિરીક્ષકો કહે છે કે આગળ વધુ વોલેટિલિટી જોવા મળી શકે છે. આ સપ્તાહના અંતમાં અમેરિકામાં આર્થિક ડેટા આવવાનો છે.
અમેરિકન માર્કેટમાં કેટલો ઘટાડો થયો
ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 497.57 પોઈન્ટ અથવા 1.45 ટકા ઘટીને 33,849.46 પર બંધ થયો હતો. S&P 500 1.54% ઘટીને 3,963.94 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 1.58 ટકા ઘટીને 11,049.50 પર બંધ રહ્યો હતો.
જેની અસર ભારતીય બજાર પર જોવા મળી શકે છે
અમેરિકન બજારોમાં નબળાઈના કારણે આજે સવારે વૈશ્વિક બજાર પણ નરમ જોવા મળી રહ્યું છે. એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. SGX NIFTY લગભગ 80 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યો છે. નબળા વૈશ્વિક સંકેતો પણ ભારતીય શેરબજારને અસર કરી શકે છે.