Comments

હજામત કરાવવાની શહેનશાહી સ્ટાઈલ…!

ચંચીલી, મારી પોતાની વાઈફનું નામ છે. આમ તો નામ એનું ચંદ્રાવતી. (ના, સત્યનારાયણની કથામાં આવતી લીલાવતી ને કલાવતી સાથે એને કોઈ સંબંધ નહિ.) પણ, ચંદ્રાવતી બોલવામાં ‘માયાવતી’ જેવું લાગે, એટલે શોર્ટફોર્મ ‘ચંચીલી’ રાખેલું. પ્રેમમાં કોઈ બાંધછોડ નહિ. આજે પણ અમારા વચ્ચે ભરેલા રીંગણા જેટલો જ પ્રેમ ઉભરાય! વાઈફ છે, જલ્લાદ તો રહેવાની જ ને? એનો જનમ થયો ત્યારે વાવાઝોડું એના સરનામે જ ત્રાટકેલું! લોકડાઉનમાં ભલભલું ડાઉન થયેલું, એમ સલુનવાળાએ પણ હથિયાર હેઠાં મૂકી દીધેલાં! શરમની વાત કરું તો, પૂંછડા જેવી લાંબી ડીગ્રી મારી પાસે હોવા છતાં, મારી તો ઠીક, કોઈની પણ હજામત હું જાતે કરી શકતો નથી.

એમાં વાળ રીંછડાં જેવાં થઇ ગયાં. આજે તો ચંચીલીએ ચારણ-કન્યાની માફક ત્રાડ જ નાંખી. ‘ સાંભળો છો? (હું બહેરો છું એવું કોઈ સર્ટીફીકેટ એની પાસે નથી!) આ વાળની માનતા હવે ક્યારે ઉતારવાના? ગોરિલા વાંદરા કરતાં પણ બદતર લાગો છો! વાળના ઓશિકા ભરાવવાના હોય એમ, બાબરી ઉતારવાનું તો તમે નામ જ લેતા નથી! લોકડાઉન પણ હવે ‘અપ-ડાઉન’ થઇ ગયું, આજે જો હજામત કરાવ્યા વગર આવ્યા છો તો, ગૃહપ્રવેશ બંધ!

ઘરનાં બારણાં શટ-ડાઉન થઇ જશે ને સાંભળો, ટકો તો કરાવતા જ નહિ! તમને ખબર છે કે, તમારી ટાલ પાડતાં મને પણ આવડે છે, પણ તમારી ટાલ જોઇને લોકો મને ચીડવે કે, પેલી અમરીશપુરીની વાઈફ ચાલી એટલે અત્યાર સુધી પાડી નથી. ટાલ ઉપર માખી બેસે તો બિચારી લીસા પ્લોટ ઉપરથી સરકી જાય તે અલગ! માટે મારા હાથમાં આવે એટલા જ વાળ કપાવજો.’ એક જ શ્વાસમાં એટલું બધું બોલી ગઈ કે, સાંભળીને હું હાંફી ગયો!

લોકો પણ એ ની માને ખરા છે! મંગલ/અમંગળ દરેક પ્રસંગનાં મુહૂર્ત ને ચોઘડિયાં કાઢ્યાં, પણ હજામત કરાવવાના મુહૂર્ત કાઢવાનું ભૂલી ગયેલા. ખુદ સલુનવાળાએ તો કાળજી રાખવી જોઈએ. પોતપોતાના ધંધામાં વૃદ્ધિ કેમ કરવી એ પણ શું આપણે શીખવવાનું હોય? કોરોનાને લીધે વેપાર-ધંધામાં ભલે મંદી આવે, પણ વાળની વૃદ્ધિ થોડી અટકે?  મોંઘવારી ને પેટ્રોલના ભાવની માફક એ તો ફાલે જ. વાળ એવાં બેફામ વધ્યા કે, મારો દીદાર બદલાઈ ગયો.

