વાંકલ: માંગરોળના (Mangrol) મોસાલી (Mosali) ગામે પિયરમાં પિતાને ત્યાં રહેવા આવેલી પરિણીતા ગુમ થતાં પતિએ પત્ની ગુમ થયા અંગેની પોલીસ (Police) ફરિયાદ નોંધાવી પ્રેમી સાથે ભાગી ગયાની શંકા વ્યક્ત કરી છે.
- 14 વર્ષના લગ્નજીવનમાં બે સંતાન ધરાવતી પરિણીતા અન્યના પ્રેમમાં પડી
- એક વર્ષ પહેલાં પતિ અને પિયરિયાએ સમજાવી પણ હતી
મોસાલી ગામે રહેતા સજાઉદીન સદરૂદીન પઠાણની પુત્રી હિનાનાં લગ્ન આજથી ૧૪ વર્ષ પહેલાં સુરત ખાતે રહેતા મહંમદ ઝુબેર મલેક સાથે થયાં હતાં. લગ્નજીવન દરમિયાન બે સંતાન અવતર્યાં હતાં, જેમાં મોટો પુત્ર અતિક ધો.7માં ભણે છે અને પુત્રી મહેરીન ધો.4માં ભણે છે. પત્ની થોડા દિવસ પહેલાં મોસાલી ખાતે પિયરમાં સુરતથી આવી હતી. તા.31ના રોજ 6 કલાકે હિના ઘરના સભ્યોને જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગઇ હતી.
જે અંગેની જાણ તેના સાળા સિરાજભાઈએ સુરત હિનાના પતિને કરી હતી. તેમણે તમામ જગ્યાએ શોધખોળ આદરી હતી. પરંતુ ક્યાંય પત્તો ન લાગતાં આખરે માંગરોળ પોલીસમથકમાં પતિ મહંમદ ઝુબેર મલેક દ્વારા ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગુમ થયેલી હિના મધ્યમ બાંધાની, મોં ગોળ, ઊંચાઈ ૫ ફૂટ, ડાબી આંખ લકવાના કારણે નાની થઈ ગઈ છે, હિન્દી અને ગુજરાતી ભાષા બોલે છે તેવી માહિતી પોલીસને અપાઈ હતી. વધુમાં પતિ મહંમદે ફરિયાદમાં જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી સુરત ખાતે રહેતો સૈયદ રજા નામના ઈસમ સાથે હિના પ્રેમસંબંધ ધરાવતી હતી. આ બાબતે સૈયદને ઠપકો પણ આપવામાં આવ્યો અને સાસરી અને પિયર પક્ષે હિનાને પ્રેમસંબંધ નહીં રાખવા કહ્યું હતું.
વાગરાના મુલેરથી બે પરપ્રાંતીય ઝોલાછાપ ડોક્ટર ઝડપાયા
ભરૂચ: લાલ-પીળી દવાઓના અખતરાના આધારે દવાખાના ખોલી ઇલાજના નામે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં બે ઝોલાછાપ ડોક્ટરોને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યા છે. આ બે ઝોલાછાપ કોઇપણ પ્રકારની તબીબી ડિગ્રીઓ વગર દર્દીઓને માત્ર દવાઓ જ નહીં પણ ઇન્જેક્શન પણ લગાડવા માંડ્યાં હતાં. સ્પેશિયલ ઓપેરેશન ગ્રુપે બંને ઝોલાછાપ તબીબની ધરપકડ કરી વાગરા પોલીસને સુપરત કર્યા છે.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના પીઆઈ વી.બી.કોઠિયાને વાગરા તાલુકામાં ઝોલાછાપ તબીબો હાટડીઓ ખોલી ઈલાજના નામે લોકો ઉપર અખતરા કરી રહ્યા હોવાની બાતમી મળતા ટીમ રવાના કરવામાં આવી હતી. વાગરાના મુલેર ગામે રેડ પાડતાં મોનીતલ મનોરંજન હાજરા (હાલ રહે., મુલેર, મૂળ રહે., બરનબેડિયા, તા.ધાનતલા, જિ.નદિયા, વેસ્ટ બંગાલ (કોલકાતા) જે કોઇપણ જાતની મેડિકલ ડિગ્રી વિના મેડિકલનાં સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન સાથે કુલ રૂ.૧૦,૬૫૧નો મુદ્દામાલ સાથે તેમજ સોહાગ પ્રણયદાસ (રહે.,મુલેર, મૂળ રહે.,પુરબા પારા, જિ.નદિયા, વેસ્ટ બંગાળ, કોલકાતા) પાસે પણ મેડિકલ ડિગ્રી વિના એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન મળી કુલ રૂ.૧૭,૭૭૫નો મુદ્દામાલ કબજે કરી ઝડપાઈ ગયા હતા. બંને ઈસમ વિરુદ્ધ વાગરા પોલીસને બે ગુના નોંધીને સુપરત કરતાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.