ભારતના ડોમેસ્ટિક ક્રિકેટના ઇતિહાસમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતી રણજી ટ્રોફી યુવા ક્રિકેટર્સ માટે એક રીતે જોઇએ તો ઘણી મહત્વની છે. એક સમયે યુવા ક્રિકેટરો માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ લેવલે પદાર્પણ કરવા માટેનું પહેલું પગથિયું ગણાતી રણજી ટ્રોફી એટલી લોકપ્રિય હતી કે તેમાં રમવા માટે જે તે સમયના યુવા ક્રિકેટરો વચ્ચે રીતસરની હોડ ચાલતી હતી. જો કે એક સમયની લોકપ્રિય એવી આ ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટ આજના યુવા ક્રિકેટરો માટે એટલી મહત્વની રહી હોય તેવું લાગતું નથી. રણજી ટ્રોફી જ એવી ટૂર્નામેન્ટ રહી છે કે જ્યાંથી ભારતના સુપર સ્ટાર ખેલાડીઓ બહાર આવ્યા છે, જેમાં સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, રોજર બિન્ની, સંદીપ પાટીલ, સચિન તેંદુલકર, વિરાટ કોહલી, રવિ શાસ્ત્રી, સહિતના ઘણાં નામો ગણાવી શકાય છે. મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહ જેવા ક્રિકેટર પણ પોતપોતાના રાજ્યની રણજી ટીમ વતી રમીને આગળ આવ્યા છે. અહીં જેટલા નામ ગણાવવવામાં આવે એટલા ઓછા કહેવાશે. આ બધા જ રણજી ટ્રોફીની પ્રોડક્ટ છે ,જેમણે ખૂબ સારો દેખાવ કરીને ભારતીય ટીમમાં સ્થાન મેળવીને ઇન્ટરનેશનલ લેવલે ડેબ્યુ કર્યું હતુ અને તે પછી ઇન્ટરનેશનલ લેવલે મેદાનો ગજાવ્યા હતા. આ તમામ ભારતીય ટીમમમાં શ્રેષ્ઠ રમત દાખવીને સ્ટાર અને સુપરસ્ટાર બની ગયા હતા.
જો કે હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. આજના સમયમાં ક્રિકેટરો માટે ipl જેવી ફ્રેન્ચાઇઝી આધારિત લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ વધુ લોકપ્રિય બની રહી છે. આ લીગ ક્રિકેટમાં ક્રિકેટરોને તેમની ઉંમર કરતાં વધારે કરોડ રૂપિયા મળતા હોવાની સાથે જ જબ્બર પ્રસિદ્ધિ મળતી હોય છે અને તેના કારણે હવે આ પૈસા અને પ્રસિદ્ધિની ભૂખને પગલે ખેલાડીઓના વિચારો છે બદલાયા છે. યુવા ખેલાડીઓ હવે ક્રિકેટની મૂળભૂત પ્રાથમિકતા એવી રણજી ટ્રોફી એટલે કે ડોમેસ્ટિક મેચોમાં રમવાથી દૂર થઇ રહ્યા છે અને તેઓ અહી રમવાનું પસંદ કરવાના બદલે આઇપીએલની મેચોમાં રમવાનું વધારે પસંદ કરે છે. તાજેતરમાં ગુજરાતમિત્રના કોલમિસ્ટ અને ભારતીય ટીમના માજી કેપ્ટન એવા દિગ્ગજ બેટ્સમેન સુનિલ મનોહર ગાવસ્કરે પોતાની એક કોલમમાં લખ્યું હતું કે આજકાલના યુવા ખેલાડીઓ ભારતીય ટીમ તરફથી રમતી વખતે જે મહેનત કરે છે એના કરતાં વધારે મહેનત પોતાની ફ્રેન્ચાઇઝી વતી આઈપીએલની મેચો રમવા માટે કરતા હોય છે. તેઓ ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે જે તૈયારી કરતાં હોય તેનાથી વધુ તૈયારી આઈપીએલ માટે કરતા હોય છે. તેની પાછળનું મુખ્ય કારણ છે ત્યાં પુષ્કળ રૂપિયા મળે છ. જો કે તેનાથી આ એક ખોટી પ્રથા ઉભી થવા લાગી છે આવું ગાવસ્કરે એમની કોલમમાં લખ્યું હતું.
