Comments

નવી પેઢીની બુદ્ધિમત્તાનો આધાર મા-બાપના વલણ ઉપર નિર્ભર છે

સિગ્મન્ડ ફ્રોઈડ નામના માનસશાસ્ત્રીએ જગતના વિકાસક્રમને કામ (સેકસ) સાથે જોડી ઉત્ક્રાંતિ અને માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો. પૃથ્વી ઉપર જીવિત પ્રાણી જગતમાં મનુષ્યને બાદ કરતાં જીવસૃષ્ટિનાં તમામ એકમો હજુ પણ ભયથી બચાવ, ભૂખ માટે સંઘર્ષ અને વંશવૃદ્ધિ માટે સમૂહ સાથે જોડાવા સિવાય કશો ઉદ્દેશ દાખવતા નથી. વિકાસ ક્રમે માણસને વિકસિત મગજ આપ્યું. સાથોસાથ તર્ક અનુસંધાન અને આનંદની અનુભૂતિનાં કેન્દ્રો આપ્યાં. આથી મનુષ્યે આનંદિત રહેવાની અનેક રીતો શોધી કાઢી છે. કામ એ માનવ શરીર અને બુદ્ધિને આનંદિત રાખવા માટેની શ્રેષ્ઠ પ્રક્રિયા છે. આપણાં શાસ્ત્રોએ પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેવી સ્થિતિ દર્શાવી માનવજીવનને વધુ બળવત્તર અને સમૃદ્ધ બનાવવા પ્રયાસ કર્યો છે.

સ્ત્રીની ઉંમર ૧૩ વર્ષની થાય અને પુરુષની ઉંમર ૧૮ વર્ષની થાય તે પછી તેમના શરીરમાં આવતા રાસાયણિક ફેરફારો સાથે કામ એક રુચિ તરીકે ઊભરી આવે છે. શરીરના કામજન્ય સમન્વયથી પ્રજોત્પત્તિનો હેતુ પ્રાકૃતિક રીતે સધાય છે. પરંતુ બદલાતા સામાજિક પરિવેશમાં હવે કામજન્ય સ્થિતિને વિશેષ રીતે આનંદ સાથે જોડી દેવાની ઘેલછા વધી છે. એક વિષય તરીકે કામુકતા જગાવતી વાતો, તસવીરો અને નૃત્યો રજૂ કરી કેટલાંક લોકો ઊંચી કમાણી કરી રહ્યાં છે. શરીરમાં ઉત્તેજના પ્રેરી શકે તેવાં માદક દ્રવ્યો લઈ શરીરના આનંદમાં વધારો કરતાં રહેવાની વૃત્તિ આજકાલ પ્રચલિત બની છે.

પ્રાચીનકાળમાં કામવૃત્તિનો ઉદ્દેશ વંશવૃદ્ધિ સાથે જોડાયેલો હતો. મધ્યકાલીન યુગમાં તેજસ્વી પ્રજાના નિર્માણ સાથે કામપ્રવૃત્તિને જોડવાનો વિચાર આકાર પામ્યો હતો. તો અર્વાચીન યુગમાં કામ આનંદ અને તનાવમુક્તિ સાથે જોડાયો છે. જો કે કામનાનો સુવિકસિત વિચાર અકાળે મૃત્યુ પામ્યો હોઈ કામના વિકાસનો ખ્યાલ ભારતીય સંસ્કૃતિમાં વિકસ્યો નહીં. આર્યો પહેલાંનાં સમયમાં કામ (સેકસ)એ તાંત્રિક સાધનાનો પ્રકાર હતો. પરંતુ શંકરાચાર્યજીએ તાંત્રિકો અને કર્મકાંડીઓના સકંજામાંથી સમાજને મુક્તિ અપાવવા વૈદિક ધર્મનો વિચાર આવ્યો. પોતાના વિચારને દઢીભૂત કરવા પણ સમયની માંગ અનુસાર બ્રહ્મચર્યને અનુસરતા સન્યાસીઓની પ્રતિષ્ઠિત પરંપરા રચી.

આથી ગૃહસ્થી લોકો બીજા સ્તરનાં નાગરિકો ગણાયાં. પરંતુ રાજ્ય વ્યવસ્થા જેમ બળવત્તર બની તેમ રાજાઓ પ્રથમ સ્તરના નાગરિકની રૂએ કામજીવનનો આનંદ લેતાં, અનેક પત્નીઓ રાખતા અને ગૌરવ અનુભવતા. પરિણામે સ્થાપત્યમાં કોણાર્ક અને ખજુરાહો રચાયાં. રાગમાં બહાર અને આશાવરી રચાયા, રસમાં શ્રૃંગાર અને મુદ્રાઓમાં આસનો જાણીતાં થયાં. પરંતુ આ બધું એક ખાસ વર્ગ માટે રહ્યું હતું અને અંગ્રેજકાળમાં સૈનિકોના મનોરંજન માટે સ્રીદેહનું જાહેર પ્રદર્શન, ગુલામ સ્ત્રીઓ સાથે મુક્ત આચાર નામે જાતીય શોષણ થવા લાગતાં કામ અધિકાર સ્વરૂપે જન સામાન્ય સુધી ફેલાયું. જો કે પોતાને સંસ્કારી ગણાવતા મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે તો કામ વંશવૃદ્ધિ માટેની પ્રવૃત્તિથી કંઈ વિશેષ ન રહ્યું.