મારી સાથે સેલ્ફી લેવાની પડાપડી કરતાં થઇ ગયા! કારણ પૂછ્યું તો કહે, ‘ છોકરાઓને બીવડાવવા તમારો ફોટો કામ લાગે..!’ નાની ચક્લીઓ તો માથે માળો બાંધવા માટે બે-ચાર વાર પ્લોટ જોઈ ગઈ! કોરોનામાં બધું જ જડબેસલાક બંધ હોય એમાં મારો શું દોષ? ને વાળ સાલા એવાં નફફટ કે દિવસના નહિ વધે એટલા રાતે વધે! હું માણસ મટીને સાચ્ચેસાચ ગોરિલા વાંદરા જેવો બની ગયો. ગોરીલાની ઘરવાળી નહિ લાગે, એ માટે ચંચીલીએ આજ સુધી મારી સાથે સેલ્ફી સુદ્ધાં લીધી નથી! મારી આખી મસોટી જ એવી થઇ ગઈ કે, હું જ મને ઓળખતો બંધ થઇ ગયો. ચંચીલીની એક બહેનપણીએ તો બદામ પણ ફોડી કે, ‘અલી તેં ધણી બદલી નાંખ્યો કે શું? કેટલામાં કાઢ્યો? મારે પણ કાઢવાનો જ છે!’ એના કપાળમાં કાંદા ફોડું, લોકો શું કામ બળતામાં ઘી નાંખતા હશે?

છેવટે ચંચીલીના આદેશને માથે ચઢાવી, કોલંબસ અમેરિકા શોધવા નીકળી પડેલો એમ, હું સલુન શોધવા નીકળી પડ્યો. રીસાયેલો જમાઈ વગર તેડાંએ સાસરે જતો હોય એમ હું સલુનવાળાની શોધમાં નીકળી પડ્યો. વાળ ઉતારવાને બદલે માથું વધેરવા જતો હોય એવી હાલત હતી. માંડ એક સલુનવાળો મળ્યો. સવારનો સમય એટલે હાથમાં અગરબત્તી લઈને મારી પૂજા કરવા ઊભો હોય એમ ઊભો હતો. મને જોઇને કહે, ‘જરાક શોપમાં બેસજો, હું હમણાં માચીસ લઈને આવું છું! ‘ અડધો કલાક થયો, એ તો નહિ આવ્યો, પણ બે-ચાર ઘરાક આવી ગયા. એક કહે, ‘ ચાલ, જરા ફટાફટ દાઢી બનાવી દે તો! મેં કહ્યું, ‘ભાઈ, હું સલુનવાળો નથી. તમારી જેમ ગ્રાહક જ છું! મને કહે, તમારા મોંઢા ઉપરથી તો એવું જ લાગે કે, તમે સલુનવાળા જ છો! રાજા વિક્રમ સિંહાસન ધારણ કરતો હોય, એમ મેં ખુરશી ધારણ કરી લીધી.

અરીસામાં જોઇને છેલ્લી વાર વાળદર્શન કરીને એકાદ-બે પટીયાં પણ પાડી દીધાં. મારી ચેષ્ટા જોઇને, સલુનવાળો મારી સામે એકીટશે જોવા લાગ્યો. મને થયું કે, એ કદાચ મારા વાળ ગણતો હશે. કદાચ નંગ ઉપર વાળ કાપવાનો ભાવ કહેવાનો હશે! શંકાનું સમાધાન કરવા મેં પૂછી જ નાંખ્યું કે, ‘વડીલ, વાળ કાપવાનું શું લેશો?’ મને કહે, જથ્થાબંધ વાળ કાપવાના છે, એટલે ૧૪૦ રૂપિયા થશે. એનો ભાવ સાંભળીને મારું સિંહાસન એટલે હલી ગયું કે, મારા ખિસ્સામાં માત્ર ૫૦ રૂપિયા જ હતા! પણ એક વાર સિંહાસન ધારણ કર્યા પછી ઊઠી જઈએ તો કોઈને કોઈ વૈતાળ ચોંટી જશે, એટલે પડશે તેવા દેવાશે સમજીને વટથી કહી દીધું કે હો જાય! વાળ કપાવ્યા પછી મને કહે, ‘માલીશ કરી દઉં સાહેબ?’

