Charchapatra

ન્યાયતંત્ર ગોકળગાયની ગતિએ

ન્યાયતંત્રનું કાર્ય ખરેખર ગોકળગાયની ગતિએ જ ચાલે છે. સામાન્ય ગુનેગારને સજા સામાન્ય હોય તેમ છતાં એનો કેસ ન ચાલતાં તેને મોટી સજા ભોગવવી પડે છે એનું કારણ વકીલો તારીખ પર તારીખ, તારીખ પર તારીખ પાડે છે. કદાચ તેઓને તેમ કરવું પણ પડતું હોય એવું પણ બને. નાના સામાન્ય ગુના અને ગંભીર ગુનાઓ પણ પુષ્કળ થતા હોય છે. ધાડ, લૂંટ, મારામારી, ખૂન, બળાત્કાર, અપહરણ એમ અનેક પ્રકારના ગુનાઓ થાય છે. દિવાની કેસો પણ પુષ્કળ થાય છે. બે ટોળા વચ્ચે મારામારી તો સામાન્ય થાય છે. ગુનાના પેન્ડિંગ કેસો પણ પુષ્કળ હોય છે. કેસોના ઝડપી નિકાલ થાય એ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટો પણ છે તેમ છતાં ન્યાયતંત્રનું કાર્ય મંથર ગતિએ થાય છે એ હકીકત છે. નીચલી કોર્ટ અમુક કાયદા હેઠળ વ્યકિતને ગુનેગાર સાબિત કરે છે. ત્યાર બાદ એ વ્યકિત ઉપલી કોર્ટમાં જાય છે અને તે અમુક કાયદા હેઠળ નિર્દોષ સાબિત થાય છે અને તે બાઇજ્જત મુકત થાય છે.

આ વાત મને સમજાતી નથી. શું કાયદાના પેટા કાયદામાં ગુનેગારને માટે છટકબારી હોય છે? માનવ અંગોની તશ્કરી કરનાર નિઠારી કાંડમાં ગુનેગારને નિર્દોષ ઠેરવવામાં આવ્યો. કાયદા ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઇએ એ શું તમને નથી લાગતું? કેટલીક વખતે નિર્દોષ જ દંડાતો હોય તેવું પણ બનતું હોય એવું લાગે છે. એક બીજો મુદ્દો એ છે કે એક વ્યકિતને ન્યાય મળ્યો તો ખરો પરંતુ તેના જીવનનાં અંતિમ વર્ષોમાં 95-97 વર્ષે એનો તેને આનંદ મળશે ખરો? એનો કેસ દિવાની હતો. કેસ ચલાવવામાં એ પૈસે ટકે ખુવાર થઇ ગયો હોય છે તો એને એનો આનંદ કયાંથી મળે? આ તો કોર્ટની ગોકળગાયની ગતિએ થતી કાર્યવાહીનું ઉદાહરણ છે જે સત્ય ઘટના છે. ન્યાયતંત્રની પ્રક્રિયા ઝડપથી થવી જોઇએ.
નવસારી           – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top