9 જુલાઇની ગુજરાતમિત્રની સીટીપ્લસ પૂર્તિ દ્વારા 11મી જુલાઇએ world population day છે એ જાણવા મળ્યું. પૂર્તિ દ્વારા યુવા પેઢીના વસ્તી નિયંત્રણ માટેના વિચારો અત્યંત વિચારશીલ રહ્યા. આપણા દેશની સૌથી મહાન સમસ્યા હોય તો એ નિરકુંશ વસ્તી વધારો છે. બેરોજગારીથી લઇને મોંઘવારી, ભ્રષ્ટાચાર વિ. અનેક બાબતો વસ્તી વધારા સાથે સંકળાયેલી છે એ નિ:શંક વાત છે. વર્તમાન સમયમાં શિક્ષણ પણ અત્યંત ખર્ચાળ બની રહ્યું છે. નોટબુક, પુસ્તકોના ભાવ પણ આસમાને છે. મોંઘવારીનો ગ્રાફ ઊંચે ગયા પછી નીચે આવવાની શક્યતા નહીવત પ્રમાણમા઼ હોય છે.
યુવાપેઢીએ જણાવ્યા મુજબ વસ્તી નિરકુંશ હોવાને કારણે કોરોનાની મહામારીએ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ. તા. 11મી જુલાઇના ગુજરાતમિત્ર અખબારના અહેવાલ મુજબ યુપી સરકારે વસ્તી નિયંત્રણ માટેના પગલા લેવાના પણ પ્રારંભી દીધા. દીકરો હોય કે દીકરી બે સંતાનોનો ઉછેર યોગ્ય રીતે થઇ શકે છે એ સર્વવિદિત વાત છે. અમુક જ્ઞાતિ કે કોમમાં પરિવાર નિયોજન મનાન્ય નથી રખાતું! ત્યાં પાંચ-છ બાળકો સામાન્ય ઘટના ગણાય છે. ભલે પછી અન્નના સાંસા હોય કે જીવન જરૂરીયાત ચીજવસ્તુ પણ પૂરી થઇ શકતી હોય. વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા જ રાજી ન હોય! સમજશક્તિ કે શિક્ષણનો અભાવ પણ કારણભૂત હોઇ શકે. પણ હવે દેશને પ્રગતિને પંથે દોરવો હોય તો વસ્તી નિયંત્રણ અતિ આવશ્યક યુ.પી. સરકારે ભવિષ્યને અનુલક્ષીને આ નિર્ણય અમલમાં મૂક્યો હશ. જે દેશની પ્રગતિ માટે આવકાર્ય જ છે.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.