સુખસર: ફતેપુરા તાલુકામાં ફોરેસ્ટ વિસ્તારના વિકાસ માટે સરકાર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ પણ કરી રહી છે. છતા ખર્ચની સામે જંગલ વિસ્તારનો વિકાસ થવો જોઈએ તેની જગ્યાએ વર્ષો વર્ષ જંગલ વિસ્તારમાં રહ્યા વૃક્ષો નામશેષ થઈ રહ્યા છે. બોડા ડુંગરોનો વિસ્તાર વધતો જાય છે.સાથે-સાથે વર્ષો વર્ષ વૃક્ષોના વાવેતર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં વાવેતર કરાયેલા વૃક્ષોનું જતન કરવામાં નહીં આવતા વૃક્ષોની વૃદ્ધિ થઈ શકતી નથી અને દર વર્ષે એકને એક જગ્યાએ વૃક્ષોના વાવેતર પાછળ ખર્ચ કરાઈ રહ્યો છે. ત્યારે વન વિસ્તારના વિકાસ માટે જવાબદારો દ્વારા ધ્યાન આપી નામશેષની દિશા તરફ જઈ રહેલા વનવિસ્તાર સહિત વન ખાતાને બચાવવા ધ્યાન આપવાની ખૂબ જ જરૂરત જણાઈ રહી છે.
ફતેપુરા તાલુકાના લખણપુર, જામ્બાસર, જવેસી, મારગાળા, સાગડાપાડા, મોટીઢઢેલી જેવા ગામડાઓની સરહદો ઉપર સારા એવા પ્રમાણમાં જંગલ વિસ્તાર વધારી શકાય તેવી સરકારી જમીનો આવેલી છે.અને આ વિસ્તારોમાં અગાઉ તમામ વૃક્ષો સહિત ઇમારતી વૃક્ષો પણ આવેલા હતા.પરંતુ થોડા વર્ષોથી જંગલ વિસ્તારના વિકાસ માટે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા નિષ્ક્રિયતા દાખવતા જંગલ વિસ્તારો નામશેષ થઈ બોડા ડુંગરોમાં ફેરવાઈ ગયા છે. તેમજ આ જગ્યા ઉપર વર્ષો વર્ષ વૃક્ષોનું વાવેતર પણ કરાવે છે. પરંતુ તેની માવજતના અભાવે વૃક્ષોની વૃદ્ધિ થઈ શકતી નથી. ત્યારે ફોરેસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપે અને નામશેષ થતા જંગલ વિસ્તારને બચાવે તે સમયની માંગ છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, સુખસર વિસ્તારમાં 45 જેટલા ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલો છે.અને આ વિસ્તારના ગામડાઓ માટે સુખસર ખાતે રેન્જ ફોરેસ્ટ કચેરી આવેલી છે.અગાઉ આ કચેરીમાં ફોરેસ્ટ કર્મચારીઓ હાજર રહેતા હતા.પરંતુ છેલ્લા એક વર્ષ ઉપરાંતથી સુખસર વિસ્તારમાં ફરજ બજાવતા ફોરેસ્ટના કર્મચારીઓ કચેરીને તાળા મારી ફતેપુરા ફોરેસ્ટ ઓફિસ ખાતે બેસી કામગીરી કરી રહ્યા છે.જ્યારે સુખસર ખાતે આવેલ કચેરીની ચારે બાજુ ઝાડીઝાખરાં ફૂટી નીકળતા હાલ કચેરીની બદતર હાલત જોવા મળે છે.ત્યારે સુખસર વિસ્તારમાં ફોરેસ્ટ ખાતામાં ફરજ બજાવતા જવાબદાર કર્મચારીઓ નિયમિત કચેરી ખાતે હાજર રહી નામ શેષની દિશા તરફ જઈ રહેલા વનવિસ્તારને વધારવા કામે લાગી જાય તે ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે.