રલીવ, ગલીવ યા ચલીવ! – (ધર્મ બદલો, ભાગો અથવા મરો!) – તમે આખું આયખું જ્યાં પસાર કર્યું હોય એ ઘરમાં આવા ફતવા સાથે આતંકીઓ ઘૂસી આવે તો? કે પછી એવાં ચોપાનિયાં મળે જેમાં લખ્યું હોય કે ‘’પાકિસ્તાન કાશ્મીરમાં બનાવીશું – હિંદુ પુરુષો વગર, હિંદુ સ્ત્રીઓ સાથે” તો? કે પછી એવું તમે માનતા હો કે ‘તમે આ ખબર દેશમાં ફેલાવો પછી આખો દેશ અમારી સાથે હશે અને અમે અમારા ઘરે પાછા ફરીશું!’ અને તમને ખ્યાલ આવે કે કોઈ તમારી સાથે છે જ નહીં – ન નેતા, ન પોલીસ, ન મીડિયા કે ન બૌદ્ધિક સમુદાય – તો? આવા અસ્વસ્થ કરી નાખતા પ્રશ્નો લઈને આવેલી ફિલ્મ, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિષે, બધાએ ઘણું વાંચી, સાંભળી કે જોઈ લીધું હશે! અમે પણ મિત્રોના મોટા ગ્રુપમાં આ ફિલ્મ જોવા ગયા ત્યારે તેનો વૉટ્સએપ પ્રચાર અને મીડિયાની ટીકાઓ વાંચી જ હતી તે છતાં એટલા સ્તબ્ધ હતાં કે ઈન્ટરવલ દરમિયાન કે ફિલ્મ પૂરી થઇ પછી પણ અમારા વચ્ચે સામાન્ય રીતે ચાલતી રહેતી મજાકમશ્કરી તો દૂર, થોડી વાતચીત કરવાના પણ હોશ નહોતા.
1989-90 અને હાલના સમય વચ્ચે એકાંતરે બદલાઈને ફિલ્મ રજૂ થઇ છે. 89-90 માં પુષ્કરનાથ પંડિત (અનુપમ ખેર)ના ઘરમાં આતંકીઓ ઘૂસે છે. તેના પુત્ર કરણ ને કરણની પત્ની શારદા અનાજના કોઠારમાં છુપાવાનું કહે છે. આતંકી મલિકને આ વાત પંડિતનો પાડોશી જણાવી દે છે અને મલિક એની હત્યા કરે છે. મલિક શારદાને બાકીના લોકોની જિંદગી બચાવવા તેના પતિના લોહીવાળા ચોખા ખાવાની ફરજ પાડે છે. પંડિત કુટુંબને અને બીજા પંડિતોને કૌલ આશરો આપે છે અને એ લોકો ત્યાંથી જમ્મુ ભાગે છે પણ રસ્તામાં કૌલ અને તેના છોકરાને ઝાડ પરથી લટકતા જુએ છે. પંડિતને તેના ચાર મિત્રો IAS બ્રહ્મા (મિથુન ચક્રવર્તી), પત્રકાર વિષ્ણુ, ડૉ. મહેશ અને પોલીસ અધિકારી હરિ (પુનિત એસ્સાર) પાસે આશાઓ છે પણ આ બધા દેવ નામધારીઓ પણ હિન્દુ દેવતાઓની જેમ પંડિતો માટે કંઈ ખાસ કરી શકતા નથી. બ્રહ્મા શરણાર્થી કેમ્પમાં જેમતેમ જીવતા પુષ્કરને મળે છે અને શારદાને કાશ્મીરમાં નોકરી અપાવે છે.
