Comments

ઔદ્યોગિક ક્ષેત્રે ટેક્ષટાઇલ ઉદ્યોગનો ગ્રાફ ઘણો ઊંચો છે

દેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં અનેક પ્રકારના ઉદ્યોગો આજે ધમધમી રહ્યા છે. તેમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ પણ એક અગત્યનું ઘટક છે. તેનું અસ્તિત્વ જે કોઇ ક્ષેત્રે હોય ત્યાં તેનું સ્થાન આગવું રહ્યું છે. તેનાં અનેક કારણો તરફ નજર કરીએ તો ઔદ્યોગિક ક્ષેત્રે તેના સ્થાનનો ગ્રાફ ઘણો ઊંચો છે.

ઉદ્યોગ એ માનવસર્જીત કાર્યક્રમ હોવાથી માણસનો કાર્યભાર હોય એ સ્વાભાવિક છે. ઉદ્યોગનાં ઘણાં ક્ષેત્રોમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ અગ્રસ્થાને છે. ટેક્ષટાઇલ ઉદ્યોગમાં મોટી સંખ્યામાં માણસો – કામદારો કાર્ય કરતા હોઇ એ મોટી રોજગારી ઊભો કરનાર ઉદ્યોગ ગણાય છે. તેથી સરકાર આ ઉદ્યોગ કેવી રીતે  વધુ  સમૃધ્ધ થાય તેની કાળજી લે છે. ઉદ્યોગમાં ઉત્પન્ન થતી સમસ્યા અને પ્રશ્નો સહજ રીતે ઉકેલાય તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહે છે.

ટેક્ષટાઇલ ઉદ્યોગને કાર્યરત કરવા માટે રો-મટીરીયલમાં કોટન-કપાસ અને સીન્થેટીક યાર્ન જે વડે કાપડ તૈયાર થાય છે એ મેળવવા તથા ઉત્પન્ન કરવા માટેના કાર્યના નિયમો સરકારે બનાવેલ છે. કોટન યાર્ન માટે રૂ એટલે કે કપાસ ઉત્પાદન કરતો સૌથી મોટો દેશ ભારત દેશ છે. દેશના એક્ષપોર્ટ ક્ષેત્રે રૂ અને કોટન કાપડનું વર્ચસ્વ મોટું છે.

હવે રૂ અને સીન્થેટીક યાર્નમાંથી બનતા કાપડ એ ફકત માણસના પરિધાન પૂરતું સીમિત નથી. એ અનેક ઇન્ડસ્ટ્રી માટેનું રો-મટીરીયલ પણ છે. મેડિકલ ક્ષેત્રે તેનું યોગદાન મોટું છે. માણસના શરીરની સર્જરી વખતે તેનું કાર્ય દર્દી અને ડોકટરોને રાહત આપે છે. એટલે ટેક્ષટાઇલ ઉદ્યોગ માનવજાતની સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલ છે.

મકાન અને રોડના કન્સ્ટ્રકટ ક્ષેત્રે તેનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. વિકસતા દેશોના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ટેક્ષટાઇલ ઉદ્યોગ આગવું અને જરૂરી બાબત બની રહી છે. કાપડ બનતાં પહેલાં જે યાર્ન હોય છે તે બીજા અને જુદા જુદા પ્રકારના યાર્ન સાથે સ્પીન કે બ્લેન્ડ કરીને નવીન પ્રકારના યાર્ન બનાવી તેના વડે તેના જુદા ગુણધર્મોથી જુદા જુદા પ્રકારના કાપડ બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ જુદા જુદા ક્ષેત્રમાં પણ થાય છે.

આજના જમાનામાં લોકો નવીનતાને સ્વીકારે છે. એટલે ટેક્ષટાઇલ ઉદ્યોગમાં નવીનીકરણનો ઘણો મોટો સ્કોપ હોઇ તેની અગત્ય આજે દુનિયામાં ખૂબ વધી ગઇ છે. ટેક્ષટાઇલના ગુણધર્મો એટલા બધા છે. તેથી તે અનેક ક્ષેત્રે છવાઇ ગયો છે.

