Comments

ભીમા કોરેગાંવ પ્રકરણની આંટીઘૂંટી

ભીમા કોરેગાંવ કેસમાં જામીન આપવાનો ઇન્કાર થયા પછી થોડા દિવસ પહેલાં મૃત્યુ પામેલા સ્ટેન સ્વામી એક તામિળ પાદરી હતા, જેણે ઝારખંડમાં આદિવાસીઓ સાથે કામ કરવામાં દાયકાઓ ગાળ્યા હતા. તે પહેલાં તેઓ બેંગ્લોરમાં ઇન્ડિયન સોશ્યલ ઇન્સ્ટીટયૂટના નિયામક હતા. તો પછી પૂણેની ઘટના માટે તેઓ શા માટે જેલમાં હતા?

ભીમા કોરેગાંવ કેસ પાંચ અલગ અને એક બીજા સાથે સંબંધ નહીં ધરાવતી બાબતો છે. પહેલી ઘટના પૂણેમાં એલ્ગાર (અથવા યલગાર એટલે કે યુદ્ધ માટેની હાકલ) પરિષદ તરીકે તા. 31 મી ડિસેમ્બર, 2017 ના રોજ પૂણેમાં ઘટી હતી. આ સભાના વકતાઓમાં હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ બી.જી. કોલ્સે-પાટિલ અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ પી.બી. સાવંત હતા તેમ જ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કર્મશીલ ઉમર ખાલીદે પણ વકતવ્ય આપ્યું હતું. બીજી ઘટના બીજા દિવસની, તા. 1 જાન્યુઆરી 2018 ની હતી.

તા. 1 જાન્યુઆરી 1818 ના દિને બ્રિટીશરોએ ભીમા નદીના તટે આવેલા પૂણેના એક પરાં કોરેગાંવ ભીમાના યુદ્ધમાં મરાઠા સામ્રાજયના બાકી અવશેષોને પણ પરાજિત કર્યા હતા. બ્રિટીશ સૈન્યમાં ઘણા દલિત મરાઠા સૈનિકો હતા, જેમણે બ્રાહ્મણ પેશવાની આગેવાની હેઠળના એક વિશાળ સૈન્યને પરાજિત કર્યું હતું.

1927 થી જયારે બી.આર. આંબેડકરે આ વિજયની ગાથા કહેવા આ ગામની મુલાકાત લીધી ત્યારથી સેંકડો હજારો દલિતો યુદ્ધ સ્મારક પાસે આવતા હતા, પણ 2018 માં પડોશના વધુ બુદૂક ગામમાં બનેલી ઘટનાઓને કારણે તંગદિલી હતી. આના મૂળમાં એ પ્રશ્ન હતો કે ઇ.સ. 1689 માં કોરેગાંવ ભીમા પાસે ઔરંગઝેબના દ્વારા મોતની સજા થયેલી તે શિવાજી મહારાજના દીકરા સંભાજીની અંત્યેષ્ઠિ કોણે કરી હતી? મહારોએ દાવો કર્યો હતો કે અમારામાંના એક ગોપાલ ગોવિંદે ઔરંગઝેબના હુકમનો અનાદર કરી સંભાજીની અંત્યેષ્ઠિ કરી હતી.

આ વાતથી છેડાઇ પડેલા મરાઠાઓએ દાવો કર્યો હતો કે અમારામાંના બે સભ્યોએ અંત્યેષ્ઠિ કરી હતી. વધુ બદૂકના સ્મારક એ જમાનાના સંભાજીના ચોક પાસે છે. તા. 28 મી ડિસેમ્બરે ગોવિંદના સ્મારક પાસે એક પાટિયું મારવામાં આવ્યું હતું, જેમાં તેણે સંભાજીની અંત્યેષ્ઠિ કરી હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે ગોવિંદના સ્મારકને અપવિત્ર કરી પાટિયું દૂર કરવામાં આવ્યું અને સ્મારક પરના છત્રને પણ નુકસાન કરવામાં આવ્યું. દલિતોએ અનુસૂચિત જાતિઓ/અનુસૂચિત જનજાતિઓ પ્રત્યેના અત્યાચાર પ્રતિરોધક કાયદા-એક્રોસિટી એકટ હેઠળ વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

કોરેગાંવ ભીમા પંચાયતે ગામવાસીઓને તા. 1 લી જાન્યુઆરીના સમારંભનો બહિષ્કાર કરવાનું એલાન આપી દુકાનો બંધ રાખવા જણાવ્યું. તે સવારે કેસરિયા ધ્વજધારી જૂથે પોતાના પર હુમલો કર્યો હોવાનો દાવો કરનાર દલિતો અને દલિતોએ પોતાના પર હુમલો કર્યો હોવાનો દાવો કરનાર સ્થાનિક મરાઠાઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. એક મરાઠાનું મૃત્યુ થયું હતું. હિંસા પશ્ચિમ મહારાષ્ટ્રનાં અન્ય નગરોમાં પણ ફેલાઇ હતી અને કેટલાંક બાળકો સહિત 300 દલિતોને મુંબઇ પોલીસે પકડયા હતા. ત્રીજી ઘટનામાં થોડા દિવસ પછી પોલીસમાં નોંધાવાયેલી એક ફરિયાદ હતી જેમાં એક વ્યકિતએ એવું જણાવ્યું હતું કે એલ્ગાર પરિષદની નેમ દલિતોને માઓવાદી વિચારોમાં વટલાવવા માટે અને હિંસાનો માર્ગ અપનાવવા માટે ગેરમાર્ગે દોરવાનો હતો અને પોતાનાં પ્રકાશનો પ્રવચનો દ્વારા તેઓ સમાજમાં વૈમનસ્ય વધારે છે.

