માર્કેટા વોન્ડ્રોસોવા માટે વિમ્બલડન ચેમ્પિયન બનવા સુધીની સફર ઘણી કઠણાઇભરી રહી – Gujaratmitra Daily Newspaper

Sports

માર્કેટા વોન્ડ્રોસોવા માટે વિમ્બલડન ચેમ્પિયન બનવા સુધીની સફર ઘણી કઠણાઇભરી રહી

માર્કેટા વોન્ડ્રોસોવાએ શવિનવારે જ્યારે વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં ઓન્સ જેબુરને સીધા સેટમાં હરાવીને વિમ્બલડન ટાઇટલ જીત્યું તે્ની સાથે જ તેણે એક અલગ ઇતિહાસ રચ્યો હતો. વોન્ડ્રોસોવા બિનક્રમાંકિત ખેલાડી તરીકે વિમ્બલડન ટાઇટલ જીતનારી પહેલી ખેલાડી બની હતી. સાથે જ તે વિશ્વમાં સૌથી નીચો ક્રમાંક ધરાવતી ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન બની ગઇ હતી..

ચેક પ્રજાસત્તાકની 24 વર્ષીય વોન્ડ્રોસોવાએ જેબુરને 6-4, 6-4થી હરાવીને તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતું.વોન્ડ્રોસોવાની વર્લ્ડ રેન્કિંગ 42 છે અને તે છેલ્લા 60 વર્ષોમાં વિમ્બલડનની ફાઇનલ રમનારી અને ચેમ્પિયન થનારી પ્રથમ બિન ક્રમાંકિત ખેલાડી બની છે, વિમ્બલડન ટાઇટલ જીતનારી માર્કેટા વોન્ડ્રોસોવા કોણ છે એવો સવાલ ટેનિસ ચાહકોને થઇ રહ્યો છે.

તો જાણી લો કે ચેક પ્રજાસત્તાકની આ ટેનિસ ખેલાડીએ અહીં સુધી પહોંચવા માટે ઘણી કઠણાઇઓ વેઠવી પડી છે. માર્કેટા વોન્ડ્રોસોવાનો જન્મ 28 જૂન 1999ના રોજ થયો હતો. માત્ર 4 વર્ષની ઉંમરે તેના પિતાએ તેને ટેનિસ સાથે પરિચય કરાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેની માતા પણ વોલીબોલ ખેલાડી રહી ચૂકી છે. તે એસકે સ્લેવિયા પ્રાગ માટે રમી ચૂકી છે. જો કે, જ્યારે વોન્ડ્રોસોવા રોવે 3 વર્ષની હતી, ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. પરંતુ તેના માતા-પિતા ટેનિસમાં તેના વિકાસ માટે તેની સાથે જોડાયેલા રહ્યા અને તેનું સમર્થન કરતાં રહ્યા હતા.

માર્કેટા વાન્ડ્રોસોવા કંઇ પહેલાથી ટેનિસ પ્રેમી નથી રહી. બાળપણમાં તે ઘણી રમતો રમી હતી, તેણે સ્કીઇંગ, ફૂટબોલ, ટેબલ ટેનિસ અને ફ્લોરબોલ જેવી વિવિધ રમતોમાં પોતાનો હાથ અજમાવી જોયો હતો. જો કે તે પછી તેણે ટેનિસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતુ.. તેણે 2006માં પ્રાગના સ્ટેવનિસ આઇલેન્ડ પર યોજાયેલી એક રાષ્ટ્રીય મીની-ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં તે ત્રીજા સ્થાને રહી હતી જેને પગલે તે ક્રોએશિયાના ઉમાગમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઇ હતી.. આ ટૂર્નામેન્ટમાં તે પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી.

જોકે, પહેલી મેચની હાર પછી તેણે જે વિકાસ સાધ્યો છે તે તેને 2023ની વિમ્બલડન ચેમ્પિયન બનાવી ગયો છે અને તેને પગલે વોન્ડ્રોસોવા માત્ર ટેનિસમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોટું નામ બની ગઈ છે. તેણે ચેક રિપબ્લિકને ઘણી નામના અપાવી દીધી છે. વોન્ડ્રોસોવાએ ક્રોએશિયામાં મિની ટૂર્નામેન્ટ રમી તે પછી 12 વર્ષની ઉંમરે તેણે અમેરિકામાં યોજાયેલી નાઈકી જુનિયર ટૂર ઈન્ટરનેશનલ માસ્ટર્સ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાં તે વિજેતા બની હતી. તે પછી તેણે ટેનિસ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તે પછી 15 વર્ષની ઉંમરે માર્કેટા વોન્ડ્રોસોવા ટેનિસને જ પોતાની કેરિયર બનાવવાની ખેવના સાથે તે નિયમિત રીતે તાલીમ મેળવી શકે તે માટે પોતાનું ઘર છોડીને પ્રાગ ગઈ હતી.

Most Popular

To Top