ગયા મહિને ચીને માસ્ક અને વેન્ટિલેટરોથી ભરેલું એક વિમાન ઇટાલી મોકલ્યું હતું ત્યારે ઘણા એવું સમજ્યા હતા કે ચીન ઇટાલીની મદદ કરી રહ્યું છે પણ પછી બાદમાં એવા અહેવાલ બહાર આવ્યા હતા કે આ સાધનો ચીન દાનમાં નથી આપી રહ્યું પણ વેચી રહ્યું છે. અને વધુ આઘાત જનક બાબત તો એ બહાર આવી છે કે ઇટાલીએ જે માસ્ક ચીનને દાનમાં મોકલ્યા હતા તે જ માસ્ક ચીન તેને પાછા પધરાવી રહ્યું છે.
ચીનમાં જ્યારે કોરોનાવાયરસના વાવરની શરૂઆત થઇ હતી અને તેનું વુહાન શહેર આનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત હતું તે સમયે ઇટાલીએ મોં પર પહેરવાના માસ્ક તેને મદદ તરીકે મોકલ્યા હતા. પણ કમનસીબી એવી સર્જાઇ કે બાદમાં ઇટાલી જ કોરોનાવાયરસથી ખરાબ રીતે અસરગ્રસ્ત બની ગયું અને તેને જ મોટા પ્રમાણમાં માસ્ક જેવી સામગ્રીની જરૂર પડવા માંડી. બીજી બાજુ ચીનમાં કેસ ઘણા ઘટી ગયા. આ સમયે ચીને ઇટાલી તરફ મદદનો હાથ લંબાવવાને બદલે તેને તે જ સામગ્રી વેચવા માટે મોકલવા માંડી જે સામગ્રી ઇટાલીએ તેને દાનમાં આપી હતી. વ્હાઇટ હાઉસના એક સૂત્રે જણાવ્યું હતું કે ઇટાલીએ જે માસ્ક દાનમાં મોકલ્યા હતા તે જ માસ્ક ચીન તેને વેચી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ તો ધ સ્પેકટેટર અખબારને એમ પણ જણાવ્યું હતું કે બૈજિંગ વાસ્તવમાં આ સામગ્રી ખરીદવા માટે ઇટાલી પર દબાણ કરી રહ્યું છે.