અમદાવાદ: (Ahmedabad) મંગળવારે મોડી રાત્રે અમદાવાદમાં એક બ્રિજ તુટી (bridge collapsed) પડ્યો હતો. અહીંના સરદાર પટેલ રિંગ રોડ (Sardar Patel Ring Road) પર નવો બની રહેલા બ્રિજનો એક ભાગ મંગળવારે મોડી સાંજે એકાએક તૂટી પડ્યો હતો. સદ્દનસીબે આ ઘટનામા કોઈને ઈજા થઈ નથી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બ્રિજ તૂટવા પાછળનું કારણ શોધવામાં આવી રહ્યુંછે. કોન્ટ્રાક્ટર સહિતના જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. આ ઘટનાના પગલે સુરતમાં દાયકા પહેલાં નવનિર્માણાધીન બ્રિજનો એક સ્પાન તૂટી ગયો હતો અને મજૂરો દટાઈને મરી ગયા હતા તે ઘટના તાજી થઈ ગઈ હતી.
માહિતી અનુસાર અમદાવાદના મહમદપુરા ચાર રસ્તા પાસે એક નવો બ્રિજ બની રહ્યો છે, જે મંગળવારે રાત્રે ધરાશાયી થયો છે. કાકાના ધાબા પાસે આ ઘટના બની છે. મોડી રાત્રે 10.45 વાગ્યાની આસપાસ બ્રિજ તૂટી પડ્યો હતો. બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર YMC ક્લબ રોડના ટર્નિંગ પાસે છેલ્લા છ મહિનાથી ઔડા દ્વારા બ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ મોડી સાંજે સનાથલ સર્કલ પાસે બોપલથી શાંતિપુરા તરફ જવા બની રહેલા નવા બ્રિજનો વચ્ચેનો એક ભાગ એકાએક ધડાકાભેર તૂટી પડ્યો છે. બ્રિજના સ્પોર્ટ માટે મૂકવામાં આવેલા લોખંડના બીમ પણ તૂટી ગયા હતા.
તમને જણાવી દઈએ કે, ઔડા દ્વારા એસપી રિંગ રોડ પર કુલ 8 જંકશન પર ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે જેમાં શાંતિપુરા સર્કલ પર બની રહેલો આ બ્રિજ સૌથી વધુ રૂ. 95 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો. દુર્ઘટના બાદ રાત્રે અને સવારે ઔડાના અધિકારીઓએ ઘટના સ્થળની સમીક્ષા કરી હતી. બ્રિજની કામગીરી અને તૂટી પડવાના કારણો શોધવાના પ્રયાસ કર્યા હતા. આ બ્રિજના નિર્માણનો કોન્ટ્રાક્ટ રણજિત બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને આપવામાં આવ્યો છે.
સુરતમાં દાયકા પહેલાં નિર્માણાધીન બ્રિજનો સ્પાન તૂટી ગયો હતો
દસ વર્ષ પહેલાં સુરતમાં કેબલ સ્ટેઈડ બ્રિજને જોડતા પારલેપોઈન્ટ, અઠવા તરફનો સ્પાન બની રહ્યો હતો. વળાંકવાળા આ સ્પાન એક ગોઝારી રાત્રે ધડામ દઈને નીચે પડી ગયો હતો. જેના કાટમાળમાં મજૂરો અને તેમના પરિવારો દબાઈ ગયા હતા. આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. તે ઘટનામાં કેટલાંક મજૂરો માર્યા ગયા હતા. અમદાવાદની ઘટનાના પગલે સુરતની દુર્ઘટનાની યાદો તાજી થઈ ગઈ હતી.