ગાંધીયુગમાં બ્રહ્મચર્યને જીવનની આચારસંહિતા તરીકે વિકસાવવા ભરપૂર પ્રયત્નો થયા. ૧૯૬૦થી ૧૯૮૦ના દાયકામાં રજનીશજીએ કામને માનવ ચેતના સાથે જોડી એક નવો અનુબંધ આપ્યો. માનવચેતનાના પ્રાગટ્યમાં કામ પણ એક મહત્ત્વનો સ્વીકાર છે તેવું પ્રસ્થાપિત કર્યું. નારીમુક્તિના હિમાયતીઓના ૧૯૫૦ પછીનાં આંદોલનમાં સ્ત્રીને જાતીય શોષણથી મુક્ત રહેવાનો અધિકાર અપાયો એટલુ જ નહીં પણ દાયકાથી મૌન સ્ત્રીઓ પોતાના જાતીય આનંદના અધિકારને પોકારી શકી. આમ છતાં જીવનક્રમનાં લાખો વર્ષ વીતવા છતાં પૃથ્વી ઉપરના બીજા જીવો માટે કામ પ્રજોત્પત્તિ સુધી જ મર્યાદિત રહ્યો છે. જ્યારે મનુષ્યજાતિએ કામને શરીર આનંદ સાથે જોડી પ્રજા-ઉત્પત્તિનો હેતુ ગૌણ બનાવ્યો છે.

શરીરરચનાની રીતે સ્ત્રીઓને બાળજન્મની પ્રક્રિયામાં એકાંગી રીતે જોતરવાનું ન હોત તો સમાજવ્યવસ્થાની પાર વિનાની ગૂંચો આપોઆપ ઉકેલાઈ જાત. પણ સ્ત્રીશરીરની જૈવિક મર્યાદાની આડઅસર તરીકે પવિત્રતા, વફાદારી અને સરવાળે લગ્નના બંધનને સામાજિક મૂલ્ય તરીકે જાણીતું બનાવી દેવાયું છે, પરંતુ આધુનિક સમાજે જે સ્ત્રીઓને બાળકના જન્મની જવાબદારી ન જોઇતી હોય તેને ગર્ભનિરોધક સાધનો અને દવાની મદદથી તેમાંથી મુક્ત રહેવાની મોકળાશ આપી છે. તેમ મિત્ર ભાવે સહજીવન જીવવા માગતાં સ્ત્રી-પુરુષને લિવ ઈન રિલેશનની સમજથી સાથે રહેવાનો ન્યાયિક અભિગમ અપનાવી બૌદ્ધિક કામને સમૃદ્ધ કર્યો છે.

આધુનિક યુગમાં તો બાળકના જન્મને પીડા અને ખર્ચાળ જીવન સાથે જોડી દેવામાં આવ્યો છે ત્યારે તકનિકના સહારે કામના આનંદનો હેતુ મજબૂત કરવામાં આવ્યો છે. સ્ત્રીઓની જૈવિક રચનાથી ઉદ્દભવેલા સૌંદર્યને જાહેર ખબરના પાટિયે, ફિલ્મના પડદે દેખાડાય કે પછી રિસેપ્શનિસ્ટ તરીકે ઉપયોગમાં લેવાય, સ્ત્રીઓના સ્નેહ અને ધીરજના ગુણને શિક્ષક અને નર્સ તરીકેના વ્યવસાય સાથે જોડાય કે પછી સ્ત્રીઓના મસ્તિષ્કના અગ્ર ભાગે રહેલા કોષોની પ્રગાઢતાને કોઈ કંપનીના વફાદાર અધિકારી તરીકે ઉપયોગમાં લેવાય અને વ્યવસાયના ભાગરૂપે સ્ત્રી-પુરુષ અનુકૂળતા મુજબ પરસ્પરને કામ-આનંદ સાથે જોડી રાખે છે તો પણ બૌદ્ધિક કામનો હેતુ તો સરતો નથી.

મધ્ય યુગમાં પ્રચલિત બનેલા બૌદ્ધિક કામનો અભિગમ એટલે “સ્ત્રી અને પુરુષ શરીરની મુક્ત અભિવ્યક્તિ અને તેજસ્વી સંતાનોનું નિર્માણ !!!”તમામ માતાપિતા જાણે છે કે પોતાનું પહેલું સંતાન મહદંશે એક અકસ્માત હોય છે. માતા-પિતાના પ્રથમ બાળકની ભાવુકતાના મૂળમાં તો મા-બાપની પ્રથમ મિલનની સંવેદનશીલતા પડઘાય છે. પરંતુ પાંચેક વર્ષ વીત્યાં પછી પતિ-પત્ની જાતીય વ્યવહાર પ્રત્યે વધુ આનંદિત અને ઓછાં સંવેદનશીલ બન્યાં હોય તે પછીનું બીજું બાળક તરવરાટ અને ચતુરાઈનું પ્રતીક બની રહે છે. આ અનુભવ તમામ સંસારીઓને છે.

આ પરિવર્તનશીલનું કારણ પતિ પત્નીના ઇન્ટેલેક્ચ્યુઅલ સેકસમાં રહેલું છે, બદલાયેલી અવસ્થામાં થયેલા સમાયોજનામાં રહેલું છે. આ ઇન્ટેલેક્ચ્યુઅલ સેકસની વાત હવે ચર્ચાવી જોઈએ. સ્ત્રી-પુરુષના કામમાં બૌદ્ધિકતા જળવાઈ રહે તે અંગેના અભિગમની વાત ચર્ચાવી જોઈએ જેથી આપણા દેશનું તમામ પહેલું સંતાન વધુ બુદ્ધિમાન બની રહે. બૌદ્ધિક કામ તાર્કિક બને, સ્વીકાર્ય બને તો બૌદ્ધિક કામ દ્વારા બૌદ્ધિક સંતાનોની ઉત્પત્તિના ખ્યાલને પ્રચલિત બનાવવા કયાંય પહેલ થાય તો નવા યુગનું મંડાણ સહેલું બની શકે.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top