આણંદ : બોરસદમાં અભયમ દ્વારા 16 વર્ષની બાળાના બાળલગ્ન થતા અટકાવવામાં આવ્યાં હતાં. જોકે, આ કેસમાં મામાને ત્યાં રહેતી ભાણીના બારોબાર લગ્ન નક્કી કર્યાં હતાં. જેની જાણ થતા માતાએ અભયમની મદદ લીધી હતી અને ટીમ સમયસર પહોંચી જઇ કાયદાકીય સમજ આપતા લગ્ન અટકી ગયાં હતાં. આ મુદ્દે તપાસમાં માતાએ જ સગીર દિકરીને બીજાના ઘરે મોકલી ત્યાં જ લગ્ન કરવા દબાણ કર્યું હતું. આથી, તેની સુરક્ષા લઇને પ્રશ્ન ઉભા થતાં મામા તેના ઘરે લઇ ગયાં હતાં અને બાદમાં લગ્ન નક્કી કર્યાં હોવાનું બહાર આવ્યું હતું.
બોરસદમાં 8 વર્ષ પહેલા પતિનું મૃત્યુ થતા પરણિતાએ તેના બે દિકરા અને એક દિકરીને નાનીના ભરોષે છોડી દિધા હતા. જોકે બાદમાં પણ માતા દ્વારા વારે વારે ઝઘડો કરવાથી 16 વર્ષીય બાળાને સુરક્ષીત રાખવા કાયદાકીય જાણકારી વગર તેના મામાએ લગ્ન નક્કી કરી દિધા હતા અને દિકરીએ માતા પાસે પરત ફરવાની ના પાડતા તેણીએ અભયમને બોલાવ્યા હતા. તેમણે અભયમને મને મારી દિકરી આપતા નથી અને તેના બાળલગ્ન કરી રહ્યા છે એવી ફરીયાદ કરી હતી. આથી અભયમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ત્યા જુદી જ વાત જાણવા મળી હતી. સગી જનેતા દ્વારા દોઢ વર્ષ પહેલા તેણી દ્વારા પોતાની સાડા 14 વર્ષની બાળકીને અજાણ્યા પરીવારમાં સોંપીને ત્યાં લગ્ન કરવા દબાણ કરવામાં આવ્યું હતું. જેના પગલે બાળકીએ મામાને ફોન કરતા તેણીને લઈ ગયાં હતાં. તેવી વાત બહાર આવી હતી.બાળકીના મનમાં ડર બેસી ગયો હતો કે, તેની માતા તેને કોઈને સોપી દેશે. આથી તે માતા પાસે જવા માગતી ન હતી. તેણીના મામાને બાળલગ્નના કાયદા અંગે જાણકારી ન હતી. આથી અભયમ દ્વારા કાયદાકીય સમજણ આપીને કેસ બાળ સુરક્ષા એકમને સોપ્યો હતો.