ટેકનીકલ ટેક્ષટાઇલ એ ટેક્ષટાઇલ ઉદ્યોગનો એક ભાગ છે. ટેકનીકલ ટેક્ષટાઇલના ઉત્પાદનમાં કોટન રૂ નો વિશેષ ભાગ હોય છે. આજે ટેકનીકલ ટેક્ષટાઇલનો ઉપયોગ જર્મનીમાં સૌથી વધુ એટલે ૮૦ ટકા જેટલો થાય છે.

જર્મનની સરકારે આ ઉદ્યોગને મોટું પ્રોત્સાહન આપીને તેને ખૂબ માતબર બનાવ્યું છે. ટેકનીકલ ટેક્ષટાઇલના ઉદ્યોગમાંથી તૈયાર થતું કાપડ ઓટોમોબાઇલ ઉદ્યોગમાં મોટો વપરાશ થાય છે. આજે દુનિયાની બધી ઓટોમોબાઇલ કંપનીઓ પોતાની ગાડીમાં ૨૦ ટકા જેટલો ઉપયોગ કરે છે.

ભારતમાં ટેક્ષટાઇલ ઉદ્યોગમાંથી ઉત્પન્ન થતા કાપડની નિકાસના આંકડા બીજા ઉદ્યોગો કરતાં સવિશેષ છે. આના કારણમાં ભારત દેશના કાપડ ઉત્પાદનમાં નવી નવી ડીઝાઇનો અને તેના પર આકર્ષક અને અનેરી પ્રીન્ટીંગ સ્ટાઇલ વિગેરે કાર્યમાં દુનિયામાં ડંકો વાગે છે, જેથી તેની માંગ અનેક દેશોમાં રહેલી છે. વળી આ ઉદ્યોગમાં ઓટોમેશન અને કોમ્પ્યુટરાઇઝેશનનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે એટલે એનું ઉત્પાદન પણ હંમેશા ઊંચું અને વધુ આવે છે જે ઉદ્યોગકારો માટે ખૂબ મોટા ફાયદારૂપ છે.

આ ઉદ્યોગ માટે જરૂરી મશીનરીમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. એટલે ટેક્ષટાઇલ ઉદ્યોગ મશીનરી ઉદ્યોગ માટે એક અગત્યનું ઘટક બની ચૂકયું છે. ટેક્ષટાઇલ ઉદ્યોગમાં સીન્થેટીક ટેક્ષટાઇલ ઉદ્યોગનો મોટો ફાળો છે. આ ઉદ્યોગના મેન્યુફેકચરીંગમાં વપરાતા કેમીકલ પ્રકારના રો-મટીરીયલમાંથી મશીનરીના સ્પેરપાર્ટ પણ બની રહ્યા છે. આ સીન્થેટીક ટેક્ષટાઇલ ઉદ્યોગ મશીનરી સ્પેરપાર્ટ મેન્યુફેકચરીંગ ઉદ્યોગ માટે પણ આશીર્વાદરૂપ બની રહ્યું છે.

એટલે આપણે કહી શકીએ કે ટેક્ષટાઇલ ઉદ્યોગ અનેક ઉદ્યોગનો જન્મદાતા છે. સીન્થેટીક ટેક્ષટાઇલ ઉદ્યોગ બીજા અનેક ઉદ્યોગો સાથે સંકળાયેલા હોઇ તેની ગણના ઉદ્યોગ ક્ષેત્રે મોટે પાયે થઇ રહી છે. આમ અનેક ઉદ્યોગ ક્ષેત્રે ટેક્ષટાઇલ ઉદ્યોગની હાજરી અચૂક હોય છે. એટલે આપણે કહી શકીએ કે ઔદ્યોગિક ક્ષેત્રે મોટે ભાગના ઉદ્યોગમાં ટેક્ષટાઇલ ઉદ્યોગનું ઉચ્ચ સ્થાન સાથે તેનું વર્ચસ્વ રહેલું છે.

       જયોતીન્દ્ર ભ. લેખડિયા

          – લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top