Charchapatra

સહનશીલતાનું મહત્ત્વ

 ‘ચાર્જિંગ પોઇન્ટ’માં ‘ઘા સહન કરવા’ લેખમાં એરણ અને હથોડાની વાત એક વૃદ્ધ લુહાર દ્વારા કરવામાં આવી છે. લુહાર લોખંડ ગરમ કરી એરણ પર ટેકવી હથોડાના ઘા મારી આકાર આપે છે. હથોડા ઘણા તૂટયા પણ એરણ એવી જ રહે છે. અાના પરથી શીખવા મળે છે કે જીવનમાં ઘા મારનાર તૂટી જાય છે પણ ઘા સહન કરનાર તૂટતા નથી. ઘા સહન કરી કરીને તેની ક્ષમતા વધતી જાય છે. અડીખમ ઊભા રહે છે. વ્રજને ઘેલું કરનાર કૃષ્ણની વાંસળી પર છેદના ઘા વેઠયા બાદ જ કર્ણપ્રિય સંગીત વહાવે છે. પરમાત્માની મૂર્તિ અને પગથીઆ એક જ ખાણમાંથી નીકળેલા પથ્થર છે.

જે પથ્થર વધારે ટાંચડાનો માર ખાય તે પરમાત્માની મૂર્તિ બની પૂજાય છે. જયારે ઓછો માર ખાનાર પગથિયા બને છે. આપણાં ઘણાં સંત, મહાપુરુષો જીવનમાં ઘા સહન કરીને જ  મહાનતાને પામ્યા છે. દા.ત. પ્રહલાદ, ધ્રુવ, નરસિંહ મહેતા, મીરાંબાઇ, સોક્રેટીસ વગેરે કસોટી સોનાની જ થાય, પિત્તળની નહિ. જિંદગીએ આપેલા ટાંકણા જેવા ઘાવ તૂટયા વિના ખમી શકીએ તો આપણે પણ સુંદર શિલ્પ બની શકીએ. આજના માનવીમાં સહનશકિત ઓછી થઇ જવાથી આપઘાત જેવા અનિચ્છનીય બનાવો વધતા જાય છે. ઇશ્વર કસોટી કરી માનવીને તાવે છે. જીવનમાં સહનશીલતાનો ગુણ માનવી માટે ખૂબ જરૂરી છે.
સુરત     -પ્રભા પરમાર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top