ભારતની નંબર વન ઘરેલુ જો કોઈ ક્રિકેટ સ્પર્ધા હોય તો તે રણજી ટ્રોફી છે. યુવા ક્રિકેટર્સે રણજી ટ્રોફી મેચમાં રમવું ખૂબ જ જરૂરી છે, કારણ અહીંથી જ તેઓ સ્પર્ધાના જે સારા પાઠ શીખી શકશે તે તેમને બીજે કશે પણ શીખવા મળવાના નથી. રણજી નિયમોમાં અવારનવાર રમતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવે છે એટલે તો આવી મેચમાં તમે કહો તો તમે જરૂર આગળ રહી શકો છો અને તમારા દેખાવ ની નોંધ કરવામાં આવે છે. સીનિયર નેશનલ ટીમના પસંદગીકારો જ્યારે ટીમ પસંદ કરવા માટે બેસતા હોય છે, ત્યારે તેઓ સ્થાનિક મેચોમાં જે તે ખેલાડીઓને દેખાવ કેવો રહ્યો છે તેનું લીસ્ટ લઈને બેસતા હોય છે અને આ દેખાવના આધારે તેમની પસંદગી થતી હોય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી રણજીને સ્થાને આઇપીએલમાં કરેલા પ્રદર્શન પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને તેના કારણે શરૂઆતમાં રણજી રમતા ક્રિકેટરો પણ હવે એકવાર ભારતીય ટીમમાં સ્થાન મળે અને તેઓ લોકપ્રિય બની જાય એટલે ડોમેસ્ટિક ક્રિકેટ મેચો ખાસ કરીને રણજી ટ્રોફીથી દૂર ભાગવા લાગે છે.
ભૂતકાળમાં સચિન તેંદુલકર, સુનિલ ગાવસ્કર, કપિલ દેવ આવા કેટલાય સુપર સ્ટાર ખેલાડીઓને તમે રણજી ટ્રોફીમાં રમતા જોયા હશે. તેઓ રણજી ટ્રોફી મેચ અવશ્યપણે રમતા હતા. મોહિન્દર અમરનાથ તો દરેકને મોઢા પર સંભળાવવામાં માનતો હતો અને તેના કારણે પસંદગીકારો સામે તેને હંમેશા બારમો ચંદ્રમા રહેતો હતો. એકવાર તો એને કહી દીધું હતું કે પસંદગીકારોએ જોકરો જમાત છે, જેના કારણે તેને ભારતીય ટીમમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. પરંતુ આ એવો સમય હતો કે તેને ક્યારે પણ પીછેહઠ કરી નહી તેને રણજી ટ્રોફીમાં રમી એવો શાનદાર દેખાવ કર્યો કે પસંદગીકારોએ તેને ફરીથી ટીમમાં સમાવવાની ફરજ પડી. મોહિન્દરે ભારતીય ટીમમાં ત્રણવાર પુનરાગમન કર્યું હતું અને આ પુનરાગમનનો આધાર રણજી ટ્રોફી જ રહી હતી. પરંતુ આજકાલના યુવા ખેલાડીઓ આઇપીએલમાં રમીને કરોડપતિ બની ગયા છે અને પુષ્કળ પ્રસિદ્ધિ મેળવી છે, જેનાથી તેઓ આ પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ક્રિકેટથી દૂર થઈ ગયા છે.
જો તેનો તાજો દાખલો આપવો હોય તો તે છે હાર્દિક પંડ્યા. ભારતીય ટીમમાં હાર્દિક એક અનિવાર્ય ખેલાડી હતો પરંતુ તેનું પરફોર્મન્સ તાજેતરમાં ખરાબ રહેતા ટીમમાંથી બહાર આવ્યો હતો અને હવે તે અમદાવાદની ફ્રેંચાઈઝી માં જોડાવાની સાથે તેનો કેપ્ટન બની ગયો છે. હાર્દિક પંડ્યાના ખરાબ દેખાવને અનુલક્ષીને સૌરવ ગાંગુલી અને કપિલ દેવે તેને સ રણજી ટ્રોફીમાં રમવાની સલાહ આપી હતી. આ સલાહ એટલા માટે મહત્વની હતી કે એના દ્વારા ફરીથી તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આગળ આવી શક્યો હોત અને ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો હોત. પરંતુ હાર્દિક પંડ્યાએ રણજી ટ્રોફીમા રમવાની સિનિયરોની સલાહ માનવાને બદલે તેણે બરોડા ક્રિકેટ એસોસિએશન લેખિતમાં જણાવી દીધું હતું કે તે રણજી મેચોમાં ઉપલબ્ધ નથી. હવે એવા સમાચારો આવ્યા છે કે હાર્દિક પંડ્યા ipl માટેની તૈયારીમાં લાગી ગયો છે.
