ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડોની સંખ્યા સતત ઘટી રહી છે. ખુદ શિક્ષણ વિભાગ દ્વારા ગૃહમાં રજૂ કરવામાં અાવેલી માહિતી અનુસાર વર્ષ ૨૦૧૫ માં પ્રાથમિક શાળાઓમાં આઠ હજાર ત્રણસો બાવીસ વર્ગ ખંડોની ઘટી હતી. વર્ષ ૨૦૧૮ માં તે ઘટ વધીને સોળ હજાર આઠ થઇ હતી. તો ૨૦૨૧ ના વર્ષમાં તે ઘટ વધીને અઢાર હજાર પાંચસો સાડત્રીસ સુધી પહોંચી હતી. અને વર્ષ ૨૦૨૨ માં આ ઘટ વધીને ઓગણીસ હજાર એકસો અઠયાવીસ સુધી પહોંચી છે. આટલું ઓછું હોય તેમ, ગુજરાતમાં ત્રેવીસ પ્રાથમિક શાળા એવી છે કે જયાં વિજળીની કોઇ સુવિધા જ નથી! રાજયમાં આજેય પાંચ હજાર ચારસો ઓગણચાલિસ સરકારી પ્રાથમિક શાળા અને બસો બોત્તેર ખાનગી પ્રાથમિક શાળાઓ એવી છે કે જયાં બાળકોની સામતી માટે કમ્પાઉન્ડ વોલ સુધ્ધા નથી! જયાં વર્ગ ખંડોની સુવિધા અપૂરતી હોય વિજળીની સુવિધા પણ ન હોય ત્યાં વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરતા હશે? તેની માત્ર કલ્પના જ કરવી રહી. ગુજરાત સરકારે ‘ભણે ગુજરાત’નું સૂત્ર સાચા અર્થમાં સાર્થક બનાવવું હોય તો ઉપર્યુકત અહેવાલને તાકીદે લક્ષમાં લઇ યોગ્ય ઘટતા પગલાંઓ લેવા જોઇએ.
પાલનપુર – મહેશ વી. વ્યાસ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.