Charchapatra

ક્રિકેટ ઇતિહાસના સૌથી કંજૂસ બોલર

તાજેતરમાં ઇંગ્લેન્ડના શ્રેષ્ઠ સ્પીનર  ડેરેક અંડરવુડનું અવસાન થયું. અન્ડરવુડે પોતાની ઘાતક ડાબેરી સ્પિન બોલિંગ વડે સુનિલ ગાવસ્કરને સૌથી વધુ વખત, મતલબ કે 12 વખત ટેસ્ટ ક્રિકેટમાં આઉટ કર્યા હતા.આવા જ એક અદ્ભુત ભારતીય ડાબોડી  સ્પીનર જેનું નામ હતું રમેશચંદ્ર ગંગારામ નાડકર્ણી  યાને કે “બાપુ” નાડકર્ણી.જેમને ક્રિકેટ ઇતિહાસના સૌથી કંજૂસ બોલર તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે. જેમણે એક નહીં, બે નહીં, પૂરી એકવીસ ઓવર મેડન નાંખી , એક પણ રન ના આપ્યો.” ઇન્સ્ટન્ટ” ક્રિકેટના માહોલમાં ઘણાને “બાપુ “નાડકર્ણીનું નામ પણ કદાચ યાદ નહીં હોય,જેમણે આજથી 60 વર્ષ પહેલાં મદ્રાસ હાલના ચેન્નઈના કોર્પોરેશન સ્ટેડિયમ પર ઇંગ્લેન્ડના બેટસમેનોને એક એક રન માટે તરસાવ્યા  હતા.

આ ટેસ્ટમાં એમની બોલિંગ તો જુઓ. બત્રીસ ઓવર સત્તાવીસ મેડન પાંચ રન અને એક પણ વિકેટ નહીં. ૩૨.- ૨૭ – ૫ – ૦ . “બાપુ” નાડકર્ણી નેટ પ્રેક્ટિસમાં  સિક્કો નાંખી બોલિંગ પ્રેક્ટિસ કરતાં .ડાબા હાથનું કાંડું એવી રીતે ઘુમાવતા  જેથી બોલ સિક્કા પર જ પડે.ટેસ્ટ ક્રિકેટમાં ૧.૬૭ રનનો એમનો ઇકોનોમી રેટ હતો. ટેસ્ટ  ક્રિકેટમાં એમણે  41 ટેસ્ટ રમ્યા  9,165 બોલ નાંખ્યા 2554 રન આપી 88 વિકેટ લીધી હતી. આવા દિગ્ગજ ક્રિકેટરને લાખ સલામ.
સુરત     – ડો.જયેન્દ્ર કાપડીઆ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સિનિયર સીટીઝન્સ યુનિટો
આપણા સુરત શહેરમાં અઢળક વરિષ્ઠ નાગરિક મંડળો અસ્તિત્વ ધરાવે છે. તે અંગે ભાઇ પરેશ ભાટિયાએ મનનો ઉભરો ચર્ચાપત્રમાં ઠાલવ્યો. બહુ ઓછાં મંડળો પારદર્શક કારભાર આવે છે. તેમાંનું એક ગંગેશ્વર વયસ્ક મંડળ છે. એના સ્થાપક સભ્ય તરીકે આ લખનારે ફરજ બજાવેલી. બંધારણ જ એવું કે આવતાં નવાં વર્ષો જે સિલ્લક વધી હોય તેમાંથી સભ્યોને ભેટ આપવી. 2006માં આ મંડળ મારી યાદ શકિત મુજબ સ્થપાયેલું. નવા વર્ષે ઝીરો બેલેન્સ એ આ સંસ્થાની નવી પદ્ધતિ આવકારદાયક પ્રવૃત્તિ છે. હાથ પર હોય સિલ્લક તેને અનુલક્ષીને જ જમણવાર, ભેટ, અન્ય ખર્ચ કરતો. આ નિયમને અદ્યાપિપર્યંત કાર્યકરો નિભાવી રહ્યા છે. પાવડે પાવડે નાણાં ઉધરાવવાની નીતિ આ મંડળમાં નથી. વર્ષગાંઠની સ્વેચ્છ ભેટ સ્વીકારાય છે. ભાઇશ્રી સુભાષ ભટ્ટે 7મી એપ્રિલના ચર્ચાપત્રમાં તેજસ્વી પ્રકાશ પાડ્યો છે. ઘસાઇને ઉજળા થવાની નીતિ આ મંડળમાં જોવા મળે છે.
સુરત     – કુમુદભાઈ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top