Editorial

આ વર્ષે ચોમાસુ સામાન્ય ભલે રહ્યું પણ બહુ સંતોષકારક રહ્યું નથી

સપ્ટેમ્બર મહિનો પુરો થતા ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે કે દેશમાં આ વખતે ચોમાસુ સામાન્ય રહ્યું છે. હવામાન વિભાગે ચોમાસામાં વરસાદ સામાન્ય રહ્યો હોવાની જાહેરાત ભલે કરી છે પણ આ વખતે ચોમાસામાં વરસાદની સમય અને વિસ્તારો પ્રમાણે વહેંચણી ખૂબ અસમાન રહી છે અને તે બહુ લાભદાયક સ્થિતિ નથી, બલ્કે કેટલાક સંજોગોમાં તો નુકસાનકારક છે. ચોમાસુ સામાન્ય રહ્યું હોવાની જાહેરાત કરવાની સાથે હવામાન વિભાગે જે આંકડાઓ અને માહિતી આપી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ચોમાસામાં વરસાદની વહેંચણી ખૂબ અસમાન રીતે થઇ છે.

એટલું જ નહીં પણ છેલ્લા કેટલાક વર્ષોનો સિલસિલો ચાલુ રાખતા ચોમાસુ પાછું ખેંચાવાની પ્રક્રિયા વિલંબીત પણ થઇ છે જે બાબત પણ નુકસાનકારક પુરવાર થઇ શકે છે. જૂનથી સપ્ટેમ્બરની ચાર મહીનાની નૈઋત્યના ચોમાસાની ઋતુ દરમ્યાન દેશે સામાન્ય વરસાદ મેળવ્યો છે એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે આ ઉપરાંત એમ પણ જણાવ્યું છે કે ઉત્તર પૂર્વીય વર્ષા ઋતુ કે જે દક્ષિણી રાજ્યોમાં ઓકટોબરથી ડીસેમ્બર સુધીમાં વરસાદ લાવે છે તે સામાન્ય રહેવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગના ડિરેકટર મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાંથી નૈઋત્યનું ચોમાસુ ૬ ઓકટોબરની આસપાસ ખેંચાવાનું શરૂ થાય તે માટે સ્થિતિ ઘણી સાનુકૂળ છે. નૈઋત્યનું ચોમાસુ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી સામાન્ય રીતે ૧૭ સપ્ટેમ્બરથી પાછું ખેંચાવાનું શરૂ થાય છે. જથ્થાની રીતે જોઇએ તો આખા ભારતનું ચોમાસુ પહેલી જૂનથી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં લાંબા ગાળાની સરેરાશના ૯૯ ટકા રહ્યું છે. ૧૯૬૧થી ૨૦૧૦ની લાંબા ગાળાની સરેરાશ ૮૮ સેમી રહી છે જેની સામે આ વર્ષે ૮૭ સેમી વરસાદ થયો છે.

લાંબા ગાળાની સરેરાશના ૯૬થી ૧૦૬ ટકા વરસાદ સામાન્ય ગણાય છે. આ સતત ત્રીજું વર્ષ છે કે જ્યારે દેશમાં વરસાદ સામાન્ય અથવા સામાન્ય કરતા વધારે રહ્યો છે. ૨૦૧૯ અને ૨૦૨૦માં કુલ વરસાદ સામાન્ય કરતા વધારે રહ્યો હતો. જ્યારે આ વર્ષે ૧૯૬૦થી ગણતા બીજા ક્રમની સૌથી વિલંબિત ચોમાસુ પાછુ ખેંચાવાની પ્રક્રિયા છે. આ પહેલા ૨૦૧૯માં ૯ ઓકટોબરથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ચોમાસુ પાછુ ખેંચાવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. આ વર્ષે દેશમાં ચોમાસામાં જૂનમાં ૧૧૦ ટકા, જુલાઇ અને ઓગસ્ટમાં ૯૩ અને ૭૬ ટકા વરસાદ થયો હતો.

ઓગસ્ટના અંતે એકંદરે વરસાદની ઘટ હતી પણ સપ્ટેમ્બરમાં ૧૩પ ટકા વરસાદ થયો હતો. જોઇ શકાય છે કે જુલાઇ અને ઓગસ્ટના અપૂરતા વરસાદની સામે સપ્ટેમ્બરમાં ઘણો બધો વરસાદ થયો છે અને સપ્ટેમ્બરમાં થયેલા વધારે પડતા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન થયું હોવાના અહેવાલ બહાર આવ્યા છે. વિસ્તારો પ્રમાણે પણ વરસાદની સમાન વહેંચણી થઇ નથી અને આ વર્ષે મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં થયેલા અતિભારે વરસાદે કેવો હાહાકાર મચાવ્યો હતો અને પાક ઉપરાંત જાન માલનું પણ કેવું નુકસાન કર્યું હતું તે આપણે જાણીએ છીએ.

હવામાન વિભાગ ચોમાસુ સામાન્ય રહેવાની પોતાની આગાહી સાચી પડી હોવાની વાતે ભલે પોરસાતું હોય, પણ ચોમાસુ વરસાદની અસમાન વહેંચણી અને તેની વિચિત્ર તરાહને કારણે અનેક સ્થળે લાભને બદલે નુકસાન થયું છે. જો કે મોડે મોડે પણ વરસાદની ઘટ પૂરાઇ તેના કારણે બંધો છલકાયા અને પાણીની તંગીનો ભય દૂર થયો તે એક રાહતરૂપ બાબત જરૂર કહેવાય પણ ખેતી સહિતના વિવિધ એંગલથી જોતા વરસાદ સામાન્ય ભલે રહ્યો હોય પણ સંતોષકારક નથી રહ્યો એમ કહી શકાય.

Most Popular

To Top