આઇપીએલમાં પુષ્કળ રૂપિયા મળે છે. પોતાનું ફોર્મ પરત આવે એની દરકાર રાખવાને સ્થાને માત્ર વ્હાઇટ બોલ ક્રિકેટમાં કેટલો સારો દેખાવ કરી શકે તેના પર જ તેણે ધ્યાન આપ્યું છે. તેની નજર ભારતીય ટીમમાંથી રમીને નામ કમાવાની નહીં પરંતુ આઈપીએલ રમીને પૈસા કમાવા પર છે. આ એકમાત્ર હાર્દિક પંડ્યાની વાત નથી. આ તો એક દાખલો આપવામાં આવ્યો છે પણ ભારતના જેટલા સિનિયર ખેલાડીઓ છે એ સિનિયર ખેલાડીઓ પણ હવે રણજી ટ્રોફીથી દુર ભાગી રહ્યા છે. તેઓ રણજી ટ્રોફીમાં રમતા નથી જેમાં તમે ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા પણ ગણાવી શકો. આવા જાણીતા ખેલાડીઓ હાલના સમયમાં રણજી ટ્રોફીમાં તમે રમતા જોવા નહીં મળે, જો કે એક સમય એવો હતો કે જ્યારે સ્ટાર અને સુપર સ્ટાર ખેલાડીઓ રણજી ટ્રોફીમાં રમવા માટે આવતા હતા. તેઓની રમતો જોવા માટે દર્શકો પણ મોટી સંખ્યામાં મેદાન પર હાજર રહેતા હતા જોવા માટે આવતા હતા.
હવે સ્ટાર સુપર સ્ટાર ખેલાડીઓ રણજી ટ્રોફીમાં રમતા નથી. યુવા ખેલાડીઓ કે જેઓની ઈચ્છા ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની હોય તેઓ રણજી ટ્રોફીમાં રમે છે પરિણામ એ આવે છે કે તેઓને પ્રોત્સાહન મળતું નથી. કેમકે સ્ટાર ખેલાડીઓ ન હોવાને કારણે લોકો મેચો જોવા જતા નથી. આજે તમે રણજી ટ્રોફી મેચ તરફ નજર કરશો તો માત્ર ક્રિકેટના થોડા ઘણા ચાહકો ત્યાં જતા દેખાશે, બાકી સ્ટેડિયમ ખાલી જ હશે. ભૂતકાળમાં સચિન, કપિલ રમવા આવે ત્યારે તેમને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હતા. આજે તો ચાહકોને આ રણજી ટ્રોફી મેચ ઘરે બેઠા પણ જોવા મળી શકે છે પણ તેને જોવા માટે પણ લોકો ઇચ્છુક નથી, તેનું સૌથી મોટું કારણ સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી છે.
એક સમયે આ ખેલાડીઓને રમતા જોવા માટે લોકો જોવા આવતા એને કારણે ખેલાડીઓનો ઉત્સાહ હતોઅને નવા ખેલાડીઓને પ્રેક્ષકોની હાજરીમાં રમવાનો અનુભવ મળતો હતો. આજના સમયમાં જો કે હવે આ વાત ભૂતકાળ બની ગઈ છે. આજકાલના નવા ખેલાડીઓ ઘરેલું રમત રમવાને બદલે પૈસા મળે ત્યાં વધારે ધ્યાન આપે છે. આ એક ખરાબ સંકેત છે, જો આ પ્રથા ચાલુ રહી તો મોટી સમસ્યા ઉભી થઇ શકે છે. આ સ્થિતિમાં ચોક્કસપણે એ નિશ્ચિત કરવું જોઈએ કે જે ઉભરતા યુવા ખેલાડીઓ છે તેમની સાથે સિનિયર ખેલાડીઓ પણ રમે. કારણ કે યુવા અને જુનિયર ખેલાડીઓની સાથે સિનિયર ખેલાડીઓ રમશે તો યુવા ખેલાડીઓને ઘણું બધું તેઓ પાસેથી શીખવા મળશે અને તેમને જોઈને તેમની પાસેથી શીખીને તેમની સલાહ લઈને તેઓ આગળ વધી શકે છે. આ પ્રથા ચાલુ થાય એ તરફ ક્રિકેટ બોર્ડે ધ્યાન આપવું જોઇએ કે ગમે એટલો સિનિયર ખેલાડી હોય ગમે એટલો મોટો ખેલાડી હોય પરંતુ તેને પોતાના રાજ્ય તરફથી ફરજીયાત ડોમેસ્ટિક ટૂર્નામેન્ટની મેચો રમવી જોઈએ.