ઉત્તરોત્તર ઉગ્ર બનતા જતા આતંકવાદ સામે લડત આપવા નિયમિતપણે સજજતા વધારી રહેલા ઇઝરાયલે ‘કૃત્રિમ બુદ્ધિ’થી કામ કરી રહે એવો યંત્રમાનવ વિકસાવ્યો છે. જે દીવાલની પેલે પાર લપાયેલા શખ્સો આતંકવાદીઓ છે કે આતંકવાદ સામે લાચાર બનેલા સ્ત્રી – પુરુષો અને બાળકો છે, તેનો ખ્યાલ સૈનિકોને આપશે. જેથી સૈનિકો તે મુજબ સજજ થઇ પોતાનાં પગલાં ભરશે. કેમેરા ટેકની ઝેવર 1000 સિસ્ટમ મુજબ કામ કરતું આ સાધન દીવાલ સહિતના અવરોધોની આરપાર જોઇ નિશાન સાધી શકશે પણ તે પહેલાં તે જોશે કે કોઇ વ્યકિત બેઠી છે કે ઊભી છે કે સૂતેલી છે. સદરહુ પુખ્ત વયની છે કે બાળકો છે કે પ્રાણીઓ છે તે પણ આ સાધન પોતાની ‘દિવ્ય’ દૃષ્ટિથી જોઇ શકશે. પ્રાયોગિક સફળતા પછી ઇઝરાયલી લશ્કરે તેનો ઉપયોગ શરૂ કર્યો છે.
ઇઝરાયલની રચના પછી નિરાશ્રિત બનેલા પેલેસ્ટાઇનીઓ ઇઝરાયલ પર આતંકવાદી હુમલા કરવા માંડયા છે પણ ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ અને લશ્કર આતંકવાદીઓને બચીને ભાગી જવાનો ભાગ્યે જ કોઇ મોકો આપે છે. વહેલા – મોડા આતંકવાદીઓ ખતમ થાય જ છે અને ઇઝરાયલે આતંકવાદ સામેની લડાઇનો દાખલો અમેરિકા સહિત આખી દુનિયા પર બેસાડયો છે. ઝેવર – 1000 દીવાલ સહિતના અવરોધોને પાર કયા પદાર્થો છે તે શોધવા માટે ગણતરીઓ માંડે છે અને આ સાધનની સાથે જોડેલા પડદા પર છબી ઉપસાવે છે. આ સાધન દીવાલ સાથે જડી દેવામાં આવતા હાઇ રીઝોલ્યુશન તસ્વીરો પડદા પર આવી જાય છે.
લક્ષ્યના કદનો અંદાજ આવે તેવી પણ આ પધ્ધતિમાં કાળજી લેવાઇ છે. સૈનિકો કે પોલીસ અધિકારીઓને ખબર પડે છે કે દીવાલને પેલે પાર શું છે? હીરાના ઘાટના આ સાધનની 4 પાંખો બહારની બાજુ ખૂલે છે અને એ એક વ્યકિત જ તેને દીવાલ સાથે ચપ્પટ ચોંટાડી તેનો ઉપયોગ કરી શકે તેટલું નાનું સાધન છે. 10 ઇંચના પડદા પર આ સાધનને આઘુંપાછું કરી દૃશ્ય જોઇ શકાય છે. દીવાલ મારફતે આરપાર જોઇ શકે તેવી બીજી ટેકનોલોજી ડિસેમ્બર 2020માં ચાલુ થયેલી પણ તે પૃથ્વીની ફરતે ભ્રમણ કરતો એક ઉપગ્રહ છે.
કેપેલાઇટ નામની આ સિસ્ટમ રડારનો ઉપયોગ કરી દિવસના ગમે તે સમયે ગમે તેવા હવાના પાતળાં આવરણ પરથી પણ પૃથ્વીને જોઇ શકે છે. નાસા 1970ના દાયકાથી તેનો ઉપયોગ કરે છે. સિન્થેટિક એપેર્ચર રડાર મારફતે રેડિયો સિગ્નલ મોકલી તે છબી ઉપસાવી શકે છે. તે ઘરની અંદરની તસ્વીર લેવામાં ખાસ સમર્થ નથી. જ્યારે ઝેવર 1000 હાથવગું સાધન છે અને બને તેટલી સચોટ માહિતી આપી શકે છે. નજર સામે ન હોય તે જોવાની માનવીની મહેચ્છા કલ્પના કથાઓમાંથી બહાર આવતી જાય છે.
-નરેન્દ્ર જોશી