આ ફરિયાદ નોંધાવનાર તુષાર દામગુડેએ કહ્યું હતું કે હું તો હિંદુત્વનો એક સામાન્ય નિયમ અનુસરું છું. હિંદુઓને મદદરૂપ થાય તેવું રાખો અને બાકીનું છોડી દો. આ ફરિયાદને આધારે પોલીસોએ જેમને આ પ્રકારણ સાથે કંઇ લેવાદેવા ન હતી અને ભીમા કોરેગાંવમાં હાજર પણ નહોતા તેવા કર્મશીલોને પકડવાનું શરૂ કર્યું. ચોથી ઘટના ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સંગઠન ફોરમ ફોર ઇન્ટીગ્રેટેડ નેશનલ સિકયુરિટીના મહામંત્રી શેષાદ્રિ ચારીનો હેવાલ હતો, જેમાં એવું જણાવાયું હતું કે જ્ઞાતિ, ન્યાય અને સમાનતા જેવા મુદ્દાઓ સંબંધી ‘જન સંગઠનોમાં જોડાવા માટે લોકોને લલચાવવાની માઓવાદી વ્યૂહ રચના હતી.

તા. 9 માર્ચ, 2018 ના રોજ પ્રસિધ્ધ થયેલા હેવાલમાં જણાવાયું હતું કે આવાં સંગઠનો પછી માઓવાદીઓને રાજય સામે આવરી સશસ્ત્ર લડત માટે ભરતી કરવામાં મદદ કરે.આ જ વ્યકિતએ બીજો એ હેવાલ એપ્રિલમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસને સુપરત કર્યો. મે મહિનામાં ભીમા કોરેગાંવ પ્રકરણમાં ગેરકાયદે પ્રવૃત્તિ પ્રતિરોધક કાયદો યુએપીએની જોગવાઇઓ લાગુ કરવામાં આવી.

તા. છઠ્ઠી જૂને મહારાષ્ટ્ર પોલીસે રિપબ્લિકન પેન્થર્સના ધાવલે આદિવાસીઓના હક્ક માટે કામ કરનાર વિદ્વાન મહેશ રાવત, નાગપુર યુનિવર્સિટીના અંગ્રેજીના આસિસ્ટંટ પ્રોફેસર શોમા સેન અને રાજકીય કેદીઓની મુક્તિ માટેની સમિતિના કાર્યકર અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના રોના વિલ્સન સમેત પાંચ વ્યકિતઓને પકડી લીધા. તેમને પોલીસે શહેરી માઓવાદીઓના અગ્રણીઓ ગણાવ્યા હતા.

પોલીસે કહ્યું કે અમને વિલ્સનના ઘરમાંથી 2017 ની જુલાઇનો એક પત્ર પ્રાપ્ત થયો છે, જેમાં જણાવાયું છે કે બિરાદર કિસન અને અન્ય થોડા વરિષ્ઠ બિરાદરોએ મોદીરાજને ખતમ કરવા નક્કર પગલાંની દરખાસ્ત કરી છે. અમે રાજીવ ગાંધી પ્રકારની બીજી ઘટનાની દિશામાં વિચારીએ છીએ.આ સામગ્રીને આધારે પોલીસે 18 વર્ષની ઉંમરે પોતાનું અમેરિકી નાગરિકત્વ છોડી દેનાર અને આઇ.આઇ.ટી. કાનપુરમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરનાર સુધા ભારદ્વાજ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી માટે પણ લખનાર ગૌતમ નવલાવા, ગોવા ઇન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટના આસિસ્ટંટ પ્રોફેસર અને આંબેડકરની પૌત્રી સાથે લગ્ન કરનાર આનંદ તેલતુંબડે આ પ્રકરણના બચાવ પક્ષના એક ધારાશાસ્ત્રી અરુણ ફેરેરા, રૂપારેલ કોલેજ એન્ડ એચ.આર. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિકસના બિઝનેસ મેનેજમેન્ટના એક પ્રોફેસર વર્નોને ગોન્સાલ્વીઝ, તેલુગુ સાહિત્યના વ્યાખ્યાતા તેમ જ લેખક કવિ વરાવવા રાવ દિલ્હી યુનિવર્સિટીના ભાષાશાસ્ત્રના પ્રાધ્યાપક હેની બાબુ કબીર કલા મંચના ત્રણ સભ્યો સાગર ગોરખે, જયોત જગતાપ અને રમેશ ગાઇચર અને 83 વર્ષની વયના જેસ્યુઆઇટ ધર્મશાસ્ત્રી સ્ટેન સ્વામીની ધરપકડ કરી હતી.

તેમાંના કોઇને ભીમા કોરેગાંવની હિંસા સાથે લેવાદેવા નથી ને તેમાંના કોઇ તે સ્થળે હાજર પણ નહોતા. હત્યાના કાવતરાના આરોપને કારણે આ મુકદમો સંવેદનશીલ ગણાય છે પણ હજી ખટલો ચાલુ નથી થયો. ગયા વર્ષે બી.બી.સી.એ સ્ટેન સ્વામી વિશે એક હેવાલ આપ્યો હતો, જેનું શીર્ષક હતું ભારતીય ત્રાસવાદનો આરોપ મુકાયેલ સૌથી વયોવૃધ્ધ. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top