National

નવી કેબિનેટે પહેલી જ બેઠકમાં આટલા કરોડનું આરોગ્ય બજેટ જાહેર કર્યું

કેન્દ્રીય કેબિનેટે કોવિડ-૧૯ સામે લડવા માટે આરોગ્ય માળખું સુધારવા રૂ. 23123 કરોડનું પેકેજ મંજૂર કર્યું છે જેના ભાગરૂપે 2.4 લાખ મેડિકલ બેડ્સ અને 20 હજાર આઇસીયુ બેડ્સનું સર્જન કરવામાં આવશે જેમાં ખાસ ધ્યાન બાળ સંભાળ પર કેન્દ્રિત કરવામાં આવશે.

બુધવારે વ્યાપક ફેરફારો થયા બાદ કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક આજે મળી હતી જેને સંબોધન કરતા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ પેકેજ માર્ચ 2022 સુધીમાં આગામી નવ મહિનામાં લાગુ પાડવામાં આવશે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી હતી. માંડવિયાએ જણાવ્યું હતું કે ઇમરજન્સી રિસ્પોન્સ અને હેલ્થ સિસ્ટમ પ્રિપેર્ડનેસ પેકેજનો આ બીજો તબક્કો છે જ્યારે કેન્દ્ર સરકારે કોવિડ માટેની ખાસ હોસ્પિટલો અને દેશભરમાં આરોગ્ય કેન્દ્રો સ્થાપવા માટે અગાઉ રૂ. 15000 કરોડ ફાળવ્યા છે.

નવા પેકેજ હેઠળ કેન્દ્ર સરકાર રૂ. 15000 કરોડ ફાળવશે અને રાજ્યો રૂ. 8123 કરોડ આપશે અને આ બંને દ્વારા સંયુક્ત રીતે આ યોજના દેશના 736 જિલ્લાઓમાં લાગુ પાડવામાં આવશે જેમાં પ્રાથમિક અને જિલ્લા આરોગ્ય કેન્દ્રોના તબીબી માળખામાં સુધારો કરવામાં આવશે. 2.4 લાખ સામાન્ય મેડિકલ બેડ્સ અને 20 હજાર આઇસીયુ બેડ્સ રચવામાં આવશે જેમાંથી 20 ટકા બેઠક બાળકો માટે ખાસ રાખવામાં આવશે. આ પેકેજ હેઠળ 8800 જેટલી એમ્બ્યુલન્સો પણ ઉમેરવામાં આવી છે એમ નિવેદનમાં જણાવાયું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ જિલ્લા સ્તરે ઓક્સિજન અને દવાઓના સંગ્રહ માટે સવલતો વિકસાવાશે.

નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ(એનસીડીસી)ને જીનોમ સિકવન્સિંગ મશીનો પુરા પાડીને તથા સાયન્ટિફિક કન્ટ્રોલ રૂમ, એપિડેમિક ઇન્ટેલિજન્સ સર્વિસીઝ તથા અન્ય ટેકા પુરા પાડીને મજબૂત કરાશે. આ ઉપરાંત દેશની તમામ ડિસ્ટ્રીકટ હોસ્પિટલોને હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ(એચએમઆઇએસ) પુરી પાડીને ટેકો આપવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારોમાં વધેલા રોગચાળાને કારણે રાજ્યો તથા સંઘ પ્રદેશોને સમુદાયોની નજીકના સ્થળે આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં મદદ સહિતની જોગવાઇઓ આ પેકેજમાં છે.

Most Popular

To Top