ત્યાં પણ મલિક અને તેના સાથીઓ મિલિટ્રીના ડ્રેસમાં આવી ચઢે છે અને શારદા, તેનો મોટો પુત્ર શિવ અને 24 પંડિતોની હત્યા કરે છે. બળાત્કાર અને સ્ત્રીઓની બેઈજ્જતીનો થોડો ઉલ્લેખ છે પણ ફિલ્મકારે એ વધુ નથી દર્શાવ્યું એ સારું છે. પુષ્કર પછી નાના પૌત્ર ક્રિષ્ના સાથે કાશ્મીર છોડી દિલ્હી વસે છે અને તેને સાચી વાત જણાવતો નથી. આજના દિવસનો યુવાન બનેલો ક્રિષ્ના (દર્શનકુમાર) તેના ANU (?JNU) પ્રોફેસર રાધિકા (પલ્લવી જોશી)થી પ્રભાવિત છે અને દિલ્હી સરકાર સામે કાશ્મીરની આઝાદી માંગે છે પણ પુષ્કરના મૃત્યુ પછી એ તેની અંતિમ ઈચ્છા પ્રમાણે કાશ્મીર જાય છે અને પુષ્કરના ચાર મિત્રોને પણ બોલાવે છે જ્યાં એને સત્ય ખબર પડે છે.
ફક્ત ફિલ્મની દ્રષ્ટિએ વાત કરીએ તો આ ફિલ્મ શિંડલર’સ લિસ્ટ નથી. આપણા જીવનકાળમાં થયેલા આ ભયાનક નરસંહાર અને હિજરત એટલી અસરકારક રીતે રજૂ નથી થયા. અનુપમ ખેર મને ગમે છે પણ આ ફિલ્મમાં એ સામાન્ય છે. મિથુન અને બીજા મિત્રો નપુંસક લાગે છે. દર્શન પણ જામતો નથી. જોવા જેવા કહી શકાય એ છે શારદા અને બાળક શિવ પણ સૌથી સરસ અદાકારી મને પલ્લવી જોશીની લાગી. પલ્લવીની રાધિકાની વાતો માનવાનું મન થાય એવી અને ઘૃણાસ્પદ બેઉ છે. કથા અથવા નેરેટિવ કેવી રીતે બને છે તે એનું પાત્ર સરસ રીતે ઉજાગર કરે છે પણ આ ફિલ્મના ખરા હીરો-હિરોઈન તો એની સ્ટોરી છે. ફિલ્મ પર સાંપ્રદાયિકતા ભડકાવવાનો આરોપ છે.
તેની સામે મારો એક જ પ્રશ્ન છે કે જો ગોધરા સામે આટલું મીડિયા લખી શકે અને ફિલ્મો બની શકે તો કાશ્મીરી પંડિતોનું સત્ય બહાર આવે તો ખોટું શું? ગોધરા સમયે ટ્રેનમાં કે તે પછી જે થયું તે ચોક્કસ ખોટું જ હતું અને કાશ્મીરમાં જે થયું તે તેનાથી ઘણી વધુ માત્રામાં હતું. આવા નરસંહારોથી આંખ ફેરવી લેવાથી કે તેનો સામનો કરવાની હિમ્મત ન હોવાથી શાંતિ કે સાંપ્રદાયિક એકતા સ્થપાતી નથી પણ આવું પાછું ન બને, કોઈ પણ કોમ કે સંપ્રદાયના લોકોને આવી યાતના ન ભોગવવી પડે એ માટેના અસરકારક પગલાં લેવાથી જ એ અટકાવી શકાય. દિલ્હીના શીખ નરસંહાર પછી એટલું તો થયેલું કે એની ચારેગમ મીડિયામાં નોંધ લેવાયેલી અને ઘણા લોકો સામે કેસ પણ થયેલા. એવું જ ગોધરા પછી પણ થયેલું. કાશ્મીરના પંડિત નરસંહાર અને હિજરતને પણ આવા કોઈ કલોઝિંગની જરૂર છે. આ ફિલ્મ એને માટેનું પહેલું પગથિયું છે. બધા ગુનાઓમાં ગુનેગારોને ન્યાય માટે હાજર કરી શકાય તો જ આપણા દેશમાં સાચી સાંપ્રદાયિક એકતા આવી શકે.