Vadodara

અટલાદરા ગામમાં દૂષિત પાણી અને ગંદકીના પ્રશ્ને લોકોમાં ભારે આક્રોશ

વડોદરા : વડોદરા શહેર નજીક આવેલ અટલાદરા ગામ ખાતે પાણી ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા સ્થાનિક લોકો તંત્રના પાપે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. વારંવાર રજૂઆત છતાં પણ સમસ્યાનો નિવેડો નહીં આવતા સ્થાનિક લોકોએ તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિવાદોના વંટોળ ઘેરાયેલ વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર નગરજનોને પ્રાથમિક પૂરી પાડવા તદ્દન નિષ્ફળ નિવડ્યું છે.ત્યારે હવે શહેર નજીક આવેલા વિસ્તારોમાં પણ પાણી ડ્રેનેજ રોડ રસ્તા સહિતની બૂમરાણો ઉઠી છે. અટલાદરા ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ગંદુ આવતા સ્થાનિક કોર્પોરેટરો ,વોર્ડ કચેરી તેમજ પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

તેમ છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી.વરસાદી કાંસ અને તળાવની પણ સાફ સફાઈ કરવામાં નહીં આવતા મચ્છરોનો ઉપદ્રવ વધવા માંડયો છે.સાથે જ વિસ્તારમાં કમળાના 150 થી વધીને 200 કેસ નોંધાયા હોવાના આક્ષેપો પણ સ્થાનિકોએ કર્યા હતા.ત્યારે ભર નિદ્રા માણી રહેલા તંત્રના કાને રજૂઆત નહીં પહોંચતા વિસ્તારના લોકોએ એકત્ર થઈ દુષિત પાણીની બોટલો સાથે તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે ઉનાળાની શરૂઆતથી જ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીનો કાળો કકળાટ સર્જાયો હતો.સાથે સાથે ઠેર ઠેર રોડ રસ્તા ,ભુવા પડવા તેમજ દૂષિત પાણીની સમસ્યા પણ જોવા મળી રહી છે.

પરંતુ છાશવારે હાલાકીનો ભોગ બનેલા લોકો દ્વારા કોર્પોરેશનમાં વારંવારની રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં નથી.આવતા તંત્ર સામે લોકોનો ફિટકાર વરસી રહ્યો છે.બીજી તરફ ચોમાસું માથે છે.ત્યારે પાણીજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે.ચેપીરોગ હોસ્પિટલમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.તેવામાં અટલાદરા ગામ ખાતે પણ દૂષિત પાણી અને ગંદકીની સમસ્યાથી રોગચાળો ફાટી નીકળ્યો છે.સ્થાનિક લોકોના કહેવા મુજબ ઝાડા ઉલટી અને કમળાની ચપેટમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે.જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો સમગ્ર ગામ આ રોગચાળા ના ભરડામાં આવે તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top