કોરોનાવાયરસના રોગચાળાએ અમેરિકાના અર્થતંત્રને જબરો ફટકો માર્યો છે અને હજી તો સ્થિતિ બગડતી જાય છે ત્યારે ફ્લોરિડામાં એક અજબ દ્રશ્ય જોવા મળ્યું હતું. ત્યાં એક ફૂડ બેન્ક દ્વારા વહેંચવામાં આવતું ભોજન લેવા માટે સંખ્યાબંધ લોકોએ પોતાના વાહનો સાથે લાઇન લગાવી હતી.
ફોર્ટ લોન્ડરડેલ શહેરને અડીને આવેલા સનરાઇઝ નામના વિસ્તારમાં એક ફૂડ બેન્ક ખાતે આ દ્રશ્ય જોવા મળ્યું હતું. ફીડિંગ સાઉથ ફ્લોરિડા નામની આ ફૂડ બેન્ક દ્વારા જરૂરિયાતમંદ લોકોને મફત ભોજન વહેંચવામાં આવે છે. દાનમાં મળતા નાણા વડે ભોજન તૈયાર કરીને આ ફૂડ બેન્ક ગરીબોને જમવાનું વહેંચે છે. પરંતુ હાલના કોરોનાવાયરસના વાવરના સમયમાં આ ફૂડ બેન્ક પાસે ભોજન માગવા આવતા લોકોની સંખ્યામાં ૬૦૦ ટકાનો વધારો થયો છે. લૉકડાઉનના માહોલમાં લાખો લોકો નોકરી કે રોજગારી ગુમાવી બેઠા છે અને તેઓ હવે મફત ભોજન માટે લાઇન લગાવી રહ્યા છે. આ લોકો પાસે પોતાની કાર તો છે પણ ભોજન માટેના નાણા નથી! એક ડ્રોન મારફતે લેવામાં આવેલી હવાઇ તસવીરમાં જોઇ શકાતું હતું કે આ ફૂડ બેન્કની નજીક કારોની મોટી લાઇન લાગી ગઇ હતી. તાજેતરના આંકડાઓ જણાવે છે કે ફક્ત ફ્લોરિડામાં જ પાંચ લાખ લોકોએ બેકારી ભથ્થાઓ માટે અરજી કરી છે.