Business

લકઝમબર્ગની કંપની કચ્છના મુંદ્રામાં યુનિટ સ્થાપવા 100 કરોડનું રોકાણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા લક્ઝમબર્ગના રાજદૂત સુશ્રી પેગી ફ્રેન્ટઝે વચ્ચે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી. સુશ્રી પેગી ફ્રેન્ટઝેએ મુખ્યપ્રધાન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમના રાષ્ટ્રની એક કંપની કચ્છના મુંદ્રામાં ૧૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે પોતાનું યુનિટ સ્થાપવાની છે.

લક્ઝમબર્ગના રાજદૂતે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ શરૂ કરવાની પણ તત્પરતા વ્યક્ત કરી હતી. સુશ્રી પેગી ફ્રેન્ટઝેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના કાર્યકાળમાં યોજાઇ રહેલી આ પ્રથમ વાઇબ્રન્ટ સમિટની સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને કહ્યું હતું કે, વિસ્તારની દૃષ્ટિએ નાનો દેશ હોવા છતા લક્ઝમબર્ગની આઠ-દસ કંપની–ઉદ્યોગો ભારતમાં કાર્યરત છે તે આવકાર્ય છે.

પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આઇ.ટી; ફાઇનાન્સિયલ સર્વિસીઝ, મેડીકલ ડિવાઇસિઝ અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ થઇ છે. આગામી વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૨માં લક્ઝમબર્ગના ઉદ્યોગો આ સેક્ટરમાં સહભાગિતા માટે આગળ આવે તો આ સાઝીદારી ભારત-ગુજરાત- લક્ઝમબર્ગ માટે ઉપયુક્ત બનશે, એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ લક્ઝમબર્ગ રાજદૂતને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવીને આગામી વાઇબ્રન્ટ ૨૦૨૨માં તેમના દેશના ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળ સાથે જોડાવા પણ નિમંત્રણ આપ્યું હતું. લક્ઝમબર્ગ રાજદૂતને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની પ્રતિકૃતિ સ્મૃતિભેટ રૂપે અર્પણ કરી હતી.

Most Popular

To Top