Editorial

ડીજેમાં નાચતી વખતે અને ક્રિકેટ રમતા રમતા યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટના ચિંતાજનક

ક્રિકેટ રમતાં રમતાં હાર્ટ એકેટ આવીને મોત થવાની રાજ્યમાં 20 દિવસમાં 6 ઘટના બની છે. જે ખૂબ જ ચિંતાજનક છે. સોમવારે આજે રાજ્યના સુરત તથા રાજકોટમાં યુવકનું ક્રિકેટ રમતા-રમતા મોત થયું હોવાની ઘટના બની છે. પાછલા 20 દિવસમાં ક્રિકેટ રમીને 5 અને એક યુવકનું ફૂટબોલ રમ્યા બાદ હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયું છે.  સુરત અને રાજકોટની ઘટનામાં એક યુવકનું ક્રિકેટ રમ્યા પછી જ્યારે એકનું ચાલુ ક્રિકેટમાં જ હાર્ટ એટેક આવી જતા મોત નિપજ્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં બનેલી બે ઘટનાએ સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

મૃતકોના પરિવાર તથા મિત્રોને પણ ભારે આઘાત લાગ્યો છે. સુરતમાં ક્રિકેટ રમ્યા પછી યુવક ઘરે આવ્યા બાદ તેનું રહસ્યમય રીતે મોત થઈ ગયું હતું. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા જોલી એંક્લેવમાં રહેતો પ્રશાંત બારોલીયા નામનો યુવક ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ તેનું મોત થઈ ગયું છે. પ્રશાંત કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. યુવકના મોતથી તેના પરિવારને ભારે આઘાત લાગ્યો છે. રાજકોટમાં પણ ક્રિકેટ રમતા યુવકનું મોત થયાની ઘટના બની છે. શહેરના રેસકોર્સમાં ક્રિકેટ રમી રહેલા યુવકના મોતની ઘટના ચાલુ મેચ દરમિયાન બની હતી.

આ ઘટનાને કારણે તેના સાથી ખેલાડીઓને ભારે આઘાત લાગ્યો છે. જીજ્ઞેશ ચૌહાણ નામનો યુવક ક્રિકેટ રમી રહ્યો હતો અને અચાનક હાર્ટ એટેક આવતા ફસડાઈ પડ્યો હતો. રાજકોટ તથા સુરતમાં બનેલી ઘટનાથી પરિવારના તથા સગા સંબંધીઓને ભારે આઘાત લાગ્યો છે. યુવાન વયના લોકો સાથે બની રહેલી હાર્ટ એટેકની ઘટના સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી રહી છે. જેમના મોત થયા છે તેમની ઉંમર ખૂબ જ નાની છે. હાર્ટ એટેકથી મરવાની તો તેમની ઉંમર નથી જ તેવી રીતે રીતે ડીજેમાં પણ યુવાનોના નાચતા નાચતા મોત થઇ જવાની ઘટનાઓ વારંવાર બની રહી છે.

અગાઉ સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે રહેતા મિતેશભાઈ ચૌધરી (33)ના લગ્નનો મંડપ મુહૂર્તનો પ્રસંગ હતો. મંડપ મુહૂર્તના પ્રસંગમાં સાંજના જમણવારનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડીજેનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ ડીજેના કાર્યક્રમમાં બધા નાચતા હતા. એ દરમિયાન વરરાજા મિતેશભાઈ પણ જોડાયા હતા. તેમને નાચતી વેળા અચાનક જ છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. જેથી સંબંધીઓ મોટરસાઈકલ પર અરેઠ સરકારી દવાખાનામાં લઈ ગયા હતા, જ્યાંથી બારડોલી ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

તેવી જ રીતે ઓલપાડના કનાજ ગામે પિતરાઈ બહેનના લગ્નના DJ માં નાચતા ભાઈ નીચે ઢળી પડ્યો હતો. 19 વર્ષીય સુનિલ માતા પિતાના અવસાન બાદ મોટાભાઈ સાથે રહેતો હતો. તે ખેત મજૂરી કરી આર્થિક રીતે પરિવારને મદદરૂપ થતો હતો. ગઈકાલે તેની પિતરાઈ બહેનના લગ્નની ડીજે પાર્ટી હતી, જેમાં ડી.જે માં નાચતા નાચતા સુનિલને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને તે અચાનક ઢળી પડ્યો હતો. સુનિલને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ તે મૃત્યુ પામ્યો હતો.

ડૉક્ટરોના મતે યુવાનોમાં બે પ્રકારના હૃદયરોગના હુમલાઓ જોવા મળતાં હોય છે. તેમના હૃદયની ધમની ઉપરની ચામડી ફાટી જવાથી જ્યારે એન્જિયો  ગ્રામ કરવામાં આવે છે ત્યારે પણ તેમાં પૂરતા પ્રમાણમાં બ્લોકેજીસ દેખાતા નથી. બીજા પ્રકારનાં હાર્ટ એટેક મોટી ઉંમરની વ્યક્તિઓને આવે છે. અહીં ૯૦ ટકા જેટલા બ્લોકેજીસ ધમનીમાં દેખાય છે. તેમનામાં  ટ્રાયગ્લીસેરાઇડ્સનું પ્રમાણ વધુ હોય છે અને ‘સારા’ કોલેસ્ટેરોલનું પ્રમાણ એકદમ ઓછું હોય છે. આજે, પહેલાના સમયની સરખામણીમાં અનેક યુવાનો હૃદય રોગની સમસ્યાઓથી પીડાતા જોવા મળે છે. 

તેનું કારણ કદાચ જાગૃતિનો અભાવ અને ખોટી લાઇફસ્ટાઇલ હોઇ શકે. કસરતનો અભાવ અને અસ્વાસ્થ્યપ્રદ ભોજન તથા ધુમ્રપાન આજની યુવાન પેઢીમાં વધી રહ્યું છે, જેને કારણે યુવાનોમાં હૃદય રોગની સંખ્યા વધી રહી છે. એક સંશોધન મુજબ જેમને અચાનક કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવે છે એવી દર સાતમાંથી અંદાજે એક  વ્યક્તિ ૪૦ વરસથી નીચેની હોય છે એમ ડોકટરો કહે છે. આજે, વીસી પુરી થવાને નજીક પહોંચેલા યુવાનોને પણ કાર્ડિયાક અરેસ્ટ આવતા હોય છે. જોકે આ બાબતે મંથન થવું જોઈએ કારણકે આ વિષય ખુબ જ ચિંતાજનક છે. 

Most Popular

To Top