મેં કહ્યું, ‘ એના કેટલા લાગશે? મને કહે ૫૦ રૂપિયા..! ખિસ્સામાં ખાલી પચાસ અને  વાળના ચુકવવા માટે પણ ૯૦ તો ઘટતા હતા. ત્યાં બીજા ૫૦ નો ખર્ચો..! અંતરાત્માએ અવાજ આપ્યો કે, ’ રમેશિયા..! ૯૦ માં જે થવાનું છે, તે જ ૧૪૦ માં થવાનું છે, હિંમત રાખ ને મેં માલીશ પણ કરાવી દીધું! મને કહે, ‘સાહેબ ફેસિયલ પણ કરી જ દઉં? મેં કહ્યું, ‘ એના કેટલા થાય?’ મને કહે, ૨૫૦ રૂપિયા..! મેં કહ્યું એ પણ કરી નાંખ, ચંચીલી પણ અંજાઈ જશે. કુલ ૩૯૦ રૂપિયાનું બીલ થયું ને હું સિંહાસન ઉપરથી શહેનશાહની માફક ઊભો થયો. ત્યાં દુકાન આગળ એક લાંબા વાળવાળો છોકરો રમતો હતો.

એને કહ્યું, ચાલ મફતમાં વાળ કપાવી આપું અને સલુનવાળાને કહ્યું કે, ‘ આ છોકરાના વાળ કાપતા થાવ, ત્યાં સુધીમાં હું જરા પાન-મસાલો લઈને આવું છું. સલુનવાળો ખુશ થઇ ગયો કે, આજે તો સારી કમાણી થવાની. એક કલાક થવા છતાં હું નહિ દેખાયો, ત્યારે સલુનવાળાએ છોકરાને પૂછ્યું કે, તારા બાપા હજી કેમ નહિ આવ્યા? છોકરો કહે, ‘કોના બાપા? એ મારા બાપા નથી. મને કહે,’ ચાલ મફતમાં વાળ કપાવી આપું, એટલે હું આવ્યો! પછી તો એવી કરુણ ઘટના બની કે, છોકરાની મા સલુનમાં આવી ને, સલુનવાળાને તતડાવી નાંખ્યો, મારા છોકરાના વાળ કેમ કાપ્યા? એ તો માનતાના વાળ હતા! એના કપાળમાં કાંદા ફોડું, સલુનવાળાએ સામા ૫૦૦૦ આપ્યા ત્યારે, માંડ ઝઘડો શાંત થયો!

લાસ્ટ ધ બોલ

આજ કાલ ટી.વી. ઉપર રામાયણ સીરીયલ ખૂબ ચાલે છે. એક વાર શ્રીશ્રી ભગાનો પરિવાર ડ્રોઈંગ રૂમમાં બેસીને ટી.વી.માં રામાયણ સીરીયલ જોતો હતો. ત્યાં ટેણકીએ એના પપ્પાને પૂછ્યું કે, ‘ પપ્પા..! આ રાક્ષસી આવી તે કોણ છે..? એના પપ્પા કહે, ‘એ તારી માસી થાય બેટા!’ એમાં એવો તો ભડકો થયો કે, ‘માસી શું કામ થાય? એમ કહો ને ‘કે એ તારી ફોઈ થાય!’ એ પછી, રામાયણ સીરીયલ તો પૂરી થઇ, પણ ઘરમાં મહાભારત હજી ચાલુ છે! એના કપાળમાં કાંદા ફોડું!

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top